પ્લેઓફમાંથી
બહાર થઇ ચૂકેલ લખનઉ ટીમની નજર પ્રોત્સાહક જીત પર
અમદાવાદ,
તા.21: પોઇન્ટ ટેબલ પરની ટોચની ટીમ ગુજરાત ટાઇટન્સ ગુરૂવારે લખનઉ સુપર જાયન્ટસ વિરૂધ્ધ
મેદાનમાં ઉતરશે. ત્યારે તેની નજર શાનદાર ફોર્મ જાળવી રાખી વધુ એક વિજય સાથે પ્લેઓફમાં
ટોચની બે ટીમમાં જગ્યા પાકી કરી લેવી. ટાઈટન્સના 12 મેચમાં 18 અંક છે. આ મામલે આરસીબી
અને પીબીકેએસ રેસમાં છે. જેમના 17-17 અંક છે અને 2-2 મેચ બાકી છે. આથી શુભમન ગિલની
ટીમ હોમ ગ્રાઉન્ડ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર લખનઉ સામે વિજય માટે કોઇ કસર છોડશે નહીં.
ઋષભ પંતની આગેવાનમાં રમતી લખનઉ ટીમ પ્લેઓફમાંથી આઉટ થઇ ચૂકી છે. તેની નજર સન્માનજનક
વિજય પર હશે.
ગુજરાત
ટાઇટન્સના સાઇ સુદર્શન અને શુભમન ગિલ ઓરેન્જ કેપ લીડર બોર્ડ પર દબદબો બનાવી ચૂકયા છે.
જોસ બટલર પણ શાનદાર ફોર્મમાં છે. આ ત્રણેયના ખાતામાં અનુક્રમે 617, 601 અને પ00 રન
છે. મોટાભાગના મેચમાં આ ત્રિપુટી જ જીતની સૂત્રધાર રહી છે. ત્રણેય મળી 16 અર્ધસદી અને
1 સદી કરી ચૂકયા છે. તેમના આ સંગીન દેખાવને લીધે ટાઈટન્સના મીડલ ઓર્ડરને વધુ મહેનત
કરવી પડતી નથી. ગુજરાતના બોલરોએ પણ શિસ્તબધ્ધ પ્રદર્શન કર્યું છે. પ્રસિધ્ધ કૃષ્ણા
સર્વાધિક 21 વિકેટ લઇ ચૂકયો છે. મોહમ્મદ સિરાજ અને સાઇ કિશોરના નામે 1પ-1પ વિકેટ છે.
દ.આફ્રિકાનો રબાડા વાપસી કરી ચૂકયો છે. જો કે તે પ્લેઓફ રાઉન્ડ અગાઉ પરત ફરશે.
બીજી
તરફ સનરાઇઝર્સ સામેની હાર સાથે લખનઉ સુપર જાયન્ટસ ટીમ પ્લેઓફમાંથી બહાર થઇ ચૂકી છે.
આ ટીમ સતત ચાર મેચ હારી ચૂકી છે. બેટિંગમાં વિદેશી ખેલાડી મિચેલ માર્શ, એડન માર્કરમ
અને નિકોલસ પૂરન પર ટીમ નિર્ભર રહે છે. સુકાની પંતનો ફલોપ શો લખનઉને ભારે પડયો છે.
આવેશખાન અને આકાશદીપ ફિટનેસની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. ટીમનો સૌથી સફળ સ્પિનર
દિગ્વેશ રાઠી છે. તેના વિના લખનઉ ઉતરવું પડશે, કારણ કે તેના પર એક મેચનો પ્રતિબંધ છે.
આથી ટાઇટન્સ સામે એલએસજીની રાહ ઘણી કઠિન છે.