• મંગળવાર, 17 નવેમ્બર, 2026

પ્રવાસન ક્ષેત્રે ‘િદવાળી ’

રજાઓ કે પર્વમાં વિવિધતાભર્યા સ્થળોએ ફરવું તે ગુજરાતીઓની જૂની વિશેષતા છે. છેલ્લા બે દાયકાથી ગુજરાત પોતે જ પ્રવાસનું અગત્યનું કેન્દ્ર બન્યું છે. મોંઘવારી કે મંદી જેવી વાતો અથવા સ્થિતિ વચ્ચે પણ ગુજરાતીઓ, આમ તો દેશવાસીઓ ઘર આંગણે દિવાળી ઉજવી શકે છે તો ભ્રમણ કરીને પણ ગુજરાતથી લઈને પરદેશ સુધી પહોંચી શકે છે એવું આ વર્ષે પણ જોઈ શકાયું.

પ્રવાસ કરનારની સંખ્યા હજી કોઈ સ્થળ કે ચારધામ જેવી રજિસ્ટ્રેશનની વ્યવસ્થાથી જાણી શકાય પણ પ્રવાસના અર્થતંત્રની સંખ્યા આપવાનું મુશ્કેલ છે. વાહનોની સંખ્યા, રસ્તા ઉપર થતો ટ્રાફિકજામ અને હોટલમાં થતી ભીડ પ્રવાસીઓના રુચિલોકનું પ્રતાબિંબ છે. ગુજરાતીઓ આ વર્ષે પણ ઘણું ફર્યા, ‘ઘર ત્યજી જનારને મળતી વિશ્વ તણી વિશાળતા ’ તે ઉક્તિ જન ગુર્જરે સાર્થક કરી. રણકાંધીએ આવેલી શ્વેત ધરા જોવા પ્રવાસીજન પહોંચ્યા. રણોત્સવ વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ભેટ છે અને લોકોએ હરખાતા હૈયે તે વધાવી. સાથે જ ‘કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા’નો અમિતાભ બચ્ચનનો અનુરોધ યાદ રાખીને પાળતા હોય તેમ ‘રોડ ટુ હેવન ’, કાળો ડુંગર સહિતના સ્થળે પણ મેદની ઉમટી.

સૌરાષ્ટ્રમાં સિંહ સાથે દિવાળી ઉજવવા માટે છેક મુંબઈ સહિતના મહાનગરોથી પ્રવાસી આવ્યા અને રિસોર્ટ હોટલ છલકાવી દીધા. આ તમામ પ્રવાસધામો સુધી પહોંચવા માટેના વાહન, રિસોર્ટ, હોટલના ભાડા, રેસ્ટોરન્ટ કે ચાના થડા ઉપર વપરાતા રૂપિયાનો આંક નાનો નથી. સહેલ સાથે શ્રદ્ધા પણ એવું જ નિમિત્ત બની. ભાઈ બીજે ગોમતીજીના સ્નાન માટે હજારો લોકો દ્વારકા પહોંચ્યા જે ભીડ લાભ પાંચમની સાંજ સુધી આ ધર્મનગરીના માર્ગો ઉપર હતી અને આ જ સ્થિતિ સોમનાથમાં પણ હતી.

પાવાગઢ અને ગિરનારના વીડિયો વિવિધ માધ્યમોમાં દેખાયા. ગુજરાત અને તેની બહાર લોકોનો મોટો સમૂહ ગયો, બહારથી આવ્યો. સ્ટેચ્યુ ઓફ યુનિટી કે અહીંના સાગર કિનારા બધે ભીડ હતી. આ ઉત્સાહની સાથે પ્રદૂષણ, ટ્રાફિક નિયમન જેવા પ્રશ્નો પણ અનુભવાયા. પ્રવાસ ગુજરાતીઓની નાડમાં છે. સૌ કોઈ પોતાની ક્ષમતા, સાનુકૂળતા મુજબ ફર્યા. આપણે ત્યાં પ્રવાસીઓ માટે રહેવાની સવલત, પરિવહન સરકારી સ્તરે અને દરે કેટલા ઉપલબ્ધ છે તે તો સર્વવિદિત છે. સર્કિટ હાઉસ કે પ્રવાસન નિગમના ગેસ્ટ હાઉસ જેવા સ્થળે સામાન્ય લોકો ભાગ્યે પહોંચી શકે અને પહોંચ્યા પછી તેમને સગવડ કેવી મળે તે પ્રશ્ન છે. દ્વારકા - સોમનાથ કે કચ્છ તરફ જતા રસ્તા સારા છે પણ બધે જ એવું નથી.

પ્રવાસન ક્ષેત્ર માટે આર્થિક ફાયદાનું નહીં, રાષ્ટ્રીય - આંતર રાષ્ટ્રીય સ્તરે શાખ વધારવાનું પણ માધ્યમ છે. પ્રવાસમાં પણ ગુજરાત મોડેલ સફળ થાય તેવા પ્રયાસ વધારવા જોઈએ. જે થાય છે તે સારું જ છે પરંતુ તે મોટા સમૂહને સુલભ બને, મધ્યમ વર્ગ પણ ગુણવત્તાસભર પ્રવાસનો આનંદ માણે તે દિશામાં આગળ વધી શકાય તો રૂડું.

ઇ-પેપરના નવા શુલ્ક