• રવિવાર, 31 ઑગસ્ટ, 2025

અમદાવાદમાં રહેતા રાજકોટના શેર બ્રોકરનું લમણે ગોળી વાગતા મૃત્યુ

આપઘાત કે હત્યા તે અંગે રહસ્ય : ઘટના ઘટી તેના થોડા સમય પહેલા કારમાં કોઈ બે વ્યક્તિઓ મળવા માટે આવ્યા હતા

અમદાવાદ, તા. 6: મૂળ રાજકોટના અને છેલ્લા 13 વર્ષથી અમદાવાદમાં રહેતા કલ્પેશ ટુડિયાના લમણે ગોળી વાગતા મૃત્યુ નિપજ્યું છે. મૃતક અમદાવાદના બોપલ વિસ્તારમાં કબીર એન્કલેવ નજીક આવેલા શિવાલિક રો હાઉસમાં રહેતો હતો. આ ઘટના ઘટી તેના થોડા સમય પહેલા કારમાં કોઈ બે વ્યક્તિઓ મળવા માટે આવ્યા હતા. આ તરફ સ્યુસાઈડ નોટ મળી અને બીજી તરફ બે વ્યક્તિઓ મળવા આવ્યા હતા તે પછી ફાયારિંગની ઘટના બની હતી.  તેથી આ બનાવ હત્યાનો છે કે આત્મહત્યાનો તેને લઈ રહસ્ય ઘેરાયું છે. પોલીસ અલગ અલગ કડીઓ જોડી ઘટનાના મૂળ સુધી પહોંચવા પ્રયાસ કરી રહી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ રાજકોટના અને છેલ્લા 13 વર્ષથી અમદાવાદમાં રહેતા અને શેરબ્રાકિંગના વ્યવસાય સાથે સંકલાયેલા કલ્પેશ ટુડિયા તેમની દીકરી અને માતા સાથે ઉપરોક્ત સ્થળે ભાડેથી રહે છે. મંગળવારે(5 ઓગસ્ટે) રાત્રિના સમયે કલ્પેશ ટુડિયા અને તેમની 14 વર્ષીય દીકરી પોતાના ઘર પર હાજર હતા ત્યારે પિતાએ દીકરીને કહ્યું હતું કે, બે લોકો મળવા માટે આવશે. તે લોકો આવે તો મને જાણ કરજે. રાત્રિના સમયે બે અજાણ્યા શખસ વ્હાઈટ કલરની કારમાં કલ્પેશ ટુડિયાને મળવા આવ્યા હતા. કલ્પેશ ટુડિયા અને બે શખસ વચ્ચે અંદાજે એક કલાક જેવી વાતચીત ચાલી હતી.

ત્યાર બાદ કલ્પેશ બન્ને શખસને મુકવા નીચે ગયો હતો અને થોડીવારમાં ઉપર આવ્યો હતો ત્યાર બાદ ફાયરિંગ થતા તેમની દીકરી દોડી આવી હતી અને માતાને કોલ કરીને જાણ કરી હતી. બાદમાં કલ્પેશ ટુડિયાને તુરંત વકીલ સાહેબ બ્રિજ નજીક આવેલી સરસ્વતી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તબીબે તેને મૃત જાહેર કર્યા હતા.

મળતી માહિતી અનુસાર બોપલ પોલીસની એક ટીમ તુરંત ઘટનાસ્થળે અને હોસ્પિટલ પર પહોંચી હતી. જો કે, પોલીસને ઘટનાસ્થળેથી ખાલી કેસ અને બુલેટ મળી આવ્યું હતું. જો કે, હથિયાર ગાયબ હતું. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, જ્યારે ફાયારિંગનો બનાવ બન્યો ત્યારે જે બે લોકો કલ્પેશ ટુડિયાને મળવા આવ્યા તેઓ નીચે જ ઉભા હતા. ફાયારિંગનો અવાજ સંભળાતા તેઓ ઉપર ગયા હતા. ત્યારબાદ ત્યાંની સ્થિતિ જોઈને રવાના થઈ ગયા હતા. પોલીસે આ બન્ને શખસ જે કારમાં આવ્યા હતા તેની અને બન્ને શખસની ઓળખ કરી લીધી છે.

બીજી તરફ આ મામલે તેમના પિતાએ જણાવ્યું હતું કે મારો પુત્ર ચિંતામાં હશે તે હિસાબે આત્મહત્યા કરી છે.

મૃતક પાસે લાઈસન્સ વેપન ન હતું

તપાસમાં એવું પણ બહાર આવ્યું છે કે કલ્પેશ ટુડિયા કોઈ લાઈસન્સ વેપન્સ ધરાવતા ન હતા ત્યારે સવાલ એ થાય છે કે, ફાયારિંગના બનાવમાં વપરાયેલું હથિયાર ક્યાંથી આવ્યું અને બનાવ બાદ હથિયાર ક્યાં ગયું? તેની અંગે પોલીસે ઝીણવટથી તપાસ હાથ ધરી છે. 

ફાયરિંગ બાદ ઘરમાં પડેલું લોહી સાફ કરવાનો પ્રયાસ

 ફાયારિંગના બનાવ બાદ ઘરમાં પડેલા લોહીને સાફ કરવાનો પ્રયાસ કરાયો હોવાનું પણ સામે આવ્યું છે. અનેક શંકાઓથી ઘેરાયેલા આ બનાવ મામલે પોલીસે હાલ અકસ્માત મોતનો ગુનો નોંધી આ બનાવ આત્મહત્યાનો છે કે, હત્યાનો તેને લઈ વધુ તપાસ હાથ ધરી છે. 

ઇ-પેપરના નવા શુલ્ક