• શનિવાર, 04 મે, 2024

સૌરાષ્ટ્ર ટ્રસ્ટના પૂર્વ ટ્રસ્ટી અને પ્રખર ગાંધીવાદી ધીરુભાઈ મહેતાનું નિધન

મુંબઈ, તા. 22 : સૌરાષ્ટ્ર ટ્રસ્ટના પૂર્વ ટ્રસ્ટી અને પ્રખર ગાંધીવાદી તથા અનેક સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે સંકળાયેલા ધીરુભાઈ મહેતાનું સોમવારે મુંબઈમાં નિધન થયું છે. તેઓ 88 વર્ષના હતા. ધીરુભાઈ તરીકે ઓળખાતા ધીરજલાલ એસ. મહેતા જન્મભૂમિ, ફૂલછાબ, કચ્છમિત્ર અને વ્યાપારનું સંચાલન કરતા સૌરાષ્ટ્ર ટ્રસ્ટમાં ટ્રસ્ટી, જૉઈન્ટ મૅનાજિંગ ટ્રસ્ટી પદ ઉપરાંત જન્મભૂમિ રાહત નિધિ ટ્રસ્ટ અને જન્મભૂમિ ઍજ્યુકેશન ફાઉન્ડેશન સાથે પણ સંકળાયેલા હતા. તેમણે સૌરાષ્ટ્ર ટ્રસ્ટમાં ટ્રસ્ટી તરીકે 36 વર્ષ સેવા આપી હતી. આ ઉપરાંત તેઓ નવજીવન ટ્રસ્ટના ચૅરમૅન, સેવાગ્રામના કસ્તુરબા હૅલ્થ સોસાયટીના પ્રમુખ, કસ્તુરબા ગાંધી મેમોરિયલ ટ્રસ્ટ, ઈન્દોર, વીરનગરની શિવાનંદ મિશન આઈ હૉસ્પિટલ, જામનગર સૈનિક ભવનના પૂર્વ ચૅરમૅન, ગાંધી પીસ ફાઉન્ડેશન, ગાંધી સ્મારક નિધિ, ઇન્ડિયન નેશનલ થિયેટર અને મણિ ભવન જેવી સંસ્થાઓમાં ટ્રસ્ટી તરીકે અનેક દાયકા સેવા આપી હતી. ભારતીય વિદ્યા ભવનના માનદ જૉઈન્ટ ડિરેક્ટર તથા અલિયાબાડાની ગંગાજળ વિદ્યાપીઠ તથા ગુજરાત વિદ્યાપીઠના સભ્ય હતા. છેલ્લા કેટલાક દિવસથી બૉમ્બે હૉસ્પિટલમાં તેઓ સારવાર હેઠળ હતા. સોમવારે મુંબઈમાં તેમના અંતિમ સંસ્કાર કરાયા હતા. સૌરાષ્ટ્ર ટ્રસ્ટના મૅનાજિંગ ટ્રસ્ટી હાર્દિકભાઈ મામણિયા વતી કુન્દન વ્યાસે પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

ધીરુભાઈનો જન્મ જસદણમાં થયો હતો અને વ્યવસાયે તેઓ ચાર્ટર્ડ ઍકાઉન્ટન્ટ હતા તથા આગળ જતાં અનેક કંપનીઓમાં ડિરેક્ટર પદે પણ રહ્યા હતા. ગાંધીવાદી વિચારોના રંગે રંગાયેલા ધીરુભાઈ જયપ્રકાશ નારાયણના આંદોલનમાં સહભાગી થયા હતા અને 1975માં કટોકટીના પ્રખર વિરોધીઓમાંથી એક હતા. અનેક સેવાભાવી સંસ્થાઓ ઉપરાંત બજાજ અૉટો લિ., મુકંદ લિ., વાલચંદ કૅપિટલ લિ., પિડિલાઈટ ફાઈનાન્સ લિ. તથા અન્ય કંપનીઓમાં તેઓ ડિરેક્ટર પદે પણ હતા. 1966થી બજાજ ગ્રુપ અૉફ કંપનીઝ સાથે સંકળાયેલા ધીરુભાઈ કૉર્પોરેટ લૉ અને ટૅક્સેશન જેવી બાબતો સંભાળતા. વરિષ્ઠ સર્વોદયી રાધાકૃષ્ણ બજાજનાં દીકરી નંદિનીબહેન સાથે તેમણે લગ્ન કર્યાં હતાં. તેમના પરિવારમાં પુત્ર નીરદ અને દીકરી મૈત્રી છે. તેમની અંતિમયાત્રામાં વ્યાપાર-ઉદ્યોગ ક્ષેત્રના મહાનુભાવો ઉપરાંત સામાજિક કાર્યકર્તાઓ તથા ગાંધીવાદીઓ બહોળી સંખ્યામાં જોડાયા હતા. ધીરુભાઈની પ્રાર્થનાસભા પચીસમી એપ્રિલ, ગુરુવારે, એફપીએચ હૉલ, લાલા લજપતરાય માર્ગ, હાજી અલી ખાતે સાંજે પાંચથી સાત દરમિયાન રાખવામાં આવી છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક