પારિવારિક ઝઘડામાં સાઢુભાઈના પરિવાર પર હુમલો : ત્રણેય ઈજાગ્રસ્તને ભાવનગર ખસેડવા પડયા
તળાજા, તા.1પ: તળાજાના હુડકો વિસ્તારમાં રહેતા અને કુંભારવાડામાં ચિકનનો વ્યવસાય કરતા બે ભાઈ અને તેનાં બહેન ઘરે હતાં એ સમયે તળાજામાં રહેતા સાઢુભાઈ અને તેના ભાઈઓ સહિત કુલ છ શખસે મળી છરી, ધોકા, પાઈપ વડે હુમલો કરી ઈજા કર્યાની ઘટનાએ ચકચાર મચાવી દીધી હતી.
જૂના શોભાવડ ગામે બે જૂથ સામ સામે આવી જઈને એકબીજા પર હુમલો કર્યાના આજે ત્રીજા દિવસે અહીં પરિવાર પર છરી વડે હુમલો કર્યાની ઘટના બનતા આમ જનતામાં કાયદો અને વ્યવસ્થા પર પ્રશ્ન ઉઠી રહ્યો છે.
તળાજાના હુડકો વિસ્તારમાં રહેતા શાકિર સફિરભાઈ, સાજીદ સફિરભાઈ, ફરજાનાબેન સફિરભાઈ ઘરે હતા એ સમયે તળાજાના રહેવાસી સાદિકભાઈ અલીભાઈ, અકરમ, દાઉદભાઈ, સમીર ફિરોઝભાઈ, જાકિરભાઈ સહિતનાએ છરી ધોકા અને પાઈપ વડે હુમલો કર્યો હતો. હુમલાનું કારણ પારિવારિક મનદુ:ખ હોવાનું જાણવા મળયું છે.
હુમલો કરનાર મારમારીને નાસી ગયા હતા. જેની પોલીસે શોધખોળ હાથ ધરી હતી. ઘટના સ્થળે પોલીસને બંદોબસ્ત ગોઠવાયો હતો. પોલીસે જણાવ્યું હતું કે, સામાપક્ષે પણ ઈજાઓ થઈ છે. જો કે, તે લોકોએ અહીં તળાજામાં ક્યાંય સારવાર લીધી ન હતી.