પ્રથમ
ભાષાના પુસ્તકોમાં શ્રીમદ ભગવદ્ ગીતાના બે-બે પાઠ ઉમેરાયા
અમદાવાદ,
તા. 6: ગુજરાત બોર્ડ દ્વારા ધો. 9થી 12માં કેટલાક વિષયોના પ્રશ્નપત્રના પરિરૂપ બદલવામાં
આવ્યા છે અને નવા પરિરૂપ જાહેર કરાયા છે કારણ કે, સરકારના ઠરાવ મુજબ, ધો. 9થી 12માં
પ્રથમ ભાષાના પુસ્તકોમાં શ્રીમદ ભગવદ્ ગીતાના બે-બે પાઠ ઉમેરવામાં આવ્યા છે. ગુજરાતી,
હિન્દી, અંગ્રેજી અને ઉર્દૂ સહિતના ચાર પ્રથમ ભાષા વિષયોમાં આ પાઠ ઉમેરવામાં આવતાં
આ ચારેય વિષયના પરિરૂપ બદલાયા છે. જેથી હવે આ ચારેય ભાષાના વિષયોમાં આ વર્ષથી પ્રથમ
અને દ્વિતિય સત્રની પરીક્ષામાં અને બોર્ડ પરીક્ષામાં પણ વિદ્યાર્થીઓને ગીતાના પાઠમાંથી
પ્રશ્નો પૂછવામાં આવશે.
ગુજરાત
સરકાર દ્વારા સ્કૂલોમાં ભગવદ્ ગીતાના પાઠ વિદ્યાર્થીઓને ભણાવવા બાબતે ઠરાવ કરવામાં
આવ્યો હતો, જેને પગલે પ્રાથમિકથી માંડી ઉચ્ચતર
માઘ્યમિક સ્કૂલોમાં વિદ્યાર્થીઓને ભગવદ્ ગીતાના શ્લોકો સાથેના પાઠ ભણાવવાનું શરૂ કરાયું
છે. ગત વર્ષે ધો. 9થી 12માં ગુજરાતી પ્રથમ ભાષાના પુસ્તકમાં બે ચેપ્ટરના વધારા સાથે
નવું પુસ્તક તૈયાર થઈ ગયું હતું. આ પુસ્તકને ગુજરાતીમાં પાછલા વર્ષથી જ ભણાવવાનું શરૂ
કરી દેવાયું હતું. જોકે, બાકીની ભાષામાં પુસ્તક તૈયાર ન હોવાથી ગુજરાતીમાં પરીક્ષામાં
ગીતાના પાઠના પ્રશ્નો પૂછવામાં આવતા ન હતા પરંતુ, હવે પાઠ્ય પુસ્તક મંડળ દ્વારા ધો. 9થી 12માં ગુજરાતી ઉપરાંત ઉર્દૂ, હિન્દી
અને અંગ્રેજી એમ બાકીના ત્રણેય પ્રથમ ભાષાના પુસ્તકોમાં ગીતાના શ્લોકો સાથેના પાઠનું
અનુવાદ તૈયાર કરી દેવાયું છે. આ સિવાય નવા પુસ્તકો તૈયાર કરી દેવાતા બોર્ડ દ્વારા આ
વર્ષથી ચારેય ભાષામાં નવા પ્રશ્નપત્ર પરિરૂપનો અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે.
પાઠય
પુસ્તક મંડળ દ્વારા પ્રથમ ભાષાના પાઠ્ય પુસ્તકમાં શ્રીમદ ભગવદ્ ગીતાનો સમાવેશ કરવામાં
આવ્યો છે ત્યારે હિન્દી, ગુજરાતી, ઉર્દૂ અને અંગ્રેજી સહિતની ચાર ભાષાના પુસ્તકોમાં
બે-બે ચેપ્ટર ઉમેરાયા છે. જેના માટે પૂરક પુસ્તક તૈયાર કરવામાં આવ્યું છે. જેની સોફ્ટ
કોપી તૈયાર કરીને સ્કૂલોને મોકલવામાં આવી છે. હવે પ્રથમ-દ્વિતિય સત્ર અને બોર્ડ પરીક્ષામાં
ગીતાના પાઠમાંથી ત્રણથી ચાર માર્કસના પ્રશ્નો પણ વિદ્યાર્થીઓને પૂછાશે.