• શુક્રવાર, 03 મે, 2024

સૌરાષ્ટ્ર યુનિ.નું બીસીએ સેમ. 4નું પ્રશ્નપત્ર પરીક્ષા પહેલા થયું વાયરલ

સોશિયલ મીડિયામાં હાથેથી લખાયેલું પેપર લીક થયાના આક્ષેપ : સૌરાષ્ટ્ર યુનિ.નો ઈનકાર

યુવરાજસિંહે વાયરલ પેપરના પુરાવા રજૂ કર્યા, સમગ્ર મામલે તપાસ-ફરિયાદની તજવીજ હાથ ધરતી યુનિવર્સિટી

રાજકોટ, તા. 19: (ફૂલછાબ ન્યુઝ) સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા લેવામાં આવતી સેમેસ્ટર 4ની પરીક્ષામાં આજરોજ બીસીએ સેમેસ્ટર 4ની પરીક્ષાનું પેપર સોશિયલ મીડિયામાં વાયરલ થયું હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. પરીક્ષા શરૂ થવાના એકાદ કલાક પહેલા હાથેથી લખાયેલું પેપર વોટ્સએપમાં વાયરલ થયું હોવાનો દાવો યુવરાજસિંહે કર્યો હતો. જોકે પ્રશ્નપત્રની સિસ્ટમ ઓનલાઈન અને ફુલપ્રુફ હોવાના દાવા કરતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ પેપર લીક થયાની આશંકા ફગાવી હતી, તેમ છતાં જરૂર પડયે તપાસની અને પોલીસ ફરિયાદની તૈયારી પણ દાખવી હતી.

સેમેસ્ટર 4ની ચાલી રહેલી પરીક્ષા અંતર્ગત સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા વિવિધ કૉલેજમાં બીસીએનું પેપર લેવામાં આવ્યું હતુ. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સવારે 10:30 કલાકે બીસીએ સેમેસ્ટર-4માં યુનિક્સ/લિનક્સ સાથે અૉપરાટિંગ સિસ્ટમ કૉન્સેપ્ટનું પેપર હતુ. ત્યારે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે જણાવ્યું હતું કે, આ પેપર સવારે સાડા 9 વાગ્યે સોશિયલ મીડિયામાં ફરતુ થઈ ગયું હતુ. તેમણે આક્ષેપ કર્યો હતો કે 18મી એપ્રિલે વેબ સર્ચિંગ ટેક્નોલૉજી અને ઓપ્ટિમાઈઝ તેમજ 16 એપ્રિલે ઈ+ સાથે પ્રોગ્રામિંગની પરીક્ષા ટાઈમ ટેબલ મુજબ વિવિધ કોલેજોમાં લેવાઈ હતી. જેના પેપર પણ લીક થયા હતા.

બીજી તરફ અવાર નવાર પેપર લીક અને છબરડાંને લીધે વિવાદમાં  રહેતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશોએ પેપર લીક થયાની સંભાવના નકારી હતી. પરીક્ષા નિયામ એન એન સોનીએ માધ્યમોને આપેલી માહિતીમાં જણાવ્યું હતું કે ‘અમારી પેપર કાઢવાની સ્ટાઈલ સુધારી છે. દરેક અધ્યાપક પાસેથી યુનિવર્સિટીના સર્વરમાં અમે ઓનલાઈન પેપર મંગાવીએ છીએ. પેપર અમારી સામે જ ટાઈપ કરવાનું રહે છે. ત્યાર પછી પરીક્ષા કેન્દ્રમાં-કોલેજોમાં આ પેપર દોઢ કલાક પહેલા ઓનલાઈન મોકલાવીએ છીએ. જે ડાઉનલોડ કરવા માટે કોલેજોએ પાસવર્ડ નાંખવાનો રહે છે. કોલેજો પેપર ડાઉનલોડ કરે ત્યારે પેપર ઉપર કોલેજનો કોડ વોટરમાર્ક તરીકે આવી જાય છે.’

કુલસચિવ ડો. રમેશ પરમારે માધ્યમોને જણાવ્યું હતું કે ‘પ્રશ્નપત્ર સવારે 9 વાગ્યે તો કોલેજોને ડાઉનલોડ થઈ શકે. આ પેપર ડાઉનલોડ થયા બાદ વોટ્સએપમાં ફોટો પાડીને વાયરલ થયું હેંય એવું નથી. વાયરલ થયું, એ હાથેથી લખાયેલું પેપર છે. છતાં પેપર લીક થયું હશે તો કાયદેસરની કાર્યવાહી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તરફથી કરવામાં આવશે. ’

નોંધનીય છે કે બીસીએ સેમેસ્ટર 4ની પરીક્ષામાં વર્ષ 2016, 2019 અને વર્તમાન 2023-24ના વર્ષના કુલ મળી 32 હજાર જેટલા વિદ્યાર્થીઓ નોંધાયેલા છે. ત્યારે પેપર લીક થયું હોવાનું સાબિત થશે તો આ વિદ્યાર્થીઓ પોતાની શૈક્ષણિક કારકીર્દી અંગે ચિંતિત થાય તે સ્વાભાવિક છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક