• શુક્રવાર, 03 મે, 2024

લોકસભા માટે 266, વિધાનસભામાં હવે 24 ઉમેદવાર ચૂંટણીનાં મેદાનમાં

ઉમેદવારીપત્ર પાછું ખેંચવાના અંતિમ દિવસે લોકસભાની સામાન્ય ચૂંટણી માટે 62 તેમજ વિધાનસભા પેટાચૂંટણી માટે 3 ઉમેદવારે પોતાનાં ફોર્મ પરત ખેંચ્યાં

 

અમદાવાદ, તા.22 : આગામી 7 મેના રોજ ગુજરાતમાં યોજાનારી લોકસભાની સામાન્ય ચૂંટણી તથા વિધાનસભાની 5 બેઠક માટેની પેટાચૂંટણીઓમાં આજરોજ ઉમેદવારીપત્ર પાછું ખેંચવાના અંતિમ દિવસે લોકસભાની સામાન્ય ચૂંટણી માટે 62 ઉમેદવારે પોતાનાં ઉમેદવારીપત્રો પરત લેતા હવે કુલ 266 ઉમેદવાર ચૂંટણી મેદાનમાં રહ્યા છે જ્યારે વિધાનસભાની 5 બેઠકની પેટાચૂંટણી માટે 3 ઉમેદવારે પોતાનાં ઉમેદવારીપત્રો પરત લેતા હવે કુલ 24 ઉમેદવાર ચૂંટણી મેદાનમાં રહ્યા છે. 

અહીં નોંધવું ઘટે કે, લોકસભાની સામાન્ય ચૂંટણી તથા વિધાનસભાની 5 બેઠક માટેની પેટાચૂંટણીઓ માટે ગત તા.12 એપ્રિલથી 19 એપ્રિલ, 2024 સુધીમાં અનુક્રમે કુલ 433 ઉમેદવાર તથા 37 ઉમેદવાર દ્વારા ઉમેદવારીપત્રો ભરવામાં આવ્યાં હતાં. 

તા.20 અને 21 એપ્રિલ, 2024ના રોજ તમામ ચૂંટણી અધિકારીઓ દ્વારા હાથ ધરવામાં આવેલી ઉમેદવારીપત્રોની ચકાસણીના અંતે લોકસભાની ચૂંટણી માટે કુલ 328 ઉમેદવાર તથા વિધાનસભાની પેટાચૂંટણી માટે 27 ઉમેદવાર માન્ય ઠર્યા હતા. અર્થાત્  લોકસભાની ચૂંટણી માટે કુલ 105 ઉમેદવાર તથા વિધાનસભાની પેટાચૂંટણી માટે 10 ઉમેદવાર અમાન્ય ઠર્યા હતા.

ક્રૂટિની બાદ આજરોજ આખરી યાદી મુજબ લોકસભાની સામાન્ય ચૂંટણી માટે 62 ઉમેદવારે પોતાના ઉમેદવારીપત્રો પરત લેતા હવે કુલ 266 ઉમેદવાર ચૂંટણી મેદાનમાં રહ્યા છે. જેમાં 247 પુરુષ ઉમેદવારો અને 19 મહિલા ઉમેદવારોએ ચૂંટણી જંગમાં ઝુકાવ્યું છે.

આ 266 ઉમેદવારમાં અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક પર સૌથી વધારે 18 ઉમેદવાર તથા બારડોલી લોકસભા બેઠક પર સૌથી ઓછા 3 ઉમેદવાર વચ્ચે ચૂંટણી યોજાશે. મહત્ત્વનું છે કે, અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક પર 18 ઉમેદવાર થતા હવે તમામ મતદાન મથકો પર બે બેલેટ યુનિટ ઉપયોગ કરવાની ફરજ પડશે, કારણ કે ઉમેદવારોની સંખ્યા વધારે છે, ઊટખ મશીનના બેલેટ યુનિટ ડિસ્પ્લે પર 16 જેટલા ઉમેદવારની મર્યાદા હોય છે. 

જ્યારે વિધાનસભાની પેટાચૂંટણી માટે 3 ઉમેદવારે પોતાનાં ઉમેદવારીપત્રો પરત લેતા હવે કુલ 24 ઉમેદવાર ચૂંટણી મેદાનમાં રહ્યા છે. જેમાં વિજાપુર વિધાનસભા બેઠક પર સૌથી વધુ 8 ઉમેદવાર તથા વાઘોડિયા વિધાનસભા બેઠક પર સૌથી ઓછા 2 ઉમેદવાર વચ્ચે ચૂંટણી યોજાશે. 

અહીં નોંધવું ઘટે કે, સુરત લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવારનું ઉમદેવારીપત્ર રદ થવાથી તથા અન્ય પક્ષના અને અપક્ષ ઉમેદવારો મળી 8 જેટલા ઉમેદવારી પત્ર પાછા ખેંચી લેવાતા આ બેઠક પરના ભાજપના ઉમેદવાર બિનહરીફ વિજેતા જાહેર થયા છે.

 

સૌરાષ્ટ્રની 7 લોકસભા બેઠક

પર 81 ઉમેદવાર વચ્ચે જંગ

રાજકોટ, તા.22 : ગુજરાતમાં 7 મેના રોજ લોકસભાની ચૂંટણી માટે મતદાન યોજાનાર છે ત્યારે આજે ઉમેદવારી પરત ખેંચવાના છેલ્લા દિવસે સૌરાષ્ટ્ર સહિતની તમામ બેઠકોનું ચિત્ર સ્પષ્ટ થયું છે. સૌરાષ્ટ્રમાં રાજકોટ 9, પોરબંદર 12, જામનગર 14, અમરેલી 8, જૂનાગઢ 11, ભાવનગર 13 અને સુરેન્દ્રનગર 14 એમ સાતેય બેઠક પરથી કુલ 81 ઉમેદવાર ચૂંટણી મેદાનમાં છે તેમજ વિધાનસભાની પેટાચૂંટણીમાં પોરંબદરમાં 6 અને માણાવદરમાં 4 ઉમેદવાર વચ્ચે જંગ જામશે. ભાવનગર સિવાયની તમામ બેઠક ઉપર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો જંગ જામશે જ્યારે ભાવનગર બેઠક ઉપર ભાજપ અને આપના ઉમેદવાર વચ્ચે ચૂંટણી જંગ જામશે.

રાજકોટ લોકસભા બેઠકનું ચૂંટણી ચિત્ર આજે ઉમેદવારી ફોર્મ પરત ખેચવાના અંતીમ દિવસે સ્પષ્ટ થઈ ગયું છે. આ બેઠક પર હવે ભાજપ કોંગ્રેસ સહિત નવ ઉમેદવાર વચ્ચે રસાકસી ભર્યો જંગ ખેલાશે. લોકસભાની આ બેઠક પર ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાનાં ઉમેદવારી ફોર્મ સામે 30 જેટલા વાંધા ઉઠાવનાર અપક્ષ ઉમેદવાર અમરદાસ દેસાણીએ આજે ઉઘડતી કચેરીએ જ પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લેતા હવે નવ ઉમેદવાર વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે. હવે આ બેઠક પર ભાજપના પુરુષોત્તમ રૂપાલા, કોંગ્રેસના પરેશ ધાનાણી, બહુજન સમાજ પાર્ટીના ચમનભાઈ સરસાણી તેમજ અપક્ષ ઉમેદવારો સિંધવ પ્રકાશભાઈ ગાવિંદભાઈ, આચાર્ય ભાવેશભાઈ ઉપેન્દ્રભાઈ, ઝાલા નયનકુમાર, અજાગિયા નિરલભાઈ અમૃતલાલ, લુહાર જીજ્ઞેશ રાજેન્દ્રભાઈ અને ભાવેશભાઈ પીપળિયા એમ કુલ નવ ઉમેદવાર મેદાનમાં રહ્યા છે.

જામનગર : લોકસભા બેઠક માટે કુલ 21 ફોર્મ માન્ય રહ્યાં હતાં ત્યારે 22 એપ્રિલ ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ હોય આજે ભારતીય સમતા સમાજ પાર્ટીના એક ઉમેદવાર રઘુવીરાસિંહ અનોપાસિંહ ગોહિલ અને અપક્ષના 6 ઉમેદવાર જેમાં જયરાજાસિંહ કિરીટાસિંહ ગોહિલ, પત્રકાર રામકૃષ્ણ નભેશંકર રાજ્યગુરુ, ખોડાભાઈ જીવરાજભાઈ નકુમ, કલ્પેશભાઈ વિનોદરાય આશાણી, કરશનભાઈ જેશાભાઈ નાગશ, બાબુભાઈ જેઠાભાઈ ગોહિલ એમ કુલ 7 ઉમેદવારે ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લેતા જામનગર લોકસભા બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટી, ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ, બહુજન સમાજ પાર્ટી, વીરો કે વીર ઇન્ડિયન પાર્ટી, રાષ્ટ્રીય મહાસ્વરાજ ભૂમિ પાર્ટીના તેમજ અપક્ષના 9 ઉમેદવાર મળી કુલ 14 ઉમેદવાર જામનગર લોકસભા બેઠક ઉપર ચૂંટણી લડશે.

પોરબંદર : લોકસભા અને વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે ત્યારે ઉમેદવારી ફોર્મ ભરવાની કામગીરી પૂર્ણ થઈ છે. ફોર્મ ચકાસણીની કામગીરી પૂર્ણ થયા બાદ ફોર્મ પરત ખેંચવાના દિવસે ડમી ઉમદેવારોનાં ફોર્મ આપોઆપ રદ થયાં હતાં. એકપણ ઉમેદવારે ફોર્મ પરત નહીં ખેંચાતા પોરબંદર લોકસભા બેઠક પર બાર ઉમેદવાર અને વિધાનસભા બેઠક પર છ ઉમેદવાર વચ્ચે જંગ થશે. મુખ્યત્વે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે જંગ થશે તેવી ચર્ચા જોવા મળી રહી છે.

અમરેલી : લોકસભાના 9 જેટલા ઉમેદવારોનાં ફોર્મ ચૂંટણી અધિકારી દ્વારા માન્ય રાખવામાં આવ્યા હતા. જેમાંથી આજે એક ઉમેદવાર દ્વારા ફોર્મ પરત ખેંચી લેવામાં આવતા  ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે અને હવે 8 જેટલા ઉમેદવાર વચ્ચે ચૂંટણી જંગ જામશે ત્યારે આગામી ચૂંટણીમાં અપક્ષો અને અન્ય પ્રાદેશિક પાર્ટીઓના ઉમેદવારો પણ મેદાને હોવાથી ચૂંટણી રસપ્રદ બની શકે છે. હવે ભાજપના ભરત સુતરિયા, કોંગ્રેસનાં જેનીબેન ઠુમ્મર, બહુજન સમાજ પાર્ટીના પુનાભાઈ દાફડા, પ્રાદેશિક પક્ષ ગ્લોબલ રિપબ્લિક પાર્ટીના વિક્રમ સાંખટ તો અપક્ષમાંથી હવે પ્રિતેશભાઈ ચૌહાણ, ભાવેશભાઈ રાંક, બાવકુભાઈ વાળા અને રવજીભાઈ ચૌહાણ ફાઇનલ ઉમેદવાર છે.

જૂનાગઢ: લોકસભા બેઠક માટે આજે ઉમેદવારી પરત ખેંચવાની સમય મર્યાદા પૂર્ણ થતા 11 ઉમેદવાર વચ્ચે જંગ જામશે. જેમાં ભાજપના રાજેશ ચુડાસમા, કોંગ્રેસના હીરાભાઇ જોટવા, બસપા, લોગ પાર્ટી, રાઇટ ટુ રિકોલ પાર્ટી તથા છ અપક્ષ ઉમેદવાર ચૂંટણી મેદાનમાં રહ્યા છે જ્યારે માણાવદર વિધાનસભા બેઠક પર ચાર ઉમેદવાર ચૂંટણી મેદાનમાં રહ્યા છે. જેમાં ભાજપના અરવિંદ લાડાણી અને કોંગ્રેસના હરિભાઈ કણસાગરા ઉપરાંત બે અપક્ષ ચૂંટણીમાં જંગમાં ઉતર્યા છે.

ભાવનગર: લોકસભા બેઠક માટે એક પણ ઉમેદવારે ફોર્મ પરત ન ખેંચતા હવે 13 ઉમેદવાર મેદાનમાં રહ્યા છે. જેમાં ભારતીય જનતા પાર્ટી અને ગઠબંધનના (આમ આદમી પાર્ટી)ના ઉમેદવાર,6 અન્ય રાજકીય પક્ષના ઉમેદવાર અને 5 અપક્ષ ઉમેદવારનો સમાવેશ થાય છે. મુખ્ય હરીફાઈ ભાજપનાં ઉમેદવાર નિમુબેન બાંભણિયા અને આપના ઉમેદવાર ઉમેશભાઈ મકવાણા વચ્ચે રહેશે. આમ ભાવનગરમાં કોળી સમાજના બે ઉમેદવાર વચ્ચે સીધી હરીફાઈ રહેશે.

સુરેન્દ્રનગર : ઉમેદવારી પરત ખેંચવાના અંતિમ દિવસે આજે 6 જેટલા ઉમેદવારે પોતાની ઉમેદવારી પરત ખેંચી હતી. હવે સુરેન્દ્રનગર સંસદીય મત વિસ્તારમાં ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ પક્ષના ઉમેદવાર મકવાણા ઋત્વિકભાઈ લવજીભાઈ, ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ચંદુભાઈ શિહોરા, બહુજન સમાજ પાર્ટીના ઉમેદવાર અશોકભાઈ ડાભી, મિશન ઓલ ઇન્ડિયા ઇન્ડિપેન્ડેન્ટ પાર્ટીના ઉમેદવાર પટેલ મધુસુદનભાઈ, ન્યુ ઇન્ડિયા યુનાઇટેડ પાર્ટીના ઉમેદવાર દિલીપભાઈ મકવાણા, રાષ્ટ્ર નિર્માણ પાર્ટીના ઉમેદવાર ચાવડા નિલેશભાઈ, ગુંજ સત્યની જનતા પાર્ટીના ઉમેદવાર દેવેન્દ્ર મોહનદાસ મહંત, અપક્ષ ઉમેદવારો જગદીશભાઈ પટેલ, કોળી રમેશભાઈ, ઝાલા દેવરાજભાઈ, સતરોટિયા વિનોદભાઈ, રાઠોડ આનંદભાઈ, ગેડિયા કૃષ્ણવદનભાઈ, અશોકભાઈ રાઠોડ એમ કુલ 14 ઉમેદવાર ચૂંટણી લડશે.

ઇ-પેપરના નવા શુલ્ક