• રવિવાર, 31 ઑગસ્ટ, 2025

23મીથી જામનગર, ભૂજ, સુરત અને અમદાવાદને જોડતી હવાઈ સેવા શરૂ સ્ટાર એરલાઈન્સનું 50 સીટનું વિમાન ચાર જિલ્લાને હવાઇ માર્ગે જોડશે

રાજકોટ, તા.7 : રાજકોટથી હાલ સુરત માટે વેન્ચુરા કંપનીનું 9 સીટનું ટચુકડું વિમાન દરરોજ ઉડાન ભરે છે. આ સાથે ઉડાન યોજના અંતર્ગત રાજકોટને ગુજરાતના અન્ય શહેરો સાથે હવાઈ માર્ગે જોડવામાં આવશે એવી શક્યતા હતી. જોકે તેનો છેદ ઉડી ગયો છે. ઉડાન યોજના અંતર્ગત સ્ટાર એરલાઈન્સ કંપનીએ જામનગર, ભુજ, સુરત અને અમદાવાદને જોડતી હવાઈ સેવાનું શેડયુલ જાહેર કર્યું છે. 50 સીટના વિમાનની હવાઈ સેવાનો ર3મીથી પ્રારંભ થશે.

સ્ટાર એર લાઇન્સ કંપનીએ આગામી તા.ર3 ઓગસ્ટથી તા.ર8મી માર્ચ-ર6 સુધી ગુજરાત રાજ્યના ચાર જિલ્લાને જોડતી હવાઇ સેવાનું ટાઈમટેબલ જાહેર કર્યું છે. જેમાં ડેઇલી સવારે 8:1પ કલાકે અમદાવાદથી જામનગર, સવારે 9:30 કલાકે જામનગરથી સુરત અને સવારે 19:4પ કલાકે સુરત-ભુજ બપોરે 12:10 કલાકે ભુજથી સુરત, બપોરે 13:35 કલાકે સુરતથી ભુજ અને 14:50 કલાકે જામનગરથી અમદાવાદ વિમાનનું ઉડ્ડયન રહેશે. ઉડાન યોજના અંતર્ગત આંતરરાજ્ય હવાઇ સેવામાં અમદાવાદ, જામનગર, સુરત, ભુજ જિલ્લાનો સમાવેશ થયો છે પરંતુ તેમાંથી રાજકોટ જિલ્લાની બાદબાકી કરવામાં આવી છે. 

સૌરાષ્ટ્ર રાજકોટ પાટનગર ગણાય છે. ઔદ્યોગિક ક્ષેત્રે અને સ્પેર પાર્ટસ ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય લેવલે નામના ધરાવે છે. ગુજરાતના અનેક જિલ્લા સાથે વ્યાપારથી જોડાયેલું છે. રાજકોટથી હવાઈ મુસાફરોનો પુરતો ટ્રાફિક એરલાઈન્સ કંપનીને મળી રહે એવી સંભાવના વધારે છે.ત્યારે ઉડાન યોજનામાં રાજકોટને ગુજરાતના અન્ય જિલ્લા સાથે જોડવામાં આવશે એવી અપેક્ષા વચ્ચે આ સેવામાંથી રાજકોટ જિલ્લાને બાદ કરવામાં આવતા આશ્ચર્ય સર્જાયું છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક