• શુક્રવાર, 03 મે, 2024

આખરે રુપાલા સામે ઉમેદવારી નેંધાવતા પરેશ ધાનાણી

જવતલીયાભાઇ તરીકે રાજકોટની બહેનોએ સ્વિકારી ચૂંટણી લડવા બોલાવ્યા એટલે પરેશ ધાનાણી રણમેદાનમાં ઉતર્યા : શક્તિસિંહ ગોહિલ

પરેશ ધાનાણી રૂ. 1.66 કરોડની સંપત્તિના આસામી છતાં તેમની પાસે ઘર કે કાર નથી, દીકરી પાસે એકમાત્ર સ્કૂટર

રાજકોટ, તા.19: રાજકોટ લોકસભાની બેઠક આ વખતે બહુ ચર્ચાતી રહી છે. રુપાલા સામે ક્ષત્રિય સમાજનો રોષ અને કોંગ્રેસ તરફથી રણમેદાનમાં ઉમેદવાર કોને ઉતારવા. રુપાલા સામેના વિવાદ બાદ રાજકોટ બેઠક પરથી પરેશ ધાનાણીનું નામ બાલાતું હતું પરંતુ તેમણે ચૂંટણી લડવાની ના પાડી દીધી હતી. હાઇકમાન્ડ દ્વારા એના મનામણા કરવામાં આવી રહયા હતા. જો કે આખરે તેમણે આજે ઉમેદવારી ફોર્મ ભર્યું છે. હવે રાજકોટની બેઠક ઉપર રુપાલા અને પરેશ ધાનાણી વચ્ચે જંગ જામશે. પરેશ ધાનાણીએ ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ બહુમાળી ભવન ચોકમાં જંગી જાહેર સભા (જન સ્વાભિમાન સંમેલન) સંબોધી હતી.

સ્વાભિમાન જન સંમેલનમાં પોતાના કાવ્યાત્મક અંદાજમાં પરેશ ધાનાણીએ વકતવ્ય શરૂ કર્યું હતું અને કહ્યું કે, રાજકોટની બહેનોએ જવતલીયાભાઇ તરીકે સ્વીકાર્યો છે એટલે સાંભળી લેજો કે આ લડાઇ સંસદ સભ્ય કે કોઇ પક્ષની નથી. ભ્રષ્ટાચારના ભારિંગને નાથવા આવ્યો છું. અહંકારી માછલીની આંખ વીંધવા આવ્યો છું. 

જાહેરસભામાં ઉપસ્થિત પ્રદેશ કોંગેસના અધ્યક્ષ શકિતાસિંહ ગોહિલ જણાવ્યું હતું કે, પરેશ ધાનાણીએ અંગત કારણોસર ચૂંટણી લડવાની ના પાડીને માત્ર અણવર બની ઉમેદવારને મદદ કરવાની અગાઉ સ્પષ્ટ વાત કરી હતી. પણ બહેનો દુ:ખી થતી હોય, જવતલીયાભાઇ તરીકે રાજકોટની બહેનોએ સ્વિકારી ચૂંટણી લડવા બોલાવ્યા એટલે પરેશ ધાનાણી રાજકોટનાં રણમેદાનમાં ઉતર્યા હોવાનું જણાવ્યું હતું.

સિધ્ધાર્થ પટેલ, જગદીશ ઠાકોર અને ઇસુદાન ગઢવી સહિતનાં ઇન્ડિયા ગઠબંધનના તમામ નેતાઓએ વર્તમાન સરકારની તાનાશાહીનો વિરોધ કરી, હજુ પણ જાગવાની જરૂર હોવા પર ભાર મૂકી રાજકોટનાં ઉમેદવાર પરેશ ધાનાણીને ચૂંટી કાઢવાની વાત દોહરાવી હતી.

આ સંમેલનમાં શકિતાસિંહ ગોહીલ, જગદીશ ઠાકોર, ભીખુભાઇ વારોતરીયા, ચંદ્રીકાબેન ચુડાસમા, જીગ્નેશ મેવાણી, જાવિદ મહંમદ પીરઝાદા, ઇસુદાન ગઢવી, ડો. હેમાંગ વસાવડા, અતુલ રાજાણી, ઇન્દ્રનિલ રાજયગુરૂ, યુવરાજાસિંહ જાડેજા, અશોક ડાંગર, જસવંતાસિંહ ભટ્ટી, વશરામ સાગઠીયા, મહેશ રાજપૂત, ગાયત્રીબા વાઘેલા વિગેરે સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના નેતાઓ-કાર્યકરો હાજર રહ્યા હતા. આ સમયે પરેશ ધાનાણીના ડમી તરીકે ડો.હેમાંગ વસાવડાએ પણ તેમનું ઉમેદવારી ફોર્મ ચૂંટણી અધિકારી પ્રભવ જોશી સમક્ષ રજૂ કર્યુ હતું. 

આજે રાજકોટ લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ ઉમેદવારી પત્ર ભર્યુ હતું. આ સાથે જ ધાનાણીએ એફિડેવિટમાં તેની કુલ 1 કરોડ 66 લાખની, તેમના પત્ની વર્ષાબેનની 43.13 લાખની અને પુત્રીઓના નામે 5.37 લાખની મિલકત દર્શાવી છે. સૌથી મોટી વાત એ છે કે તેમના નામે કોઈ રહેણાંક મકાન નથી. તેઓની મુખ્ય આવક ખેતીની છે. આ ઉપરાંત તેમના કે તેમની પત્નીની નામે કોઈ વાહનો નથી.

 

ઇ-પેપરના નવા શુલ્ક