પોતાના
પ્રથમ મેચમાં પરાજયનો સ્વાદ ચાખનાર બન્ને ટીમ આજે ગુવાહાટીમાં આમને-સામને
ગુવાહાટી,
તા.2પ: પોતાના શરૂઆતના મેચમાં પરાજયનો સ્વાદ ચાખનાર ગત ચેમ્પિયન કોલકતા નાઇટ રાઇડર્સ
અને રાજસ્થાન રોયલ્સ બુધવારે રમાનાર આઇપીએલના મેચમાં એક-બીજા સામે હશે ત્યારે બન્ને
ટીમનો ઇરાદો ભૂલો સુધારી વિજય હાંસલ કરવાનો હશે. કેકેઆરને તેના પહેલા મેચમાં આરસીબી
વિરુદ્ધ સાત વિકેટે હાર મળી હતી. જયારે આરઆરને સનરાઇઝર્સ સામે 44 રને પરાજય સહન કરવો
પડયો હતો.
આ બન્ને
મેચમાં કેકેઆર અને આરઆર ટીમની બોલિંગ-બેટિંગ યુનિટે ઘણી ભૂલો કરી હતી. સુનીલ નારાયણને
છોડીને કેકેઆરનો કોઇ પણ બોલર આરસીબીના બેટર્સ પર અંકુશ મૂકી શક્યો ન હતો. એ મેચમાં
મિસ્ટ્રી સ્પિનર વરુણ ચક્રવર્તી પ્રભાવ છોડી શક્યો ન હતો. જે કેકેઆર માટે ચિંતાનો વિષય
છે. નાઇટ રાઇડર્સને આશા રહેશે કે તેના સ્પિનર ગુવાહાટીની પિચ પર સફળ રહેશે. ટીમની નજર
આફ્રિકી ઝડપી બોલર એનરિક નોર્ખિયાની ફિટનેસ પર છે. જો તે ફિટ હશે તો સીઝનનો પહેલો મેચ
રમશે અને આથી અજિંક્યા રહાણેની ટીમની બોલિંગ તાકાતમાં સુધારો થશે. ટીમને બે સ્ટાર ખેલાડી
વૈંકટેશ અય્યર અને આંદ્રે રસેલ પાસેથી આક્રમક અને સંગીન ઇનિંગની આશા રહેશે. આ બન્ને
પાછલા મેચમાં ખરાબ શોટ મારી આઉટ થયા હતા. આ ઉપરાંત રિંકુ સિંહ પાસેથી પણ સારા દેખાવની
આશા રહેશે.
રાજસ્થાન
રોયલ્સ ટીમે જો વાપસી કરવી હશે તો તેના બોલરોએ દેખાવ સુધારવો પડશે. સનરાઇઝર્સ હૈદરાબાદે
પાછલા મેચમાં તેના તમામ બોલરોની ધોલાઇ કરીને 6 વિકેટે 286 રન ખડક્યા હતા. તેના મુખ્ય
બોલર જોફ્રા આર્ચર 4 ઓવરમાં 76 રન લૂંટાવ્યા હતા. ફઝલ હક ફારૂકી અને મહિશ તિક્ષ્ણા
હરીફ બેટધરો પર અંકુશ રાખી શક્યા ન હતા. આ તમામ પાસે ગુવાહાટીની પિચ પર વાપસીનો મોકો
બની રહેશે. રાજસ્થાનના કાર્યવાહક કપ્તાન રિયાન પરાગની અહીં અગ્નિ પરીક્ષા થશે. કારણ
કે આ તેનું હોમ ગ્રાઉન્ડ હશે. તે પહેલા મેચમાં નિર્ણય લેવામાં અસમંજસની સ્થિતિમાં જોવા
મળ્યો હતો.