• બુધવાર, 23 ઑક્ટોબર, 2024

મહારાજ ફિલ્મના દૃશ્યો સામે વૈષ્ણવો લાલઘૂમ

જૂનાગઢ પુષ્ટિમાર્ગી સંપ્રદાયના સંતોએ ફિલ્મનું પ્રસારણ અટકાવવા કરી માગણી

પોલીસ ફરિયાદ નોંધવા લેખિત અરજી આપી ગુનો દાખલ કરવા કરી માગણી

સમગ્ર હિન્દુ સમાજ, સનાતન  ધર્મની બદનામી સાંખી ન લેવાય

જૂનાગઢ, તા.16: ફિલ્મ મહારાજમાં પુષ્ટિ સંપ્રદાયના આરાધ્ય દેવ ભગવાન શ્રીકૃષ્ણના ચરિત્ર ઉપર અંશો દર્શાવી લેખક, નિર્માતા સહિતનાઓ દ્વારા હિન્દુ સમાજ, સનાતન ધર્મ અને પુષ્ટિ સંપ્રદાયની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવા સામે વૈષ્ણવ સંપ્રદાયના સંતો રોષે ભરાય જવાબદારો સામે કાનૂની કાર્યવાહી કરવા તથા ફિલ્મનું પ્રસારણ અટકાવવા મેદાને ઉતર્યા છે.

સૌરભ શાહ દ્વારા લખાયેલ નવલકથા ‘મહારાજ’માં પ્રકાશક આર.આર.શેઠ એન્ડ કું.પ્રા.લી.  યશરાજ ફિલ્મ, નેટ ફિલક્સ ઈન્ડીયા અને નિર્દેશક, અભિનેતા, અભિનેત્રી તથા ફિલ્મના કલાકારો કે જેઓએ આ નવલકથાના આધારે મહારાજ ફિલ્મ બનાવી છે. 1862માં ભગવાન શ્રીકૃષ્ણને વ્યભિચારી તરીકે ચિતરવામાં આવ્યા છે.

આ ફિલ્મ સિનેમાને બદલે નેટ ફિલક્સ ઉપર રિલીઝ કરવામાં આવી રહી છે. તેથી સમગ્ર વિશ્વમાં હિન્દુઓને કલંકિત કરી શકાય. 160 વર્ષ પહેલાના એક વ્યક્તિ અથવા કોર્ટ કિસ્સાના આધારે સમગ્ર હિન્દુ સમાજ, સનાતન ધર્મ ઉપર બદનામી કરવામાં આવી છે.

આ સામે વૈષ્ણવ સંપ્રદાયના સંતોએ જૂનાગઢ ‘બી’ ડિવીઝનમાં ફિલ્મના જવાબદારો સામે પોલીસ ફરિયાદ નોંધવા લેખિત અરજી આપી ભારતીય દંડ સંહિતા 1860 હેઠળ 153 એ, 295 એ, 505 (2) અને 34 હેઠળ ગુનો દાખલ કરવા માંગણી કરી છે અને આ ઘટનાની સમગ્ર તપાસ ન થાય ત્યાં સુધી પ્રસારણ અટકાવવા માંગણી કરી છે.

આ ફિલ્મ સામે વૈષ્ણવ સંપ્રદાય દ્વારા ગુજરાત હાઈકોર્ટ મુંબઈ અને દિલ્હી હાઈકોર્ટમાંથી પ્રસારણ સામે મનાઈ હુકમ મેળવ્યાનો દાવો સંત રઘુ બાવાએ કર્યો છે. ફિલ્મ મહારાજના કવર પૃષ્ઠ, પોસ્ટર, ચિત્રો જે એક વિલનને પુષ્ટિ માર્ગ વૈષ્ણવ આચાર્યની વત્ર, તિલક, લોકેટ વગેરે પહેરીને દર્શાવાયા છે.

આ ફિલ્મના કેટલાંક અંશોમાં હિન્દુ ગુરૂઓને કામુક, પ્રેમી અને અનૈતિક રૂપમાં રજુ કરાયા છે. પુસ્તકના કવર પૃષ્ઠમાં હિન્દુઓના સર્વોચ્ચ દેવી ભગવાન કૃષ્ણનું અપમાન કરવાની લેખકની શરમજનક ક્રિયા છે. જે હરગીજ ચલાવી લેવાશે નહીં. જરૂર જણાયે પુષ્ટિ સંપ્રદાયના સંતો ઉગ્ર આંદોલન, આત્મ વિલોપનની ચીમકી ઉચ્ચારી છે.

જેતપુર: જેતપુરમાં આજે વૈષ્ણવો દ્વારા બાવાશ્રીની આગેવાની ઓટીટી પ્લેટફોર્મ પર આવી રહેલ મહારાજ ફિલ્મ સાથે જોડાયેલ મુખ્ય વ્યક્તિઓ વિરૂદ્ધ ધાર્મિક લાગણી દુભાવી સમાજમાં અશાંતિ ફેલાવવાની ફિલ્મના મુખ્ય લોકો સામે લેખિત ફરિયાદ આપી આ ફિલ્મના વાંધાજનક દૃશ્યો, ડાયલોગ  દૂર ન થાય ત્યાં સુધી તેના પર પ્રતિબંધ મુકવાની માગ કરી હતી.

આમીરખાનના પુત્ર જુનેદખાનની પ્રથમ ફિલ્મ મહારાજ વિવાદોમાં આવી ગઈ છે. આ ફિલ્મ વિરૂદ્ધ આજે જેતપુરની પુરૂષોત્તમધામ હવેલીના આશ્રયબાવાશ્રીની આગેવાની વૈષ્ણવ સંપ્રદાયના ભાવિકોએ એક લેખિત ફરિયાદ સીટી પોલીસને આપી હતી. ફરિયાદ મુજબ આ ફિલ્મ ભગવાન શ્રીકૃષ્ણ, આચાર્યશ્રી વલ્લભાચાર્યના વંશજોને ખરાબ અને વ્યભિચારી બતાવવામાં આવ્યા છે. આ ફિલ્મ સાથે જોડાયેલ લોકોએ ઈરાદાપૂર્વક વૈષ્ણવો અને સનાતની હિન્દુઓની ધાર્મિક લાગણી દુભાવવાનું દુષ્કૃત્ય કરેલ છે. આ ફિલ્મની તમામ સામગ્રીની કાયદેસર, યોગ્ય તપાસ થઈ જાય નહીં અને આપત્તિજનક ભાગો અને ડાયલોગ્સ સીન જેવી ધાર્મિક લાગણી દુભાવતી તમામ સામગ્રી હટાવી દેવામાં ન આવે ત્યાં સુધી રિલીઝ ન થવા દેવાની વૈષ્ણવોએ માગ કરી હતી.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક