• રવિવાર, 21 જુલાઈ, 2024

મેઘો મુશળધાર: ખંભાળિયામાં 6 કલાકમાં 9.5 ઇંચ

ખંભાળિયામાં ચારેકોર પાણી-પાણી : રસ્તાઓ પર નદીની માફક પાણીના વહેણ વહ્યા : ખેતરો પાણીથી તરબોળ, નદી-નાળા છલકાયા

પોરબંદર 3, ભાણવડ 2.5, રાણાવાવ 2, ગારીયાધાર 1 ઈંચ

પોરબંદરમાં પહેલા જ વરસાદે પાલિકાની પોલ ખોલી નાખી : ઠેર-ઠેર રાજમાર્ગો ઉપર ગોઠણડૂબ પાણી ભરાયા

ભીમ અગિયારસના આગલા દિવસે જ વાવણીલાયક વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર

સલાયામાં વીજ પુરવઠો ખોરવાયો

રાજકોટ, તા.16: ગુજરાતમાં ચોમાસાએ દસ્તક દીધા બાદ બ્રેક લાગી ગઇ હતી. જો કે અસહ્ય ઉકળાટ બાદ છેલ્લા કેટલાક દિવસથી અલગ-અલગ વિસ્તારમાં વરસાદી માહોલ જામી રહ્યો છે. ખાસ કરીને આજે મેઘરાજાએ સૌરાષ્ટ્રમાં મંડાણ કર્યા છે. સવારે પોરબંદરમાં ધોધમાર વરસાદ વરસ્યા બાદ ખંભાળિયામાં બપોરે 12થી સાંજના 6 એટલે કે 6 કલાકમાં ધોધમાર 9.5 ઇંચ જેટલો વરસાદ વરસતા શહેરમાં જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી હતી. જેમાં બપોરે બેથી ચાર બે કલાકમાં જ 5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. મૂશળધાર વરસાદના કારણે શહેરના રસ્તાઓ પાણી-પાણી થઇ ગયા હતા. નદી-નાળા છલકાતા ખેતરો બેટમાં ફેરવાયા છે તેમજ સવારે પોરંબદરમાં 3 ઇંચ જેટલા વરસાદે જ પાલિકાની પોલ ખોલી નાખી હતી. રાજમાર્ગો પર ગોઠણડૂબ પાણી ભરાયા હતા. આ ઉપરાંત ભાણવડમાં 2.5, રાણાવાવમાં 2 અને ગારીયાધારમાં એક ઇંચ વરસાદ વરસ્યો હતો. આવતીકાલે ભીમ અગિયારસનું શુભ મુહૂર્ત છે ત્યારે તેના આગલા દિવસે જ મેઘરાજાએ પઘરામણી કરતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.

ખંભાળિયા: ખંભાળિયા સહિત દ્વારકા જિલ્લામાં આજે ચોમાસુ સીઝનના વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. આજે ખંભાળિયા અને ભાણવડ તાલુકામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજાએ પધરામણી કરી હતી. જેમાં ખંભાળિયામાં આજે બપોરે 12 વાગ્યાથી વરસાદી માહોલ સાથે અસહ્ય ગરમીના ઉકળાટ વચ્ચે વરસાદની શરૂઆત થઈ હતી. જેમાં બપોરે 12:00 થી 2:00 વાગ્યામાં બે ઇંચ વરસાદ અને બેથી ચારમાં પાંચ ઇંચ વરસાદ તેમજ ચારથી છમાં પોણા બે ઇંચ જેટલો વરસાદ   વરસતા બપોરના 12થી સાંજે છ વાગ્યા સુધી ખંભાળિયામાં 241 મીમી વરસાદ પડ્યો હતો. જેમાં બે થી છ આ ચાર કલાક દરમિયાન સાત ઇંચ ધોધમાર વરસાદ પડતા અનેક સ્થળોએ સ્થળ ત્યાં જળની સ્થિતિ જોવા મળી હતી. ધોધમાર વરસાદને કારણે શહેરના પોસ્ટ ઓફિસ રોડ, નગર ગેટ, પોરનાકા વિસ્તાર અને રામનાથ સહિતના વિસ્તારમાં પાણી ભરાયા હતા. રાજમાર્ગો પર નદીઓના વહેણ જેવા દર્શ્યો જોવા મળ્યા હતા. મુશળધાર વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા વાહનચાલકો અને રાહદારીઓમાં ભારે મુશ્કેલી સર્જાઈ હતી. ખંભાળિયા શહેરની સાથે ગ્રામ્ય ધોધમાર વરસાદને કારણે ખેતરો પાણીથી તરબોળ થયા હતા અને અનેક નદીનાળાઓમાં પાણી ખળખળ વહેતા જોવા મળ્યા હતા. ભીમ અગિયારસના શુભ મુહૂર્તના આગલા દિવસે જ વાવણીલાયક વરસાદ થતાં ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી તેમજ ભાણવડમાં પણ સવારે 6 થી 10 વાગ્યા સુધીમાં 59 મીમી વરસાદ નોંધાયો હતો.

પોરબંદર: શહેરમાં મોસમનો પહેલો જ વરસાદ રવિવારે સવારે 4 કલાકમાં 3 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે ત્યાં જ નગરપાલિકાના તંત્રની પોલ ખુલી ગઈ છે અને શહેરમાં ઠેર ઠેર રાજમાર્ગો ઉપર ગોઠણડૂબ પાણી ભરાયા છે. પોરબંદર શહેરના મુખ્ય એમ.જી રોડ ઉપર ખાદી ભવન ચોક પાસે સુદામા ચોક નજીક તેમજ જુના ફુવારાથી પેરેડાઇઝ ફુવારા તરફ જતા રસ્તે અને જુના ફુવારાથી કમલાબાગ તરફ જતા રસ્તે અનેક જગ્યાએ વરસાદી પાણી ભરાઈ ગયા હતા. એ જ રીતે ખીજડી પ્લોટથી છાયાચોકી તરફ જતા રસ્તે પણ અડધોથી એક ફૂટ પાણી ભરાયા હતા. જેના કારણે વાહનચાલકોને અવરજવરમાં ભારે પરેશાનીનો સામનો કરવો પડયો હતો અને અનેક મોપેડ બંધ પડી ગયા હતા. ધક્કા મારી મારીને વાહનચાલકો ચાલુ કરતાં નજરે પડયા હતા. પોરબંદર નગરપાલિકાના તંત્રની પ્રિમોન્સુનની કામગીરીની પોલ ખુલ્લી પડી હતી. રાણાવાવમાં પણ સવારે 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. આજુબાજુમાં ગ્રામ્યપંથકમાં પણ દોઢથી બે ઇંચ વરસાદ વરસ્યાના વાવડ છે. બરડા પંથકના ગામડાઓ ફટાણા, સોઢાણા, અડવાણા, બગવદર, શીશલી, મજીવાણા, નટવર, ભારવાડા સહિતના વિસ્તારોમાં દોઢ થી બે ઇંચ વરસાદ વરસતા ખેડૂતો વાવણીના કાર્યમાં જોડાયા છે.

ગારીયાધાર:  આજરોજ ગારીયાધાર શહેર તેમજ વીરડી, વેળાવદર, લુવારા, નાનીવાવડી, રતનવાવ અને પરવડી સહિતના ગામોમાં બીજા દિવસે પણ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. વહેલી સવારથી જ ગરમી અને વ્યાપક પ્રમાણમાં ઉકળાટ થવા પામ્યો હતો. જેમાં બપોરે બે કલાકના અરસામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાએ વરસાદની ધડબડાટી બોલાવતા 28 મીમી જેટલો વરસાદ વરસી ગયો હતો.

જૂનાગઢ: સોરઠના હવામાનમાં સવારથી જ પલટો આવતા આકાશમાં વરસાદી માહોલ વચ્ચે સવારે જૂનાગઢ, માણાવદર, માંગરોળમાં હળવાથી ભારે ઝાપટા પડયા હતા. હળવા ઝાપટાથી બફારો વધતા જનજીવન અકળામણ અનુભવી રહ્યું છે અને સારા વરસાદની ચાતક નજરે રાહ જોઇ રહ્યા છે.

સલાયા: ખંભાળિયા તાલુકાના સલાયા ગામે આજે વહેલી સવારથી જ વાદળો બંધાયા હતા તેમજ પવન પણ પડી ગયો હતો. ગરમીનું પ્રમાણ ખુબ વધ્યું હતું. બપોરના 3 થી  4 વાગ્યા સુધીમાં ધીમી ધારે અડધો ઇંચ જેટલો વરસાદ થયો હતો. આ માત્ર અડધા ઇંચ વરસાદમાં જ વીજ પુરવઠો ખોરવાઇ જતા લોકોને ભારે તકલીફ પડી હતી.

મોરબી: જિલ્લામાં ધીમા પગલે મેઘરાજાનું આગમન થયું હતું. મેઘાડંબર વચ્ચે મોરબી આસપાસના ગામોમાં વરસાદ શરૂ થયો હતો.

ચાલુ વરસાદે લાતી પ્લોટ-6માં ટીસીમાં આગ લાગી હતી. વીજ લાઈન ચાલુ હોઇ આગ મોટું સ્વરૂપ પકડે અને ઘટના ન બને તે માટે સ્થાનિક વેપારીઓએ જીઈબીને જાણ કરતા તાત્કાલિક જીઈબીની ટીમ સ્થળ પર પહોંચી લાઈન બંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. સામાકાંઠે ત્રાજપર પાસે આવેલા લક્ષ્મી નારાયણ સોસાયટીમાં આવેલા ટીસી પાસે ઉભેલા બે ખુંટીયાને શોટ લાગ્યો હતો. જેને તાત્કાલિક યદુનંદન ગૌશાળા દ્વારા તેની સારવાર કરતા બંને ખુંટીયા બચી ગયા હતા. જ્યારે આ ઘટના બાબતે લોકોએ વીજતંત્રની બેદરકારીને જવાબદાર ગણાવી રોષ વ્યકત કર્યો હતો.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક