• ગુરુવાર, 02 મે, 2024

આલિયા, સાક્ષી, બંગાની બોલબાલા

ટાઈમ ટોપ 100માં માઈક્રોસોફ્ટના ચેરમેન સત્ય નડેલા અને ડિરેક્ટર દેવ પટેલનું નામ પણ સામેલ

ન્યૂયોર્ક, તા. 18 : ટાઈમ મેગેઝિને 2024 માટે વિશ્વની 100 સૌથી પ્રભાવશાળી હસ્તીઓની યાદી જાહેર કરી છે. જેમાં અભિનેત્રી આલિયા ભટ્ટ, કુસ્તીબાજ સાક્ષી મલિક, વર્લ્ડ બેંકના પ્રેસિડેન્ટ અજય બંગા, માઇક્રોસોફ્ટના સીઇઓ સત્ય નડેલા અને અભિનેતા-ડિરેક્ટર દેવ પટેલનું નામ સામેલ છે.

આ યાદીમાં અમેરિકાના એનર્જી લોન પ્રોગ્રામ ઓફિસના ડાયરેક્ટર જિગર શાહ, ખગોળશાસ્ત્ર અને યેલ યુનિવર્સિટીના ફિઝિક્સના પ્રોફેસર પ્રિયંવદા નટરાજનનો પણ સમાવેશ થાય છે. આ સિવાય ભારતીય મૂળની રેસ્ટોરન્ટની માલિક અસ્મા ખાન અને દિવંગત રશિયન વિપક્ષી નેતા એલેક્સી નવલનીની પત્ની યુલિયા નવલનાયાને પણ સ્થાન આપવામાં આવ્યું છે.

વિશ્વ બેંકના પ્રમુખ અજય બંગાનો જન્મ પૂણેમાં થયો હતો, તેમણે અમદાવાદથી એમબીએ કર્યું હતું. ભારતીય મૂળના અજય બંગાએ ગયા વર્ષે 2 જૂને વિશ્વ બેંકના અધ્યક્ષ તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો

54 વર્ષના સત્ય નડેલા વિશ્વની અગ્રણી ટેક કંપની માઇક્રોસોફ્ટના ચેરમેન છે.

2008માં ડેની બોયલની ફિલ્મ સ્લમ ડોગ મિલિયોનેરથી દેવ પટેલ વિશ્વમાં પ્રખ્યાત થયા હતા.

સાક્ષીએ બ્રિજભૂષણાસિંહ સામે કુસ્તીમાં યૌન શોષણ વિરુદ્ધ અભિયાન ચલાવ્યું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક