• શુક્રવાર, 17 મે, 2024

તળાજામાં અથાણાની કેરીનું આગમન : ભાવ બેથી ત્રણ ગણા

માલની અછતથી ભાવ વધ્યા : તરબૂચ અને સાકરટેટીનું વેચાણ વધ્યું

હાતિમ હાથી

તળાજા, તા.1 : તળાજાની બજારમાં ચૈત્રી પૂનમ બાદ અથાણું બનાવવા માટે ગૃહિણીઓ સજ્જ થાય છે. તેની સામે બજારમાં અથાણાંની કેરી આવવા લાગી છે. કેરીના દલાલ આર.કે.ના જણાવ્યા મુજબ અથાણાં માટે ચાર પ્રકારની કેરી આવે છે. જેમાં પહેલા નંબરે રાજાપુરી, તોતા, બદામી અને દેશી, રાજાપુરી સૌથી મોંઘી દર વર્ષે હોય છે. જો કે, રાજાપુરી જ વધુ વેચાય છે.

તળાજાના સોસિયા, કામરોલ, સાંગણા, બોરલા અને નેશિયા સહિતનાં ગામોમાં થોડા છોડવા છે એ ઉપરાંત સુરત, પાવાગઢ, વડોદરા તરફથી આવે છે. ગત વર્ષે રાજાપુરીનો ભાવ 20 કિલોએ રૂા.400-500 હતો. તેની સામે આ વર્ષે રૂા.1000થી 1400 સુધીનું વેચાણ થયેલું છે. એટલે કે ગત વર્ષ કરતા આ વર્ષે બેથી ત્રણ ગણી મોંઘી! તેમ છતાંય બજારમાં હજુ અથાણાની રાજાપુરીની અછત વર્તાય છે. તેનાં કારણે જે વેપારીઓને પણ દલાલ દ્વારા માગ કરતા 10-20 ટકા ઓછી આપવામાં આવે છે. દેશી કેરીનો ભાવ સૌથી ઓછો 20-30 રૂપિયે કિલો છે. બદામી

40-50 અને તોતા 35થી 40 રૂપિયા હોલસેલ ભાવ છે. ગુજરાત તેમાંય ખાસ કરીને સૌરાષ્ટ્રમાં મહેમાન આવે અને બે-ત્રણ જાતનાં અથાણાં પીરસવાની જે પરંપરા છે. તેવી ચટાકેદાર થાળી હવે મોંઘી પડશે. જો કે, કરિયાણાના વેપારી જેન્તીભાઈ જણાવે છે કે, આ વખતે મસાલાના ભાવ ગત વર્ષ કરતા વધ્યા નથી. હળદરના ભાવ વધ્યા છે. તેની સામે મરચાના ભાવ યથાવત્ કે ઘટયા છે. જીરુંના ભાવ ઘણા ઘટયા છે. ધાણાના ભાવ ગયાં વર્ષે જેટલા જ છે.

તળાજા પંથકમાં આ વખતે તરબૂચનું વાવેતર ખૂબ વધ્યું છે. તેને લઈ દલાલોએ આખેઆખી વાડીઓના સોદા કર્યા છે. આ વખતે તળાજામાં તરબૂચનું વેચાણ ગત વર્ષ કરતા પાંચગણું થયું છે. હજુ પણ તરબૂચથી આવક અને વેચાણ ચાલુ જ છે.

ઇ-પેપરના નવા શુલ્ક