• રવિવાર, 31 ઑગસ્ટ, 2025

સુરતમાં 25 સીસીટીવી, 4 વોકીટોકીથી સજ્જ થઈ હાઈટેક ડ્રગ્સ રેકેટ ચલાવતો પેડલર ઝડપાયો

ધાડના ગુનામાં વોન્ટેડ શખસ પાસેથી ડ્રગ્સ, બે પિસ્તેલ, 13 કાર્ટિસ કબજે

સુરત, તા.6:        સુરતના સલાબતપુરાના ભાઠે ખાતેથી હાઈટેક ડ્રગ્સ ટ્રાફાકિંગ રેકેટનો એસઓજી પોલીસે પર્દાફાશ કર્યો હતો. પોલીસે હાઈટેક રીતે ડ્રગ્સનું વેચાણ કરતા આરોપીને ઝડપી લઈ 120 ગ્રામ ડ્રગ્સ કિ.રૂ. 12 લાખ, બે લોડેડ પિસ્ટલ, અને રોકડા રૂપિયા કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપી 500 મીટરના દાયરામાં 25 જેટલા સીસીટીવી કેમેરા લગાવી ઘરમાં 55 ઈંચનુ ટીવી મૂકી પોલીસ પર નજર રાખતો હતો. જેના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ એસઓજી પોલીસે ભાઠેના પંચશીલનગરમાં 500 મીટરના એરિયામાં 04 વોકીટોકી અને 25 સીસીટીવી કેમેરા રાખીને રોજનુ દોઢ લાખનુ એમડી ડ્રગ્સનું વેચાણ કરતા ડ્રગ્સ માફિયા શિવા ઉર્ફે શિવરાજ ભૂપેન્દ્ર ઝાલા (ઉં.28)ને ઝડપી પાડી તપાસ હાથ ધરી હતી. પોલીસ તપાસમાં ડ્રગ્સ માફિયા શિવાના ખિસ્સામાંથી એમડી ડ્રગ્સ 118.36 ગ્રામ કિ.રૂ.11,83,600 મળી આવ્યું હતું. આ સાથે 02 પિસ્તોલ કિં.રૂ. 1 લાખ, 13 જીવતા કાર્ટિસ કિં.રૂ. 1300, 01 ખાલી મેગ્ઝીન કિં.રૂ. 01 હજાર, 04 વોકીટોકી કિં.રૂ. 20 હજાર, મોબાઈલ ફોન-2 કિં.રૂ. 1.5 લાખ અને રોકડા રૂ. 16 લાખ મળી કુલ રૂ. 30,55,900નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે. હાલમાં પોલીસે શિવાના મકાન વિશે પણ તપાસ શરૂ કરી છે. જો મકાન ગેરકાયદેસર હશે તો તે અંગે પણ એસઓજી દ્વારા કાર્યવાહી કરાશે.

આરોપી શિવાએ ઝૂંપડાઓની વચ્ચે 3 માળનો બંગલો બનાવ્યો હતો. તેમાં અદ્યતન સુવિધાઓ ઉભી કરી પોલીસ મોબાઇલ ટ્રેસ કરે તો પકડાઈ જવાનો ડર હોવાથી તેના સાગીરતો સાથે વોકીટોકીથી વાત કરતા હતા. આરોપીના ઘર પાસે ભાઠેના બ્રિજ અને એક બાજુ ખાડી તેમજ આસપાસ ઝૂંપડપટ્ટીનો વિસ્તાર હતો. ડ્રગ્સ માફિયાએ તેના સાગીરતો ઘરની આસપાસ ગોઠવી દીધા હતા. કોઈ શંકાસ્પદ લાગે કે પછી પોલીસ આવી હોય એવું દેખાય તો તાત્કાલિક વોકીટોકીથી એકબીજાને એલર્ટ કરી દેતા હતા. ડ્રગ્સ લેવા આવનારા લોકોને કપડે લેને આયા હૈ...એવો કોડવર્ડ અપાયો હતો. આવું બોલે તો જ ડ્રગ્સ વેચાતું હતું. અને પોલીસ માટે કાટી જેવા કોડવર્ડનો ઉપયોગ થતો હતો.    

પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે આરોપી શિવો ધોરણ-3 સુધી જ ભણેલો છે પરંતુ ગુનાની દુનિયામાં તે માસ્ટરમાઈન્ડ છે. તેણે પોતાના ઘરમાં લગભગ 25 જેટલા હાઈ-ડેફિનેશનના નાઈટ વિઝન સીસીટીવી કેમેરા લગાવ્યા હતા. આ તમામ કેમેરાનું લાઈવ મોનિટારિંગ તે 55 ઈંચના ટીવી પર કરતો હતો. તેના ઘરની આસપાસ કોની અવરજવર છે, પોલીસની કોઈ મૂવમેન્ટ છે કે કેમ, તે સતત આ ટીવી પર નજર રાખતો હતો. પોલીસની કોઈ શંકાસ્પદ મૂવમેન્ટ જણાય તો તે તરત જ ડ્રગ્સનો જથ્થો સગેવગે કરી દેતો હતો. આ કારણોસર પોલીસ માટે તેને પકડવો એક પડકાર હતો. શિવા ઝાલાએ પોતાના 4 માણસને વોકીટોકી આપીને ઘરની આસપાસ તૈનાત રાખ્યા હતા, પોલીસની ગતિવિધિઓ પર નજર રાખતા હતા.

એસઓજી પોલીસને શિવા ઝાલાની આ ટેક્નોલોજીનો અંદાજ હતો. તેથી પકડવા માટે એક ખાસ રણનીતિ બનાવી હતી. પોલીસે લગભગ 20 જેટલી બાઈક અલગ-અલગ જગ્યાએથી તેના ઘર નજીક લાવી હતી. આ બાઈકનો ઉપયોગ કરીને પોલીસે તેને આવવાની જાણ ન થાય તે રીતે તેના ઘરને કોર્ડન કરીને પોલીસે શિવાને ઝડપી લીધો હતો.

આરોપી શિવા ઝાલાનો ગુનાહિત ઈતિહાસ ખુબ લાંબો છે. તેની વિરૂદ્ધ અગાઉ પણ ધાડ, લૂંટ અને હુમલા જેવા 15 જેટલા ગુનાઓ નોંધાયા છે. ઉમરા પોલીસ સ્ટેશનમાં ધાડના ગુનામાં તે વોન્ટેડ હતો અને તેને અગાઉ પાસા પણ કરવામાં આવ્યા છે.

પોલીસની પૂછપરછમાં શિવાએ જણાવ્યું કે, તે મુંબઈના વિનોદ વર્મા નામના વ્યક્તિ પાસેથી ડ્રગ્સ અને હથિયારો લાવતો હતો. આ હથિયારો તે પોતાના રોફ જમાવવા અને સ્વરક્ષા માટે રાખતો હતો. સુરતના મોસીન છત્રી અને વોન્ટેડ આરોપી ઈમરાન ગઢી જેવા લોકોને તે ડ્રગ્સ સપ્લાય કરતો હતો.

ઇ-પેપરના નવા શુલ્ક