• શુક્રવાર, 17 મે, 2024

ચૈત્રી દનૈયામાં પ્રારંભે આકરો તાપ પડતા ચોમાસાની શરૂઆત સારી રહેવાની શક્યતા

શરૂઆતના ત્રણ દિવસ ખૂબ આકરો તાપ પડતા ખેડૂતો-અભ્યાસુઓએ કર્યો વર્તારો

 

બગસરા, તા. 1 : ચૈત્રી દનૈયાના શરૂઆતના ત્રણ દિવસો દરમિયાન આ વર્ષે ખૂબ જ આકરો તાપ પડતાં ખેડૂતો તથા અભ્યાસો દ્વારા ચોમાસુંની શરૂઆત સમયસર થઈ જવાના એંધાણ મળ્યા છે.

 વિગત અનુસાર આગામી ચોમાસું કેવું રહેશે તેનાં અનુમાન માટે અનેક વર્ષોથી પરંપરા મુજબ અભ્યાસુઓ તથા ખેડૂતો દ્વારા હોળીની ઝાળ પછી ચેત્રી દનૈયાના આકરા તાપનો પણ અભ્યાસ કરવામાં આવે છે. ચૈત્રી વદ પાંચમથી બારસ એટલે કે 29 એપ્રિલથી 6 મે દરમિયાન ચૈત્રી દનૈયાના દિવસો

ગણાય છે.

 બગસરાથી દર્શન ઠાકરના જણાવ્યા અનુસાર આ આઠ દિવસો દરમિયાન ખૂબ જ આકરા તડકા પડે તો તેની સારી અસર આગામી ચોમાસા પર પડે છે. ચાલુ વર્ષે શરૂઆતના  ત્રણ દનૈયા દરમિયાન આકરા તડકા પડયા હતા, જેથી આ દનૈયા સારા વીત્યા ગણાય. જેને લીધે આ વર્ષે ચોમાસાની શરૂઆત સમયસર થશે તેવું તારણ અભ્યાસુઓ કાઢી રહ્યા છે તેમજ આ વર્ષે શરૂઆતના ત્રણ દનૈયા પૈકી એક પણ દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ ન થતાં ચોમાસું સમયસર શરૂ થવાનું અનુમાન ખેડૂતો પણ લગાવી રહ્યા છે.

જેથી ખેતી પર આધારિત લોકોમાં પણ ખુશીની લહેર વ્યાપી છે. થોડા દિવસો બાદ આવી રહેલી અખાત્રીજના પવનની દિશા પણ ચોમાસા બાબતે અંતિમ અનુમાન  આપશે ત્યારે આ વર્ષનું ચોમાસું સામાન્ય રહે તેવી સૌ આશા વ્યક્ત કરી રહ્યા છે.

ઇ-પેપરના નવા શુલ્ક