• રવિવાર, 21 જુલાઈ, 2024

ઘાટીમાં આતંકવાદને માથું ઊંચકતો રોકો: શાહે કાશ્મીર માટે બનાવ્યો પ્લાન

દિલ્હીમાં યોજવામાં આવી ઉચ્ચ સ્તરની બેઠક : જમ્મુમાં એરિયા ડોમિનેશન પ્લાન અને ઝીરો ટેરરપ્લાન અમલમાં મૂકવા નિર્દેશ, અમરનાથ યાત્રા માટેની પણ સમીક્ષા

નવી દિલ્હી, તા. 16 : કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે રવિવારે જમ્મુ કાશ્મીર ઉપર એક ઉચ્ચ સ્તરની સુરક્ષા બેઠકની અધ્યક્ષતા કરી હતી. જેમાં અમરનાથની આગામી વાર્ષિક તિર્થયાત્રા માટે સુરક્ષા વ્યવસ્થા અને હાલના આતંકવાદી હુમલાને ધ્યાને લઈને જમ્મુ ક્ષેત્રમાં વર્તમાન સુરક્ષા સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. ગૃહ મંત્રી અમિત શાહે એજન્સીઓને જમ્મુમાં એરિયા ડોમિનેશન પ્લાન અને ઝીરો ટેરર પ્લાનનાં માધ્યમથી કાશ્મીર ઘાટીમાં મેળવવામાં આવેલી સફળતાને  દોહરાવવાનો નિર્દેશ આપ્યો છે. શાહે કહ્યું હતું કે, ઇનોવેટિવ રીતે આતંકવાદીઓ ઉપર કાર્યવાહીનું એક ઉદાહરણ બનાવવા માટે મોદી સરકાર કટિબદ્ધ છે.

ગૃહ મંત્રીએ તમામ એજન્સીઓને મિશન મોડમાં કામ કરવા અને સમન્વિત રીતે ત્વરિત પ્રતિક્રિયા સુનિશ્ચિત કરવા ઉપર ભાર મૂક્યો હતો. શાહે સુરક્ષા એજન્સીઓ વચ્ચે સમન્વય ઉપર ભાર મૂકતા સંવેદનશીલ ક્ષેત્રોની ઓળખ અને તેની સુરક્ષા ઉપર ધ્યાન રાખવા નિર્દેશ આપ્યો હતો. નવી દિલ્હીમાં થયેલી મહત્ત્વની બેઠકમાં કેન્દ્ર શાસિત પ્રદેશની સુરક્ષાની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. સાથે જ અમરનાથ યાત્રા માટે પૂર્ણ સુરક્ષા કવચ, યાત્રા માર્ગો ઉપર વિશેષ સુરક્ષા વ્યવસ્થા, રાજમાર્ગો ઉપર વધુ સુરક્ષા દળ તૈનાત કરવા, જમ્મુ કાશ્મીરમાં તમામ તીર્થસ્થળ અને પર્યટન સ્થળોએ ચોકસાઈ રાખવાનું પણ આહ્વાન કર્યું હતું.

બેઠકમાં જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હા, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને સેના, અર્ધસૈનિક દળો, જમ્મુ કાશ્મીર પોલીસ અને ગુપ્તચર એજનસીના અધિકારીઓ હાજર રહ્યા હતા. કેન્દ્રીય ગૃહમંત્રી તરીકેના ત્રીજા કાર્યકાળમાં જમ્મુ કાશ્મીર ઉપર અમિત શાહની અધ્યક્ષતામાં આ પહેલી ઉચ્ચસ્તરની બેઠક હતી. સૂત્રો અનુસર બેઠકમાં જમ્મુથી કથુઆ વચ્ચે આતંરરાષ્ટ્રીય સરહદ મારફતે ઘૂસણખોરીના રસ્તાઓ બંધ કરવા ઉપર ચર્ચા કરવામાં આવી હતી. આ પહેલા પીએમ મોદીએ પણ જમ્મુ કાશ્મીરની સુરક્ષા અંગે બેઠક કરી હતી. જેમાં તેઓએ સુરક્ષા વ્યવસ્થા સંબંધે અધિકારીઓને જરૂરી નિર્દેશો આપ્યા હતા.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક