• શુક્રવાર, 01 નવેમ્બર, 2024

બપોર સુધી અંગ દઝાડતી ગરમી, સાંજે માવઠું : એક દિવસમાં બે ઋતુનો અનુભવ

દેરડી બે, મોટી કુંકાવાવ અને માંડાસણમાં દોઢ ઇંચ વરસાદ

 

 

-ગોંડલમાં એક, બાબરા-જેતપુરમાં પોણો, નવાગામ- ગીરનારમાં અડધો ઇંચ

-મિનિ વાવાઝોડાથી વૃક્ષ, વીજપોલ ધરાશાયી, સોલાર અને રૂફટોપ પેનલો હવામાં ઉડી, ઘણા વિસ્તારમાં વીજપુરવઠો ખોરવાતા અંધારપટ છવાયો

-ત્રીજા દિવસે માવઠું વરસતા ઉનાળુ પાકને નુકસાન

 

રાજકોટ, તા.15: સૌરાષ્ટ્રમાં હવામાન વિભાગની આગાહીને લઈ છેલ્લા ત્રણ દિવસથી અલગ અલગ જિલ્લાઓમાં પવન સાથે વરસાદ પડયો હતો.  સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારમાં બપોર સુધી અંગ દઝાડતી ગરમી પડી હતી અને સાંજે માવઠું વરસતા લોકોએ એક દિવસમાં બે ઋતુનો અનુભવ કર્યો હતો. ભારે પવન અને ગાજવીજ સાથે જાણે અષાઢી માહોલ હોય તેવું વાતાવરણ સર્જાયું હતું તેમજ ઘણા વિસ્તારમાં ભારે પવન ફૂંકાતા વૃક્ષ, વીજપોલ ધરાશાયી થયા હતા તો ઘરની અગાસી પર રહેલી સોલાર પેનલ અને પતરા હવામાં ઉડયા હતા. વીજપોલ ધરાશાયી થવાથી આજેપણ  ઘણા વિસ્તારમાં વીજપુરવઠો ખોરવાતા અંધારપટ છવાયો હતો. આજે બપોર બાદ કચ્છ, જુનાગઢ, પોરબંદર, મોરબી, રાજકોટ, અમરેલી સહિતના જિલ્લામાં પવન સાથે સહિતના જિલ્લાઓમાં વરસાદની શરૂઆત થઈ હતી. ગોંડલના દેરડીમાં બે, મોટી કુંકાવાવ અને માંડાસણમાં દોઢ ઇંચ જેટલો કમોસમી વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા. સતત માવઠું વરસાતા ખેડૂતોને લાખોનું નુકસાન થવા પામ્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં હાલ કેરીના પાકને મોટા પાયે નુકસાન જાય તેવી સ્થિતિ સર્જાઈ છે. બીજી બાજૂ તલ, મગ સહિતના ઉનાળુ પાકને પણ નુકસાન જાય તેવી સ્થિતિ સર્જાઈ છે.

ગોંડલ: દિવસભરની અસહ્ય ગરમી અને ભારે તડકા બાદ સાંજે વાતાવરણ પલટાયું હતુ અને ધોધમાર એક ઇંચ વરસાદ વરસતા રાજમાર્ગોપર પાણી ફરી વળ્યા હતા. ધોધમાર વરસાદને કારણે રાતાપુલ, ઉમવાડા અંડરબ્રિજ સહિત પાણી ભરાતા રાહદારીઓ ફસાયા હતા. ઉપરાંત નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયા હતા. તાલુકાનાં દેરડી, રાણસીકી, મોટી ખિલોરી વિસ્તારમાં બે ઇંચ વરસાદ વરસ્યો હતો. જયારે ચરખડી, વેકરી, સુલતાનપુર સહિત એક ઇંચ વરસાદ પડ્યો છે.

જેતપુર:  શહેરમાં આજે બપોરે અસહ્ય ગરમી બાદ સાંજે ભારે ઉકળાટ સાથે વાતાવરણમાં અચાનક પલ્ટો થયો હતો. સાંજે 7.20 થી ભારે ગાજવીજ સાથે વરસાદ વરસવાનું શરૂ થયું હતું. માત્ર અડધી કલાકમાં 17 મીમી વરસાદ વરસતા રોડ ઉપર પાણી વહેતા થયા હતા. સરદાર ચોક ખાતે રૈયાણી ફાર્મમાં રોયલ લોકમેળામાં અનેક બેનર, હોર્ડિંગ, મંડપ, છાપરા તેમજ ચકડોળમાં ભારે નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે.

મોટી પાનેલી : ઉપલેટા તાલુકાના મોટી પાનેલી તેમજ આજુબાજુના ગામો હરિયાસણ, સાતવડી, ઝાર, માંડાસણ, વલાસણ, બુટાવદર ગામોમાં માવઠાએ ખોફ વર્તાવતા ભયંકર ગાજવીજ અને વાવાઝોડા સાથે કમોસમી વરસાદ ખાબકતા ભારે ખાનાખરાબીના સમાચાર મળી રહ્યા છે. આજે સાંજે છ વાગ્યા બાદ વાતાવરણમાં ગંભીર પલટો આવતા ભારે પવન અને ધૂળની ડમરી ઉડતા ભયંકર આંધી સર્જાયી હતી. સાતવડી, માંડાસણ ગામમાં દોઢ ઇંચ જેટલો વરસાદ પડ્યાના સમાચાર મળ્યા છે. વૃક્ષ ધરાશાયી થયા છે તેમજ ઘરના પતરાં નળીયા હવામાં ઉડ્યાના અહેવાલ છે. વીજળીના તાર તૂટતાં લાઈટ પણ ગુલ થતા લોકો અસહ્ય બફારા વચ્ચે ઘરમાં પુરાયા છે.

સુરેન્દ્રનગર: જિલ્લામાં આજરોજ બપોરના ત્રણ વાગ્યાની આસપાસ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો.  કાળજાળ ગરમી વચ્ચે બપોર બાદ વરસાદ પડયો હતો. જિલ્લામાં ખાસ કરીને ચોટીલા, મૂળી, વઢવાણ સહિત વરસાદ વરસ્યો હતો. સુરેન્દ્રનગર વઢવાણ શહેર વિસ્તારમાં પણ બપોર બાદ અચાનકે વરસાદ પડ્યો હતો.

બાબરા : સાંજે 6 વાગ્યે અચાનક તેજ પવન અને વરસાદનું મીની વાવાઝોડું ત્રાટકતા પોણા ઇચ જેટલું પાણી પડ્યાનો અંદાજ થયો છે. મીની વાવાઝોડાની અસરથી વૃક્ષો અને વીજ પોલ જમીનદોસ્ત થયા છે જેના પગલે તાલુકાનો વીજ પુરવઠો ખોરવાયો છે. શહેરના રહેણાંક વિસ્તારોમાં ધાબા ઉપર લગાડેલા સોલાર અને રૂફ ટોપની પેનલો સહિત પાણીના ટેંકો  અને મોટા ભાગે સાઈન બોર્ડ, કોમર્શિયલ બોર્ડ હવામાં ઉડ્યા હતા. રાજકોટ ભાવનગર અને અમરેલી રોડ ઉપર વીજ પોલ અને વૃક્ષ પડતા વાહન વ્યવહારને અસર પડી હતી તાલુકામાં વાવેતર થયેલા ઉનાળુ તલ બાજરી સહિત પશુ ચારાના પાકમાં નુકશાન સાથે શહેરમાં આવેલા પ્રજાપતી સમાજના ઈંટ ઉત્પાદન યુનિટોમાં તૈયાર થયેલી કાચી ઈટોમાં નુકશાન થયું છે. ઇંટ ઉત્પાદન યુનિટોના પ્રમુખ સુરેશ ધોળકિયાના જણાવ્યા મુજબ છેલ્લા ત્રણ દિવસથી આકાશી આફત રૂપે વરસતા કમોસમી વરસાદથી રો મટીરીયલ સહિતમાં વ્યાપક નુકશાન જોવા મળે છે.

અમરેલી: જિલ્લામા હવામાન ખાતાની આગાહીને લઈને મોટા ભાગના તાલુકામા કમોસમી વરસાદ ખાબકયો હતો. લાઠી પંથકમાં પણ પવન સાથે વરસાદ પડતા ઝાડ પડવાના બનાવો બન્યા હતા. બાબાપુર સહિતના ગામમો ઘોઘમાર વરસાદ ખાબકયો હતો. ખાંભા પંથકમાં પણ વરસાદ ના આગમન વાતાવરણ ઠંડક પ્રસરી જવા પામી હતી.

વડિયા: શહેર અને ગ્રામીણ વિસ્તારમાં બપોર બાદ ભારે ઉકળાટ સાથે વરસાદી માહોલ છવાયો હતો અને કરા અને પવન સાથે વરસાદ વરસતા રસ્તાઓ પાણી પાણી થયા હતા. હાલ ઉનાળુ પાક પાકવામાં અંતિમ સમયમાં છે ત્યારે આ વરસાદને કારણે ખેડૂતોના તલ, મગ, અડદ જેવા પાકોને નુકશાન થતા ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાતો હોય તેવુ જોવા મળી રહ્યુ છે. તો બીજી બાજુ હાલ ધાર્મિક કાર્યો એવા ભાગવત સપ્તાહના પણ અનેક જગ્યાઓએ આયોજન શરુ હોય તેમાં પણ ભારે હાલાકી જોવા મળી હતી.

પોરબંદર: બરડા પંથકમાં મીની વાવાઝોડા જેવું વાતાવરણ ઊભું થયું હતું અને પવન સાથે તોફાની વરસાદ વરસ્યો હતો. જેમાં અડવાણાના સોઢાણા, સિસલી ફટાણા, ખાંભોદર સહિતના વિસ્તારોમાં અને બરડા પંથકના ગામડાઓમાં પવનને કારણે અનેક જગ્યાએ વીજ વાયરો ધરાશાહી થઈ ગયા છે તો ક્યાંક વૃક્ષો પણ જમીનદોસ્ત બની ગયા છે. બગવદર નજીક પુલની રાલિંગને પણ નુકસાન થયું છે. હજુ તો ઉનાળો પૂર્ણ થયો નથી ત્યાં પોરબંદરના બરડા પંથકમાં અચાનક વરસેલા વરસાદને કારણે અને તોફાની પવનને કારણે મોટું નુકસાન થયું છે. તેથી વહેલીતકે વીજપૂરવઠો પૂર્વવત કરવામાં આવે અને લોકોને વેઠવી પડતી હેરાનગતિનો અંત આવે તે માટે પણ રજૂઆત કરવામાં આવી છે.

મોટી કુંકાવાવ: સાંજે 6થી 7 એક કલાકમાં કડાકા ભડાકા અને પવનના સુસવાટા સાથે 1.5 ઇંચ વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા.

નવાગામ: ગોંડલ તાલુકાના નવાગામમાં બપોરે ગરમી બાદ ભારે પવન સાથે અડધા ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો અને વીજપૂરવઠો પણ ખોરવાયો હતો.

વિરપુર: વિરપુરમાં પણ આજ સવારથી ભારે ગરમી બફારો અને ઉકળાટ જોવા મળ્યો હતો. બપોર પછીના સમયે વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યો હતો અને વાદળછાયું વાતાવરણ સર્જાયુ હતું. સાંજે છ વાગ્યાની આસપાસ જાણે ચોમાસું હોય તેમ આકાશમાં એકાએક કાળા ડીબાંગ વાદળો છવાયા હતા અને ભારે પવન સાથે ધોધમાર કમોસમી વરસાદ શરૂ થયો હતો.

જામકંડોરણા: દિવસ દરમિયાન અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ સાંજના સાત વાગ્યે ગાજવીજ સાથે વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા.

કોટડાસાંગાણી: બપોર બાદ તાલુકાના માણેકવાડા, મોટા માંડવામાં પવન સાથે વરસાદ પડયો હતો.

જૂનાગઢ: હવામાન વિભાગની આગાહી વચ્ચે બપોરે તાપમાનનો પારો 42.5 ડિગ્રીએ પહોંચતા જનજીવન પરસેવે રેબઝેબ થયું હતું. ત્યાં ચારેક વાગ્યે એકાએક હવામાનમાં પલ્ટો આવ્યા બાદ ઝંઝાવતી પવન સાથે જોરદાર ઝાપટું પડતા, માર્ગો ઉપર પાણી વહેવા વાગ્યા હતા. જૂનાગઢ શહેર તથા આસપાસના ગામોમાં હળવાથી ભારે ઝાપટા પડયા હતા. જયારે ગિરનાર પર્વતમાળા વિસ્તારમાં અડધો ઇંચ પાણી પડતા, વન્યપ્રાણીઓએ ઠંડક અનુભવી હતી.

 

ઇ-પેપરના નવા શુલ્ક