અમરેલી, તા.પ: અમરેલી જિલ્લાના ખાંભા તાલુકામાં એક યુવતીએ કરેલી આત્મહત્યાના કેસમાં પોલીસ દ્વારા મહત્વપૂર્ણ કામગીરી કરી આ બનાવમાં મોટા રેકેટનો ખુલાસો કરવામાં આવ્યો છે. ખાંભા પોલીસે રાજસ્થાન અને મધ્યપ્રદેશ રાજ્યમાંથી બે આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી બન્ને આરોપીની વધુ પુછપરછ હાથ ધરી છે.
ગત
16 જુલાઈના રોજ ખાંભા ખાતે એક ખાનગી બેંકમાં ફરજ બજાવતી ભૂમિકાબેન હરેશભાઈ સોરઠીયા
નામની યુવતીએ આત્મહત્યા કરી હતી. આ બનાવને પગલે ભારે ચકચાર મચી જવા પામી હતી. આ બનાવમાં
મૃતક યુવતીના પરિવારજનો દ્વારા જે તે સમયે ખાંભા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
આ યુવતીએ
આત્મહત્યા કરતાં પૂર્વે એક સ્યુસાઈડ નોટ લખી હતી જે સ્યુસાઈડ નોટ મળી આવી હતી. જેમાં
તેણીને મેમ્બરશીપના નામે વિશ્વાસમાં લઈ અને ટેલિગ્રામ મારફતે યુવકો દ્વારા રપ લાખ જેટલી
મોટી રકમની છેતરપીંડી કરી હોવાનું જણાવ્યું હતું. જેથી આ યુવતીએ આત્મહત્યા કરી લીધી
હતી.
આ બનાવમાં
પોલીસ દ્વારા વધુ ઝીણવટભરી તપાસ કરી આરોપી પુષ્કરરાજ ધર્મેન્દ્રભાઈ નામના આરોપીની મધ્યપ્રદેશ
ખાતેથી અને રોહિત ઉર્ફે ઝોન રામ ચંદ્રાણી નામના આરોપીની રાજસ્થાનના જોધપુર ખાતેથી ઝડપી
લીધા હતા.
આ અંગે
ડીવાસએસપી નયના ગોરડીયાએ જણાવ્યું હતું કે, યુવતી સોશિયલ મીડિયાના ટેલિગ્રામમાં એક
આરોપીના સંપર્કમાં આવી હતી. જેમાં આરોપીએ શરૂઆતમાં યુવતીને વળતર આપી અને તેણીને વિશ્વાસમાં
લીધી હતી. જે બાદ પ્રીમિયમ અને મેમ્બરશીપ સહિતના અલગ અલગ બહાના બતાવીને યુવતી પાસેથી
મોટી રકમ પડાવી લીધી હતી. જે બાદ વળતર ન આવતા આ યુવતી પર દેવું જઈ જતા તેણીએ આત્મહત્યા
કરી લીધી હોવાનું જાણવા મળ્યુ છે.