સાત તબક્કામાં થનારી લોકસભા ચૂંટણી આગળ વધી રહી છે, ત્યારે ચૂંટણીમાં સક્રિય હિસ્સેદારીને લઈને મતદાતાઓનો ઉત્સાહ પણ વધુ દેખાઈ રહ્યો છે. કાશ્મીરમાં પણ મતદાનનો છેલ્લાં 28 વર્ષનો રેકોર્ડ તૂટી ગયો છે. શ્રીનગર સંસદીય બેઠક પર લગભગ 38.5 ટકા મતદાન થયું છે જ્યારે 2019ની ચૂંટણીમાં અહીં માત્ર 14 ટકા મતદાન થયું હતું. આ પહેલાં શ્રીનગરની બેઠક પર 1996ની લોકસભા ચૂંટણીમાં 40.9 ટકા વોટિંગ થયું હતું. સંવિધાનની કલમ 370 હટાવ્યા પછી જમ્મુ-કાશ્મીરમાં આ પહેલી લોકસભા ચૂંટણી છે. સ્વેટર, જેકેટ અને ગરમ કાશ્મીરી કુરતા પહેરેલા મતદારોની કેન્દ્રો બહાર લાંબી લાંબી કતારો દાખવી રહી હતી કે કાશ્મીરના લોકોમાં લોકતંત્ર પ્રતિ પૂર્ણ આસ્થા છે. સાથે જ તેઓ કલમ 370 હટાવવાના કેન્દ્રના નિર્ણયનું સમર્થન કરે છે. બદલાતા માહોલના કારણે પહેલીવાર અલગતાવાદીઓ ચૂંટણીનો બહિષ્કાર કરવા કહી શક્યા નહીં અને આતંકવાદીઓ ચૂંટણીથી દૂર રહેવાની ધમકી પણ આપી શક્યા નહીં. લોકોએ નીડર બનીને મતદાન કર્યું છે. શ્રીનગરમાં વોટિંગને લઈ મતદારોનો ઉત્સાહ એવો રહ્યો કે કોઈ સીધા શાદી મંડપથી મતદાન કેન્દ્ર પહોંચ્યાં, તો કોઈ મેંદીની રસમ પછી. કોઈ શેરવાનીમાં તો કોઈ પારંપરિક વેશભૂષામાં મતદાન કરવા પહોંચ્યા હતા.
નોંધનીય છે કે જ્યારે ભારતીય કાશ્મીરમાં લોકો મતદાન માટે ભારી સંખ્યામાં ભાગ લઈ રહ્યા છે, ત્યારે પાકિસ્તાનના કબજાવાલા કાશ્મીરમાં અશાંતિ અને ઉપદ્રવના પગલે પરિસ્થિતિ ગંભીર બની રહી છે. ત્યાંના લોકો ભારતની મદદ માગી રહ્યા છે. પોલીસ લોકોના ગુસ્સાનો ભોગ બની રહી છે. સેનાને બોલાવવી પડી છે. લોકો મોંઘવારીની સાથે અત્યાચારથી તંગ આવી ગયા છે. કલમ 370 હટયા પછી ભારતીય કાશ્મીરમાં સ્થિતિ ઝડપથી સુધરી રહી છે અને તેઓ પાકિસ્તાનના શાસન હેઠળ સેકન્ડ ક્લાસ સિટિઝન બની ગયા છે. તેમની દરેક સ્તર પર ઉપેક્ષા-અન્યાય થાય છે. તેમને વિકાસથી વંચિત રાખવામાં આવ્યા છે. પાકિસ્તાનના કાશ્મીરમાં કરવેરા વધુ છે અને આટા-દાલના ભાવ અને વીજળીની વધતી કિંમતોની વિરુદ્ધ આંદોલન ચાલી રહ્યું છે. ઇસ્લામાબાદે સખતાઈનું જે વલણ દાખવ્યું છે તેનાથી પાકિસ્તાનની મુશ્કેલી જલદી ખતમ થાય એમ નથી જણાતું. હવે ત્યાં સેના વિરુદ્ધ લડી રહેલા સંગઠન તહરિક-એ-તાલિબાન પાકિસ્તાન આંદોલનકારીઓ સાથે જોડાયો છે. શાંતિપૂર્ણ ચાલી રહેલા આંદોલનને નિષ્ફળ બનાવવા પાકિસ્તાનની હકૂમતે વધારાની સેના તહેનાત કરી નિ:શત્ર લોકો પર અશ્રુવાયુ અને ગોળીઓ વરસાવી છે જે દર્શાવે છે કે ઇસ્લામાબાદ આંદોલન કચડવા માગે છે.
આંદોલનકારીઓ પાકિસ્તાનમાં આઝાદીનાં સૂત્રો પોકારી રહ્યા છે અને ભારતીય ધ્વજ પ્રતિ આદર વ્યક્ત કરે છે તેની અસર દૂરગામી પડે છે. ભારતના ગૃહ અને સંરક્ષણ પ્રધાનોના હાલમાં જ આપેલાં નિવેદનો સૂચક છે કે પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીરનો હિસ્સો ભારતનો ભાગ છે અને ભારતમાં જોડાશે. જમ્મુ-કાશ્મીરનો વિકાસ જોઈને ખુદ પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરના લોકો જ પાકિસ્તાન વિરુદ્ધ બળવો પોકારી રહ્યા અને ભારતમાં મળી જવા તૈયાર છે.