• બુધવાર, 28 ફેબ્રુઆરી, 2024

જૂ.હોકી વર્લ્ડ કપ : ભારતીય મહિલા ટીમ હારી

બીજા મેચમાં જર્મનીનો 4-3થી વિજય : આજે બેલ્જીયમ સામે ટક્કર

સૈંટિયાગો તા.1 : મહિલા જૂનિયર હોકી વિશ્વ કપના બીજા મુકાબલામાં ભારતીય ટીમનો જર્મની સામે પરાજય થયો છે. બે ગોલની લીડ મેળવ્યા બાદ પણ ભારતીય મહિલા ટીમ મેચ બચાવી શકી નહીં અને જર્મની વિરુદ્ધ 3-4થી હારી હતી.

ભારત માટે 11મી મિનિટે અન્નુ, 14મી મિનિટે રોપનીકુમારી અને ર4મી મિનિટે મુમતાઝ ખાને ગોલ કર્યો હતો. પહેલા મેચમાં કેનેડાને 1ર.0થી કચડી નાખનાર ભારતીય ટીમે જર્મની વિરુદ્ધ આક્રમક શરુઆત કરી અને વિરોધી ટીમને ભીંસમાં લીધી હતી. ભારતને સતત પેનલ્ટી કોર્નર મળ્યા હતા. પરંતુ બીજા કવાર્ટરમાં જર્મની માટે સોફિયાએ બીજી જ મિનિટે ગોલ કર્યો હતો. લૌરાએ ગોલ કરી મુકાબલો બરાબરી પર લાવી દીધો અને 36મી મિનિટે વધુ એક ગોલ કર્યો. કૈરોલિને 38મી મિનિટે ગોલ કરી જર્મનીને લીડ અપાવી હતી. છેલ્લા ભાગમાં બંન્ને ટીમે જોર લગાવ્યું પરંતુ ગોલ કરી શકી ન હતી.

ભારતને છેલ્લી ક્ષણોમાં બે પેનલ્ટી કોર્નર મળ્યા પરંતુ તેનો ફાયદો ઉઠાવી શકાયો નહીં. ભારતીય ટીમનો મુકાબલો શનિવારે બેલ્જીયમ સામે થશે.

Budget 2024 LIVE