• રવિવાર, 31 ઑગસ્ટ, 2025

યુસીસી કમિટી એકાદ માસમાં ગુજરાત સરકારને રિપોર્ટ સુપરત કરશે

યુસીસીના અધ્યક્ષ નિવૃત્ત જસ્ટિસ રંજના દેસાઈ અને સભ્યોએ ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત લીધી

અમદાવાદ, તા.5: રાજ્યમાં કોમન સિવિલ કોડની આવશ્યકતા ચકાસવા અને આ સંદર્ભનો કાયદા બનાવવા અંગે તેનો મુસદ્દો તૈયાર કરવા માટે ગુજરાત સરકાર દ્વારા રચવામાં આવેલી કમિટીના અધ્યક્ષ સુપ્રિમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ રંજના દેસાઈ અને પાંચ સભ્યોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ગાંધીનગરમાં શુભેચ્છા મુલાકાત બેઠક યોજી હતી. આ મુલાકાત બેઠક દરમિયાન તેમણે કમિટિની કામગીરી પ્રગતિની વિગતો મુખ્યમંત્રીને આપી હતી. આ બેઠક બાદ પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, આ બેઠકમાં તમામ મુદ્દે ચર્ચાઓ થઈ છે અને આગામી એકાદ માસ દરમ્યાન તેઓ તેમનો રિપોર્ટ સરકારને સુપરત કરશે, જેનો અભ્યાસ કર્યા બાદ સરકાર દ્વારા જે તે બાબતે નિર્ણય લેવાશે.

હાલ દેશના ઉત્તરાખંડમાં યુસીસીનો અમલ જારી છે. જ્યારે, ગુજરાત સરકારે તેના અમલ પહેલાં તમામ પાસાઓનો અભ્યાસ કરીને તેના કાયદા માટેનો મુસદ્દો તૈયાર કરવા, 4થી, ફેબ્રુઆરી-2025ના રોજ કમિટી રચવાની જાહેરાત કરી હતી. આ અગાઉ, 5મી, માર્ચ 2025ના રોજ આ સમિતિના ચેરમેન અને સભ્યોએ ગાંધીનગરમાં મુખ્યમંત્રી સાથે પ્રથમ બેઠક યોજી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દેશભરમાં સમાન નાગરિક સંહિતા લાગુ કરવાના નિર્ણયને અનુરૂપ, બધા નાગરિકો માટે સમાન અધિકારો સુનિશ્ચિત કરવા માટે, રાજ્ય સરકારે સમાન નાગરિક સંહિતાની જરૂરિયાતોનું મૂલ્યાંકન કરવા અને કાયદાનો મુસદ્દો તૈયાર કરવા માટે આ સમિતિની રચના કરી છે. આ પ્રક્રિયામાં, આ સમિતિ ગુજરાતના રહેવાસીઓના વ્યક્તિગત નાગરિક બાબતોના નિયમન સંબંધિત હાલના કાયદાઓની સમીક્ષા કરશે, તેવું નક્કી કરાયું હતું.

આ બેઠકમાં કાયદા મંત્રી ઋષિકેશ પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહભાગી થયાં હતા. જ્યારે, આ સમિતિના અન્ય સભ્યો નિવૃત્ત વરિષ્ઠ ઈંઅજ અધિકારી સી.એલ. મીના, એડવોકેટ આર.સી.કોડેકર, ભૂતપૂર્વ કુલપતિ દક્ષેશ ઠાકર અને સામાજિક કાર્યકર્તા  ગીતાબેન શ્રોફ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યાં હતાં.

-----------------

સમિતિએ લોકો, વિવિધ સંસ્થાઓ પાસેથી મંતવ્યો મેળવ્યા હતા

રાજ્ય સરકાર દ્વારા આ મહત્વપૂર્ણ વિષય પર અસર કરતા સંબંધિત મુદ્દાઓને સંપૂર્ણ રીતે સમજવા માટે, સમિતિએ ગુજરાતના રહેવાસીઓ અને સરકારી એજન્સીઓ, બિન-સરકારી સંસ્થાઓ, સામાજિક જૂથો અને સમુદાયો, ધાર્મિક સંસ્થાઓ અને રાજકીય પક્ષો સહિત ગુજરાત સ્થિત સંસ્થાઓને ઈ-મેલ અથવા વેબ-પોર્ટલ દ્વારા અથવા સમિતિના સરનામા-યુનિફોર્મ સિવિલ કોડ કમિટી ઓફિસ, કર્મયોગી ભવન, બ્લોક નંબર 1, એ વિંગ, 6ઠ્ઠો માળ, સેક્ટર 10 એ, ગાંધીનગર ખાતે 24મી, માર્ચ-2025ના રોજ અથવા તે પહેલાં તેમના મંતવ્યો, મંતવ્યો, સૂચનો અને રજૂઆતો રજૂ કરવા અપીલ કરી હતી.

યુનિફોર્મ સિવિલ કોડ શું છે?

યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી)નો અર્થ છે દેશમાં રહેતા તમામ નાગરિકો માટે તેમના ધર્મ, જાતિ અને લિંગને ધ્યાનમાં લીધા વિના સમાન કાયદા હોવાનો. જો કોઈપણ રાજ્યમાં સિવિલ કોડ લાગુ કરવામાં આવે છે, તો લગ્ન, છૂટાછેડા, બાળકને દત્તક લેવા અને મિલકતના વિભાજન જેવા તમામ વિષયો પર સમાન કાયદો દરેક નાગરિકને લાગુ પડશે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક