• બુધવાર, 15 મે, 2024

દેશભરમાં લૂનો કહેર: બંગાળ, ઓરિસ્સામાં રેડ એલર્ટ

બિહાર, ઝારખંડમાં હવામાન વિભાગનું ઓરેન્જ એલર્ટ, યુપી અને ઉત્તરી વિસ્તારમાં પણ તાપમાન વધવાની  સંભાવના

નવી દિલ્હી, તા. 28 : દેશભરમાં લૂ અને ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. તાપમાન 40 ડિગ્રી કે તેથી ઉપર જઈ રહ્યું છે. લૂને લઈને ભારતીય હવામાન વિભાગે ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળમાં રેડ એલર્ટ જારી કર્યું છે. જ્યારે બિહાર અને ઝારખંડ માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. વૈજ્ઞાનિકોના કહેવા પ્રમાણે આગામી ઘણા દિવસ સુધી ગરમ હવાનો પ્રકોપ યથાવત રહેશે.

હવામાન વિભાગ અનુસાર ગરમ હવામાનના કારણે બંગાળ અને ઓરિસ્સામાં દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં વૃદ્ધિની સંભાવના છે. લૂના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડશે. વધતી ગરમી અને હીટવેવને લઈને હવામાન વિભાગના વરિષ્ઠ વૈજ્ઞાનિક સોમા સેન રોયે કહ્યું છે કે, ઓરિસ્સામાં લૂના કારણે સ્થિતિ વધારે મુશ્કેલ બની શકે છે. થોડા દિવસ સુધી લૂની સ્થિતિ રહેવાની સંભાવના છે. જેના પરિણામે રેડ એલર્ટ જારી થયું છે. એવા ઘણા સ્થળો છે જ્યાં તાપમાન 40 ડિગ્રીથી ઉપર પહોંચી ગયું છે. પશ્ચિમ બર્ધમાન જીલ્લાના પાનાગઢમાં તાપમાન 41.1 ડિગ્રી થયું હતું. મેદનીપુરમાં 43.5, બાંકુડામાં 43.2, બેરકપુરમાં 43.2, બર્ધમાનમાં 43, આસનસોલમાં 42.5, પુરુલિયામાં 42.7 અને શ્રનિકેતનમાં 42 ડિગ્રી તાપમાન રહ્યું હતું. ઓરિસ્સાના અંગુલમાં 44.7 ડિગ્રી તાપમાન રહ્યું હતું. ભુવનેશ્વરમાં 44.6, બારીપદામાં 44.2 અને અન્ય શહેરોમાં પણ તાપમાન 43ની ઉપર નોંધાયું હતું. બીજી તરફ દિલ્હી એનસીઆરમાં શુક્રવારે વરસાદ થતા લોકોને ગરમીથી થોડી રાહત મળી હતી. શનિવારે દિલ્હીમાં મહત્તમ તાપમાન 40.5 ડિગ્રીથી ઘટીને 38 ડિગ્રી થયું હતું. આઈએમડી અનુસાર હજી બે ત્રણ દિવસ વાદળવાયુ વાતાવરણ રહેવાની સંભાવના છે. આ ઉપરાંત દિલ્હીની વાયુ ગુણવત્તામાં થોડો સુધારો થયો છે. હવામાન વિભાગે ઉત્તર પ્રદેશ  અને ઉત્તરી હિસ્સામાં યલો એલર્ટ જારી કર્યું છે. આ વિસ્તારમાં પણ લોકો લૂથી પરેશાન થઈ શકે છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક