• શુક્રવાર, 17 મે, 2024

મહિલા શોષણનું કલંક

 

જનતા દળ-સેક્યુલરની હાસન બેઠકથી સાંસદ પ્રજ્વલ રેવન્ના પર અનેક મહિલાઓનાં યૌન શોષણના આરોપ થયા છે. લોકસભાની ચૂંટણીમાં તેઓ ઉમેદવાર છે. આક્ષેપોની તપાસ માટે ‘સીટ’ નિમવામાં આવી છે, જ્યારે સાંસદ દેશથી ફરાર થઈ ગયા છે. રેવન્ના દેશના ભૂતપૂર્વ વડા પ્રધાન એચડી દેવ ગૌડાના પૌત્ર છે.

જનતા દળ-સેક્યુલરના આ નેતા પર લાગેલા આરોપ સાચા હોય તો આકરી કાર્યવાહી થવી જોઈએ. આપણો સમાજ એવા મુકામ પર ઊભો છે જ્યાં આપણે કોઈ મહિલા અત્યાચારની વાત સાંભળી કે સાંખી શકીએ એમ નથી. આવા ‘નેતા’ રાજ-કારણ - જાહેર જીવનમાં હોઈ શકે?

જનતા દળ-સેક્યુલર માટે આ શરમજનક પળ છે. ગઠબંધનની રાજનીતિના કારણે જ આવા પક્ષનું મહત્ત્વ રહ્યું છે ત્યારે દરેક પક્ષે આત્મચિંતન કરવું જોઈએ. ભારતીય રાજનીતિમાં આવા પ્રકારના કેટલા કલંકિત નેતાઓ છે? જો પ્રજ્વલ રેવન્નાથી સંકળાયેલી વીડિયો ક્લિપ હજારોની સંખ્યામાં પ્રસારિત થવા લાગે  તો કર્ણાટક સરકારે તેનાં મૂળ સુધી જવાની જરૂર છે. ધ્યાનમાં રહે કે રેવન્ના  વિરુદ્ધ ફરિયાદ કેટલીક મહિલાઓનાં શોષણ સુધી સીમિત નથી, આશંકા છે. અનેક ફરિયાદો હવે બહાર આવશે અને સંપૂર્ણ ઈમાનદારીથી દરેક ફરિયાદની તપાસ કરવી રહેશે.

ગંભીર બાબત એ છે કે આરોપી જર્મની ભાગી ગયો છે. રેવન્નાને કોણે ભગાડયો? કર્ણાટક મહિલા પંચનાં અધ્યક્ષ ડૉ. નાગલક્ષ્મીના પત્ર પછી કર્ણાટક સરકારે એક વિશેષ તપાસ ટીમની નિમણૂક કરી છે અને તપાસ ટીમે રાજનીતિથી પ્રભાવિત થયા વિના કાયદા મુજબ કાર્યવાહી કરવાની છે. આવાં પ્રકરણોમાં પક્ષપાત અને ભીનું સંકેલી ન લેવામાં આવે તેની ખાસ તકેદારી રાખવાની રહેશે.

રેવન્ના દોષી હોય કે નહીં કાયદાને આધીન રહેવું જોઈએ. કાયદાથી ભાગતા રહેશે તો તેનાથી તેમના પક્ષને નુકસાન થશે. આ તમામ સિયાસી ખાનદાનો માટે પણ વિચાર કરવાનો સમય છે. સત્તાનો કોઈપણ પ્રકારનો દુરુપયોગ વધુ સમય સુધી લાભકારી નથી હોતો. ક્યારે ને ક્યારે કોઈ પીડિત હિંમત સાથે આગળ આવી જાય છે અને ત્યારે મોઢું છુપાવવું મુશ્કેલ બની જાય છે. સભ્ય સમાજમાં આવાં કૃત્યો માટે કોઈ સ્થાન નથી, રેવન્નાને પકડવો હવે મોટો પડકાર નહીં બની રહેવો જોઈએ.

ઇ-પેપરના નવા શુલ્ક