• બુધવાર, 23 ઑક્ટોબર, 2024

NCERT રાજકીય વિજ્ઞાનનાં પુસ્તકમાં બદલાવથી વિવાદ

અયોધ્યાથી લઈને ગોધરા સુધી આઠ મોટા ફેરફારો થયા : બાબરી મસ્જિદને બદલે ત્રણ ગુંબજ ધરાવતી સંરચના શબ્દનો ઉપયોગ: NCERTએ કહ્યું,

            હિંસા અને ઘૃણા શિક્ષણનો ભાગ ન હોઈ શકે

નવી દિલ્હી, તા. 16 : એનસીઇઆરટી 12મા ધોરણાનું રાજનીતિક વિજ્ઞાનનું નવું પુસ્તક બજારમાં આવી ગયું છે. જેમાં અમુક મોટા બદલાવ કરવામાં આવ્યા છે. આ બદલાવ અયોધ્યા વિવાદ મામલે સુપ્રીમ કોર્ટના 2019ના ચુકાદા બાદ કરવામાં આવ્યા છે. બદલાવમાં પુસ્તકમાં બાબરી મસ્જિદનું નામ લખવામાં આવ્યું નથી. તેની જગ્યાએ ત્રણ ગુંબજ ધરાવતી સંરચના લખવામાં આવ્યું છે. સાથે જ અયોધ્યા સંબંધિત જાણકારીને ઘટાડીને અડધી કરી દેવામાં આવી છે. પહેલા ચાર પેજમાં હતી તે જાણકારી હવે બે પેજમાં કરવામાં આવી છે.નવા પુસ્તકમાં અયોધ્યાથી લઈને ગોધરા સુધી આઠ બદલાવો થયા છે. નવા પુસ્તકમાં ગોધરામાં માર્યા ગયેલા લોકોમાં મોટાભાગના મુસલમાનો હતા તેવું હટાવીને માત્ર લોકો માર્યા ગયા હતા તેવું લખાયું છે. રમખાણમાં તમામ સમુદાય પીડા ભોગવે છે તે વાત ઉપર ભાર મૂકવામાં આવ્યો છે.  પુસ્તકોમાં કરવામાં આવેલા સુધારાઓ ઉપર વિવાદ થઈ થઈ જતાં એનસીઈઆરટીનાં પ્રમુખે આ ફેરફારોનાં ઔચિત્ય માટે તર્ક આપતા કહ્યું હતું કે, ઘૃણા અને હિંસા શિક્ષણનો વિષય નથી અને શાળાકીય પુસ્તકોમાં તેનાં ઉપર ધ્યાન આપવું ન જોઈએ. એનસીઇઆરટીએ થોડા સમય પહેલા પોતાની વેબસાઇટ ઉપર લખ્યું હતું કે રાજનીતિમાં આવેલા નવા બદલાવોને ધ્યાને લઈને વિષયવસ્તુને અપડેટ કરવામાં આવી છે. ધોરણ-12ના પોલિટિકલ સાયન્સના પુસ્તકમાંથી બાબરી મસ્જિદ વિધ્વંસ અને હિંદુત્વનો ઉલ્લેખ હટાવી દેવામાં આવ્યો છે. પહેલા અયોધ્યા વિવાદમાં 1992થી ભારતીય રાજનીતિ, રાષ્ટ્રવાદ અને ધર્મનિરપેક્ષતામાં અસર વગેરે અંગે બતાવવામાં આવ્યું હતું. નવા પુસ્તકમાં માત્ર કોર્ટના ચુકાદાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પહેલા કિતાબમાં લખવામાં આવ્યું હતું કે સરહદની બન્ને તરફથી હજારો મહિલાઓનું અપહરણ થયું અને ધર્મપરિવર્તન કરીને બળજબરીપૂર્વક લગ્ન કરવામાં આવ્યા હતા. પરિવારોને મારી નાખવામાં આવ્યા હતા. હવે નવા બદલાવમાં સરહદની બન્ને બાજુથી વાક્ય હટાવવામાં આવ્યું છે. નવાં પુસ્તકમાં લેફ્ટનો અર્થ બદલી નાખવામાં આવ્યો છે અને ખૂલી પ્રતિસ્પર્ધાને બદલે અર્થવ્યવસ્થા ઉપર સરકારી નિયંત્રણ ઈચ્છનારા એવું થયું છે.

પહેલા પુસ્તકમાં પાકિસ્તાન વિવાદિત ક્ષેત્રને આઝાદ પાકિસ્તાન કહેતું હતું અને ભારત અવૈધ કબજાનું ક્ષેત્ર માનતું હતું. હવે લખવામાં આવ્યું છે કે ભારત તેને પાકિસ્તાન અધિકૃત જમ્મુ અને કાશ્મીર કહે છે. જે ભારત સરકારના નવા વલણ અનુરૂપ છે. અગાઉ રામ જન્મભૂમિ આંદોલન અને બાબરી મસ્જિદ વિધ્વંશના રાજકીય ઉપયોગ ઉપર સવાલ ઉઠાવવામાં આવ્યો હતો. નવા સંસ્કરણમાં માત્ર રામ જન્મભૂમિ આંદોલન ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. પેજ નંબર 112 ઉપર લખવામાં આવ્યું હતું કે, 2002માં ગુજરાતમાં ગોધરાકાંડ બાદ થયેલાં રમખાણમાં 1000થી વધારે લોકો માર્યા ગયા હતા અને મોટાભાગના મુસલમાન હતા. હવે લખાયું છે કે 1000થી વધુ લોકો માર્યા ગયા હતા. જેમાં ભાર મૂકવામાં આવ્યો છે કે રમખાણમાં તમામ સમુદાયના લોકો પીડિત હોય છે. આ ઉપરાંત નવા પુસ્તકમાં નેહરુ દ્વારા સાંપ્રદાયિકતાની આલોચના ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક