• શુક્રવાર, 03 મે, 2024

રાજકોટમાં ત્રણ કલાકનાં અંતરમાં ભૂકંપના બે આંચકાથી ખળભળાટ

            બપોરે 2.9 કલાકે શાપર પાસે 2.9ની તીવ્રતાનો આંચકો આવ્યા બાદ સાંજે 5.10 કલાકે ફરીથી ધરા ધ્રૂજી

રાજકોટ, તા. 19 (ફૂલછાબ ન્યૂઝ) : રાજકોટમાં ત્રણ કલાકના અંતરમાં ભૂકંપના બે-બે આંચકા આવતા ખળભળાટ મચી ગયો છે. આંચકા અંગે સોશિયલ મીડિયામાં પોસ્ટ વાયરલ થવા લાગી હતી તેમજ લોકોમાં એક પ્રકારના ભયની લાગણી પણ જોવા મળી રહી છે.

આકરા ઉનાળાના તાપ વચ્ચે રાજકોટની ભાગોળે ભૂકંપનો સિલસિલો શરૂ થયો હોય તેમ એક સપ્તાહ બાદ ફરી રાજકોટથી શાપર અને આસપાસના વિસ્તારોમાં ધરતીકંપ અનુભવાયો હતો. સિસ્મોલોજી સેન્ટરમાંથી જાણવા મળ્યા મુજબ, આજે રાજકોટ નજીક બપોરે 2.09 કલાકે 2.9ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો, જેનું કેન્દ્રાબિંદુ રાજકોટથી 16 કિમી દૂર દક્ષિણ-દક્ષિણ પૂર્વમાં હતું. ગત 12મી એપ્રિલે આ જ ક્ષેત્રમાં એક પછી એક ચાર આંચકા અનુભવાયા હતા અને તેનું કેન્દ્રાબિંદુ રાજકોટથી દક્ષિણ-દક્ષિણપૂર્વમાં 17 કિમી દૂર હતું. આજના આંચકાનુ કેન્દ્રાબિંદુ તેનાથી એક કિમી નજીક હતું.

ભૂકંપના આ આંચકાની અસર રાજકોટ સુધી અનુભવાઈ હતી. રાજકોટની બહુમાળી ઈમારતો સહિત અનેક ભાગોમાં લોકોએ આંચકો અનુભવ્યો હતો અને ફફડાટ સર્જાયો હતો. શાપરમાં ભયભીત લોકો કારખાના-ઓફિસોમાંથી બહાર નીકળી ગયા હતા. આંચકાનું ડયુરેશન વધુ હોવાનો લોકોનો દાવો હતો.

બપોરે 2.9 કલાકે 2.9ની તીવ્રતાના આંચકા પછી ત્રણ કલાકનાં અંતરે સાંજે 5.10 કલાકે વધુ એક આંચકો આવ્યો હતો. રાજકોટ કલેક્ટર કચેરી સ્થિત ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમે આ આંચકાની હકિકતની પૂર્તતા કરી હતી. જોકે તેમની પાસે આ આંચકાની તીવ્રતાનું માપ ન હતું.

સિસ્મોલોજિકલ પ્રમાણે રાજકોટ ઝોન 3માં આવે છે અને હજુ હમણાં જ ગાંધીનગરથી સિસ્મોલોજિકલ ક્ષેત્રના અનુભવીઓએ શાપર પાસે ભૂકંપના આંચકાની વિગતો લઈને અહીંયા ભૂકંપ માપક યંત્ર મૂકવાની કાર્યવાહી હાથ ધરી છે. તેવામાં ઉપરાઉપર આવતા ભવિષ્યમાં મોટા ભૂકંપની ભીતિ સાથે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક