384 અસરગ્રસ્તની મિલકત સંપાદિત કરવાની તંત્રની કવાયત : ગામલોકો આજે સત્તાધીશોને આવેદનપત્ર આપશે
વેરાવળ,
તા.5: સોમનાથ મંદિર કોરિડોર પ્રોજેક્ટને લઈને પ્રભાસ પાટણ ગામમાં આજે સજ્જડ બંધ પાળવામાં
આવ્યો હતો. આ પ્રોજેક્ટ અંતર્ગત 384 અસરગ્રસ્તની મિલકત સંપાદિત કરવાની તંત્રની કવાયત
ચાલી રહી છે.
સોમપુરા
બ્રહ્મ સમાજ-સોમનાથના પ્રમુખ હેમલ ભટ્ટે બંધ મુદ્દે વાત કરતાં જણાવ્યું હતું કે, તંત્ર
દ્વારા મિલકત સંપાદનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જોકે, હજુ સુધી કોઈ પણ અસરગ્રસ્તને
નોટિસ આપવામાં આવી નથી. તંત્ર દ્વારા અત્યાર સુધીમાં ચારેકવાર મિલકત ધારકો સાથે બેઠકો
યોજવામાં આવી છે. છેલ્લા બે દિવસથી અસરગ્રસ્તો અને તંત્ર વચ્ચે શાબ્દિક ઘર્ષણ થતાં
મામલો વધુ બિચક્યો છે. આજે બપોરે પ્રભાસ પાટણના સર્વે સમાજ દ્વારા સેંકડોની સંખ્યામાં
લોકો ગામમાં ફરીને વેપારીઓને બંધ પાળવા વિનંતી કરી હતી. ગામના તમામ વેપારીઓએ આ આહ્વાનને
સમર્થન આપીને સજ્જડ બંધ પાળ્યો હતો. સ્થાનિક લોકોએ આવતીકાલે સત્તાધીશોને આવેદનપત્ર
આપવાની તૈયારી પણ કરી છે. સોમનાથ મંદિર કોરિડોર પ્રોજેક્ટને લઈને સ્થાનિક લોકોમાં રોષ
જોવા મળી રહ્યો છે અને તેઓ પોતાની માગણીઓ અને ચિંતાઓ સરકાર સમક્ષ રજૂ કરવા માગે છે.