• ગુરુવાર, 02 મે, 2024

અમીત શાહના રોડ શોમાં જનમેદની ઉમટી : ‘જયશ્રી રામ’ના નારા લાગ્યા

ગાંધીનગર લોકસભાની 6 વિધાનસભામાં 14 કિમી લાંબો ભવ્ય રોડ-શો કરીને ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરતા કેન્દ્રીય ગૃહમંત્રી

અમદાવાદ, તા. 18 (ફૂલછાબ ન્યૂઝ) :  કેન્દ્રીય ગૃહમંત્રી તેમજ ગાંધીનગર લોકસભા બેઠકના ઉમેદવાર અમિત શાહે આજે ગાંધીનગર લોકસભાની 6 વિધાનસભામાં 14 કિમી લાંબો ભવ્ય રોડ-શો કરીને ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા.

શાહે સાણંદથી રોડ શોની શરૂઆત કરી હતી જેમાં બહોળી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી. રોડ શોમાં અબકી બાર 400 પાર અને જય શ્રી રામના નારા લાગ્યા હતા.  અમિત શાહના પુત્ર જય શાહ પણ આ રેલીમાં જોડાયા હતા. ફૂલોથી શણગારેલા ટ્રકમાં અમિત શાહે સવાર થઈ રેલીની શરૂઆત કરાવી હતી. આકરી ગરમીમાં પણ માનવમેદની ઉમટી પડી હતી. આજે રોડ શો બાદ આવતીકાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉમેદવારી ફોર્મ ભરશે.

રોડ શો પૂર્વે અમિત શાહે ટ્વિટ કરતા કહ્યંy હતું કે, મારાં ગાંધીનગર લોકસભા ક્ષેત્રનાં બહેનો અને ભાઇઓને દેશનાં દરેક ક્ષેત્રમાં નંબર-1 તેમજ ગાંધીનગરને દેશના સૌથી વિકસિત લોકસભા મતવિસ્તારોમાંથી એક આદર્શ લોકસભા બનાવવાના ઉદ્દેશ્યથી ફરી એકવાર કમળ ખીલે અને મોદીજીને ફરી વડાપ્રધાન બનાવવા આશીર્વાદ આપવા આહ્વાન કરીશ. અમિત શાહનો રોડ શો ઘાટલોડિયા પહોંચ્યો ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ અને રાજ્યના ગૃહમંત્રી અમિત શાહ પણ સાથે જોડાયા હતા.

નોંધનીય છે કે ગાંધીનગર લોકસભા હેઠળ આવતા સાણંદ એપીએમસી સર્કલ ખાતેથી મેગા રેલી યોજી અમીત શાહે ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કર્યા હતા. જેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉમટયા હતા ત્યાર બાદ સાબરમતી વિધાનસભાનાં રાણીપ શાક માર્કેટથી બીજો રોડ શો શરૂ કર્યો હતો, બાદમાં ઘાટલોડિયા વિધાનસભાના વિસ્તારમાં ત્રીજો રોડ શો અને નારણપુરા વિધાનસભા વિસ્તારમાં ચોથો રોડ શો કર્યો હતો. છેલ્લે તેમણે વેજલપુરમાં જાહેર સભાને સંબોધી હતી.

ઉલ્લેખનીય છે કે, રોડ શોનાં આયોજન માટે વિધાનસભા વિસ્તારમાં બૂથ સ્તરથી લઈ સોસાયટીઓ સુધીનું પ્લાનિંગ કરાયું હતું. રોડ શોનાં રૂટમાં કયા પોઇન્ટ પર કેટલા લોકો ઉભા રહેશે ? એ માટે પણ છેલ્લા ચાર દિવસથી આયોજન થઈ રહ્યું હતું.

 

ઇ-પેપરના નવા શુલ્ક