• રવિવાર, 31 ઑગસ્ટ, 2025

સિંહની પજવણી કરનાર શખસને તળાજા કોર્ટે જેલમાં ધકેલ્યો

મદદ કરનાર ઇસમની પણ અટકાયત થશે

તળાજા, તા.6: તળાજાના તલ્લી બાંભોર ગામની વચ્ચે આવેલી સીમમાં સિંહ મરણ કરતો હોવાનો વીડિયો વાયરલ કરવો યુવાનને ભારે પડયો છે. વીડિયોમાં દેખાતા યુવાનની ફોરેસ્ટ વિભાગે ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતા તળાજા કોર્ટે જામીનપાત્ર ગુનો ન હોય જેલમાં મોકલી આપ્યો છે.તળાજા વિસ્તારમાં સાવજ અને દીપડાઓ વિચરણ કરી રહ્યા છે. તેઓની દૈનિક ક્રિયામાં ખલેલ પહોંચાડવી સાથે તેમનો વીડિયો વાયરલ કરવો એ વન્ય પ્રાણી સંરક્ષણધારા 1972ની વિવિધ કલમો હેઠળ ગંભીર ગુનો માનવામાં આવ્યો છે. તેમ છતાં તલ્લી ગામના ગૌતમ ઘેલાભાઈ શિયાળ નામના શખસ દ્વારા સિંહ મારણ ખાઈ રહ્યો હોય તેની નજીક જઈ વીડિયો ઉતારતો હોય સિંહ ખિજાઈને કેટલાક ડગલા દોડતો હોવાનો અન્ય કોઈ અજાણ્યા વ્યક્તિ વીડિયો ઉતાર્યો હતો. આ ઘટનાને  લઈ વીડિયોમાં દેખાતા ગૌતમ શિયાળની રેન્જ ફોરેસ્ટ ઓફિસર રાજુ ઝીંઝુવાડિયાએ ધરપકડ કરી તળાજાની એડી.ચીફ. જુડી.કોર્ટમાં રજૂ કર્યો હતો.

આરોપીને જામીન ન મળે તે માટે ફોરેસ્ટ વિભાગ દ્વારા આરોપીએ સક્ષમ અધિકારી સમક્ષ ગુનાની કબૂલાત આપેલી હોવાની સાથે અન્ય મદદદર શખસને પકડવાનો બાકી હોય સહિતની દલીલને ધ્યાનમાં રાખીને તળાજા કોર્ટ દ્વારા આરોપીને જેલમાં મોકલી દેવામાં આવ્યો હતો. જો ગુનો સાબિત થાય તો આરોપીને ત્રણથી સાત વર્ષ સુધીની જોગવાઈ સાથે રોકડ રકમ રૂ.25,000 નો દંડની જોગવાઈ છે. એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

ઇ-પેપરના નવા શુલ્ક