• શુક્રવાર, 03 મે, 2024

વેરાવળનાં માથાસુરીયામાં લગ્નમાં જમ્યા  બાદ 250થી વધુ લોકોને ફૂડ પોઇઝનિંગ

આસપાસના ત્રણ પીએચસી કેન્દ્રમાં તમામને સારવાર અર્થે ખસેડાતા ખાટલાઓ ખૂટયા : ફૂડ વિભાગે સેમ્પલ લઈ તપાસ હાથ ધરી

વેરાવળ, તા.19 : વેરાવળ તાલુકાનાં માથાસુરિયા ગામે ગઈકાલે સાંજે લગ્ન પ્રસંગમાં યોજાયેલા જમણવાર બાદ એકાએક 250થી વધુ લોકોને ફૂડ પોઇઝાનિંગની અસર થતાં આસપાસનાં આરોગ્ય કેન્દ્રોમાં સારવાર અર્થે ખસેડવામાં આવતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

માથાસુરિયા ગામના સરપંચ જીવાભાઈ સાથે થયેલ વાતચીતમાં જણાવ્યા મુજબ માથાસુરીયા ગામના મશરીભાઈ મીઠાભાઈ સોલંકીની દીકરીનો લગ્ન પ્રસંગ હતો. જેમાં તાલાલા તાલુકાનાં લાડુડી ગામેથી જાન આવી હતી. ગત સાંજના લગ્ન પ્રસંગમાં યોજાયેલા જમણવાર બાદ માંડવિયાઓ અને જાનૈયાઓને એકાએક ઝાડા ઉલટી થવા લાગી હતી. જેથી અસરગ્રસ્ત તમામ લોકોને સારવારમાં ખસેડવાની તજવીજ હાથ ધરી હતી.

જેમાં ફૂડ પોઇઝાનિંગના અસરગ્રસ્ત વ્યક્તિઓને નજીકના કોડીદ્રા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, પંડવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને તાલાલા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવેલ હતા ત્યારે એકી સાથે ફૂડ પોઇઝાનિંગના દર્દીઓ આવી પડતા આરોગ્ય કેન્દ્રોમાં પણ બેડો ખૂટી પડયા હતા.

સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં બાંકડા ઉપર અને જમીન ઉપર સુવડાવીને અસરગ્રસ્તોને સારવાર આપવાની ફરજ પડી હતી. સદ્નસીબે સમયસર સારવાર મળી જતા તમામ લોકો ભયમુક્ત બન્યા હતા  અને તમામની તબિયત તંદુરસ્ત હોવાનું આરોગ્ય વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. આ ઘટના અંગે પ્રાથમિક અનુમાન મુજબ જમણવારમાં છાશમાં કોઈ ઝેરી અસર થઈ હોવાનાં કારણે તમામ લોકોને અસર થઈ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

તો બીજી તરફ ફૂડ પોઇઝાનિંગની ઘટનાને પગલે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ પણ હરકતમાં આવ્યું હતું. ફૂડ અધિકારી પીયૂષ સાવલિયાના જણાવ્યા મુજબ હાલ લગ્ન પ્રસંગના જમણવારમાં રાખેલ શિખંડ અને છાશના સેમ્પલ લઈ લેબ પરીક્ષણ માટે મોકલી આપવામાં આવ્યા છે. પ્રાથમિક અનુમાન મુજબ છાશ અને શિખંડ એકસાથે ખાવાથી ક્રોસ પોઇઝાનિંગ થયું હોય શકે. જો કે, જેમને ત્યાં લગ્ન હતા ત્યાંથી સેમ્પલ લઈ પરીક્ષણ માટે કાર્યવાહી હાથ ધરી છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક