3 વર્ષ પૂર્વે મહેમાન બની આવેલા પાડોશીના સાળાએ આચર્યું’તું કૃત્ય
વડોદરા, તા.15 (ફૂલછાબ ન્યૂઝ) : વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના એક ગામમાં 12 વર્ષની દીકરી ઘરની બહાર શૌચ કરવા નીકળી હતી. એક કલાક સુધી તે પરત ફરી ન હતી. તેની તપાસ દરમિયાન તે તેમના પાડોશમાં રહેતા સુનીલભાઇ સુરેશભાઇ નાયકના ઘરે 10 દિવસ અગાઉ આવેલ તેમનો સાળો મહેશભાઇ બાબુભાઇ નાયક (રહે. મેવલીનગર, તા. સાવલી) પણ સુનીલભાઇના ઘરે હાજર ન હતો. બાદમાં જાણ થઇ હતી કે, મહેશભાઇ નાયક બાળાને પટાવી ફોસલાવીને લગ્ન કરવાની લાલચ આપીને ભગાડી ગયો હતો. આ મામલે ભાદરવા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરવામાં આવી હતી.
પોલીસને તપાસ દરમિયાન સગીરા ઘોઘંબાથી મળી આવી હતી. તે સમયે તેણે તેની પર જબરજસ્તીથી બળાત્કાર ગુજારવામાં આવ્યો હોવાની વિગતો જણાવી હતી. આ ચકચારી બનાવમાં પોલીસે મહેશભાઇ બાબુભાઇ નાયકની પણ ધરપકડ કરી હતી. તપાસમાં તેણે ટૂંડાવ ગામે કેનાલની બાજુમાં તથા ઘોઘંબા ખાતે સગીરા પર બળાત્કાર ગુજાર્યો હોવાનું બહાર આવ્યું હતું. આ કિસ્સામાં પોલીસે સાવલીના સ્પેશ્યલ (પોકસો) અને એડીશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેસન્સ જજ જે.એ. ઠક્કરની કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી. આ કેસ ચાલી જતા સરકારી વકીલ સી.જી. પટેલની દલીલો ગ્રાહ્ય રાખીને અદાલતે મહેશભાઇ નાયકને 20 વર્ષની સજા તથા 50 હજારનો દંડ ફટકાર્યો હતો. આ ઉપરાંત ગુજરાત વીકટીમ કોમ્પેન્સેશન સ્કીમ અંતર્ગત ભોગ બનનારને 4 લાખ વળતર પણ ચુકવવાનો આદેશ કર્યો હતો.