મોદી કેબિનેટનો પહેલો નિર્ણય : પીએમ આવાસ યોજનાનો વિસ્તાર
નવી દિલ્હી તા.10 : વડાપ્રધાન મોદીની આગેવાનીમાં કેન્દ્રની નવી એનડીએ સરકારની શપથવિધિ પૂર્ણ થતાં જ નિર્ધારિત એજન્ડા આગળ ધપાવતાં પહેલા નિર્ણયમાં ગરીબો માટે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત વધુ 3 કરોડ આવાસ બનાવવાનો નિર્ણય લેવાયો છે. આ યોજના હેઠળ દેશમાં પહેલાથી જ 4.ર1 કરોડ આવાસ બની ચૂકયા છે. નવા આવાસ શહેરો અને ગ્રામીણ બંન્ને વિસ્તારોમાં બનાવવામાં આવશે અને તેમાં વીજળી, શૌચાલય અને એલપીજી કનેકશનની સુવિધા હશે.
સોમવારે સાંજે પ વાગ્યાથી પીએમ આવાસ ખાતે વડાપ્રધાન મોદીની આગેવાનીમાં કેબિનેટની પહેલી મિટિંગ યોજાઈ હતી જેમાં સૌ પહેલો નિર્ણય ગરીબો માટે વધુ 3 કરોડ આવાસ બનાવવા લેવાયો હતો. કેબિનેટ બેઠકમાં પીએમ આવાસ યોજનાની સમીક્ષામાં લાભાર્થી પરિવારોની વધેલી સંખ્યા ધ્યાને લઈ વધારાના 3 કરોડ આવાસ ગ્રામીણ અને શહેરી જરુરીયાતમંદ પરિવારો માટે બનાવવા અને તેના નિર્માણમાં જરુરી મદદ કરવા સહમતિ દર્શાવાઈ હતી.
PM મોદીએ સંભાળ્યો કાર્યભાર : પહેલી ફાઈલ ઉપર હસ્તાક્ષર
નવીદિલ્હી,તા.10: સતત ત્રીજીવાર પ્રધાનમંત્રી પદનાં શપથ લીધા પછી નરેન્દ્ર મોદીએ કારભાર સંભાળી લીધો છે. તેમણે શપથનાં બીજા જ દિવસે એક્શનમાં આવી જતાં પહેલી ફાઈલ ઉપર હસ્તાક્ષર પણ કર્યા હતાં. તેમણે સાઈન કરેલી પહેલી ફાઈલ કિસાન નિધિ જારી કરવા સંબંધિત હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે સાઉથ બ્લોકમાં પોતાનાં કાર્યાલયમાં પહોંચ્યા હતાં અને પીએમ કિસાન નિધિનો 17મો હપ્તો જારી કરવાની ફાઈલ ઉપર આજે સૌપ્રથમ હસ્તાક્ષર કર્યા હતાં. આ નિર્ણયથી 9.3 કરોડ કિસાનોને ફાયદો થાય છે અને આમાં આશરે 20 હજાર કરોડ રૂપિયા કિસાનોમાં વિતરિત કરવામાં આવશે.
નવા કાર્યકાળની પ્રથમ ફાઈલ ઉપર સહી કર્યા પછી મોદીએ કહ્યું હતું કે, તેમની સરકાર ખેડૂતોનાં કલ્યાણ પ્રત્યે પ્રતિબદ્ધ છે એટલે પહેલી ફાઈલ જ કિસાન કલ્યાણ સંબંધિત હસ્તાક્ષરિત કરવી ઉચિત છે. આવનારા સમયમાં સરકાર કિસાનો અને કૃષિ ક્ષેત્ર માટે વધુ કામ કરવા ઈચ્છે છે.