• શનિવાર, 04 મે, 2024

વડાલીમાં રૂપાલાનો વિરોધ : ધારાસભ્ય વોરા અને ક્ષત્રિય આગેવાનો વચ્ચે ઉગ્ર બોલાચાલી - ઘર્ષણ ક્ષત્રિય સમાજના અગ્રણીઓની પોલીસે અટકાયત કરી

અમદાવાદ, તા.21 : ગુજરાતમાં લોકસભા ચૂંટણીનો માહોલ જામ્યો છે. રાજ્યમાં પ્રચાર પડઘમ જોરશોરથી ચાલી રહ્યો છે ત્યારે છેલ્લા કેટલાક દિવસથી રૂપાલા મામલે વિવાદનો વંટોળ યથાવત્ જોવા મળી રહ્યો છે. પહેલાં સંમેલનો ભરાયાં અને હવે ક્ષત્રિયોનો આક્રોશ એટલી હદે વધી ગયો કે તેમણે તેમની આગળની રણનીતિ મુજબ કાર્ય કરવાનું શરૂ કરી દીધું. રૂપાલાનું તો ફોર્મ પણ ભરાઈ ગયું. હવે આ મામલે ક્ષત્રિયો આકરાં પાણીએ છે. આજે લોકસભા ચૂંટણીને લઈને સાબરકાંઠાનાં વડાલીમાં ભાજપ કાર્યાલયનાં ઉદ્ઘાટન પ્રસંગે ધારાસભ્ય રમણલાલ વોરાની સભામાં ક્ષત્રિયો વિરોધ માટે પહોંચ્યા હતા. જ્યાં ધારાસભ્ય રમણલાલ વોરા અને ક્ષત્રિય આગેવાનો વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઘર્ષણ થયું હતું. ક્ષત્રિય સમાજના અગ્રણીઓની પોલીસે અટકાયત કરતા હંગામો થયો હતો. 

સાબરકાંઠાનાં વડાલીમાં ધારાસભ્ય રમણલાલ વોરાના કાર્યક્રમમાં આજે ક્ષત્રિયો પહોંચ્યા હતા અને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. સાબરકાંઠા જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી રાજેન્દ્રાસિંહ કુંપાવત સહિતના ક્ષત્રિય યુવાનો  દ્વારા રસ્તાઓ રોકવામાં આવ્યા હતા. આ દરમિયાન રમણલાલ વોરા કાર્યક્રમમાં પહોંચ્યા હતા અને ક્ષત્રિયો અને રમણલાલ વોરા વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. રમણલાલ વોરા ગુસ્સે ભરાયા હતા અને વિરોધ કરતા આગેવાનોની પાછળ દોડયા હતા. એટલે કે કાર્યક્રમ સ્થળ પર ઉગ્ર બોલાચાલી થઈ હતી અને મામલો એટલી હદ સુધી વધી ગયો કે પોલીસે રમણલાલ વોરાને જ કોર્ડન કરવા પડયા. આ દરમિયાન પોલીસે વચ્ચે પડી મામલો શાંત પાડવાનો પ્રયત્ન કર્યો હતો. સાથે જ વિરોધ કરી રહેલા આગેવાનોની અટકાયત કરી લેવામાં આવી હતી.

આમ, રમણલાલ વોરા જેવા સિનિયર નેતા વિરોધ દર્શાવતા લોકોની પાછળ ગુસ્સામાં દોડતા સર્જાયેલી ઘર્ષણની ઘટના બનતા ક્ષત્રિય સમાજમાં રોષની લાગણી વ્યાપી હતી અને સાથે વડાલી ગામના ક્ષત્રિય સમાજના લોકો મોટી સંખ્યામાં પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. જ્યાં પણ ક્ષત્રિયો એટલી હદે આક્રોશિત હતા કે ત્યાં પણ તેઓએ જય ભવાનીના નારા લગાવ્યા હતા. 

અત્રે ઉલ્લેખનીય છે કે, ગત 19મી એપ્રિલે ક્ષત્રિય સંકલન સમિતિની બેઠક મળી હતી. આ બેઠકમાં પુરુષોત્તમ રૂપાલાની વિરુદ્ધમાં ઓપરેશન પાર્ટ 2 જાહેર કરાયું હતું.  ક્ષત્રિય સંકલન સમિતિએ કરેલ જાહેરાત મુજબ રૂપાલાની સાથેસાથ ગુજરાતની 26 લોકસભા બેઠક પર ભાજપ અને રૂપાલાનો વિરોધ કરવામાં આવશે. જેના અતંર્ગત આજે સાબરકાંઠાના વડાલીમાં ક્ષત્રિય રાજપૂત સમાજના ટેકેદારોએ દેખાવો કર્યા હતા.

 

ઇ-પેપરના નવા શુલ્ક