આરોપીએ
ધિરાણના હપ્તા, શેર, ખાતરના વેંચાણની રકમ શાખામાં જમા ન કરાવી: ઉચાપત કર્યાનું ખુલતા
રૂ.9.51 લાખ જમા કરાવ્યા : બાદમાં અન્ય રકમ જમા ન કરાવતા નોંધાઈ ફરિયાદ
અમરેલી,
તા.21: લીલિયા તાલુકાના આંબા ગામે આવેલી સેવા સહકારી મંડળી લી.આંબાના મંત્રીએ સભાસદો
પાસેથી ધિરાણના હપ્તા, શેર, ખાતરના વેંચાણની રકમ શાખામાં જમા ન કરાવી ઉચાપત કરતા ચકચાર
મચી જવા પામી છે. આરોપીએ રૂ.1.61 કરોડની ઉચાપત કરતા આ મામલે ફરિયાદ નોંધાઈ છે.
પ્રાપ્ત
વિગત મુજબ સાવરકુંડલા ગામે આવેલ હાથસણી રોડ ગાયત્રી સોસાયટીમાં રહેતા અશોક ભાયલાલભાઇ
મહેતા નામના આરોપીએ રૂ.1.61 કરોડની ઉચાપત આચરતા ચકચાર મચી જવા પામી છે. આરોપીએ લીલીયા
તાલુકાના આંબા ગામે આવેલી સેવા સહકારી મંડળી
લી. આંબા (શ્રી ખેતી વિષયક વિવિધ કાર્યકારી સહકારી મંડળી લી.)માં મંત્રી તરીકેની ગત
તા.5/7/24 થી તા.17/1/25 સુધીની ફરજ દરમ્યાન કૌભાંડ આચર્યું હતું. મંડળીના અલગ અલગ
સભાસદો પાસેથી મધ્ય મુદત ધિરાણની હપ્તાની તથા વ્યાજની તથા શેરની રકમ તથા મંડળીના રાસાયણીક
ખાતરના વેંચાણની કુલ રકમ રૂા.1,71,21,457.77 મંડળીના રોજમેળમાં જમા લઈ અને આ નાણાની
સીલક ગેરકાયદેસર રીતે મર્યાદા બહારની સિલક હાથ ઉપર રાખી અમરેલી જીલ્લા મધ્યસ્થ સહકારી
બેંક લી. આંબા ખાતે આવેલી શાખામાં જમા કરાવી ન હતી. મંડળીની રકમની ઉચાપત જાહેર થતા
આરોપીએ ગઇ તા.18/2/25ના રોજ મંડળીના ઉચાપતની સીલક પૈકીના નાણા રૂા.4,51,432 તથા તા.7/05/25ના
રોજ રૂા.5,00,000 મળી કુલ રૂા.9,51,432 બેન્કમાં જમા કરાવી બાકીના રૂા.1,61,70,025.77
બેન્કમાં જમા ન કરાવતા અને આંબા સેવા સહકારી મંડળી તથા અમરેલી જીલ્લા મધ્યસ્થ સહકારી
બેન્ક (આંબા શાખા) સાથે વિશ્વાસધાત તથા છેતરપિંડી કરી નાણાની ઉચાપત કરી ગુનો કર્યા
અંગેની લીલિયા પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.