• સોમવાર, 02 ડિસેમ્બર, 2024

ગરીબ-મધ્યમ વર્ગના લોકો માટે જન ઔષધી કેન્દ્ર સારવારની બચતનું કેન્દ્ર: મંત્રી માંડવિયા

 

વડાપ્રધાન મોદીનાં 73 વર્ષ પૂર્ણતાના અવસરે રાજકોટથી 73 જન ઔષધિ કેન્દ્રો ખુલ્લા મુકાયાં

રાજકોટ, તા.17: ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આજે 73 વર્ષ પૂર્ણ થવાના અવસરે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીનાં સંચાલનમાં રાજકોટ ખાતે કેન્દ્રીય આરોગ્ય મંત્રી દ્વારા રાજ્યમાં 73 જન ઔષધી કેન્દ્ર ખુલ્લા મૂકવામાં આવ્યાં. જેમાં રાજકોટ ખાતે સિવિલ હોસ્પિટલ, પદ્મ કુંવરબા હોસ્પિટલ તેમજ ગોંડલ હોસ્પિટલ ખાતે એક મળીને ત્રણ ઔષધી કેન્દ્રનો શુભારંભ થયો છે.

અવસરે મંત્રી માંડવિયાએ જણાવ્યું હતું કે, તેઓનું જીવન માનવતા અને સેવા કાર્ય સાથે વણાયેલું હોવાથી આપણે પણ તેમાં સહભાગી બની ગરીબ, સામાન્ય પરિવારના લોકોને મદદરૂપ બનીએ. જેના ભાગ રૂપે રેડક્રોસ સોસાયટીનાં માધ્યમથી આજે 73 જેટલા જન ઔષધિ કેન્દ્રો દેશને સમર્પિત કરાયા છે. પ્રધાનમંત્રીની પ્રેરણાથી ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને સારવાર અર્થે જરૂરી  દવાઓ કિફાયતી દામે મળી રહે તે હેતુથી વર્ષ 2016થી પ્રારંભ કરાયેલા પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્રોનાં વિસ્તરણ સાથે દેશમાં 9 હજારથી વધુ કેન્દ્ર પર રોજના 20 લાખ લોકો દવાનો લાભ લઈ આર્થિક બચત કરી રહ્યા છે. જન ઔષધી કેન્દ્ર સારવારની બચતના કેન્દ્રો છે, ભારત દેશમાં આરોગ્ય ક્ષેત્ર કોમર્સ નહીં પરંતુ સેવાનું માધ્યમ છે.

પ્રસંગે સાંસદ કુંડારિયા, મોકરિયા, મેયર નયનાબેન પેઢડિયા, ધારાસભ્યો ઉદય કાનગડ, ડો.દર્શિતા શાહ, રમેશ ટિલાળા, સ્ટેન્ડિંગ ચેરમેન જૈમીન ઠાકર, ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના ગુજરાત રાજ્ય શાખાના ચેરમેન અજયભાઈ પટેલ, શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી, ડો.વલ્લભ કથીરિયા, રાજુ ધ્રુવ, વી.પી.વૈષ્ણવ સહિતના અગ્રણીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ઇ-પેપરના નવા શુલ્ક