• શુક્રવાર, 03 મે, 2024

અમિત શાહ અને પાટીલે વિજય મુહૂર્તમાં ઉમેદવારી ફોર્મ ભર્યું

ગાંધીનગરની જનતા આશીર્વાદ આપીને ફરી એકવાર સરકાર બનાવવામાં મોટું યોગદાન આપશે : અમિત શાહ

મુખ્યમંત્રી સહિત પક્ષના દિગ્ગજ નેતાઓ રહ્યા હાજર

અમદાવાદ, તા. 19: લોકસભા ચૂંટણીના ત્રીજા ચરણને હવે ગણતરીના જ દિવસ બાકી રહ્યા છે. ગુજરાતમાં ઉમેદવારી નોંધાવવાની આજે છેલ્લી તારીખ હતી. ગઈકાલે કેટલીક બેઠકો પર ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. ત્યારે આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગર અને ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે નવસારી બેઠક પર વિજય મુહૂર્તમાં ઉમેદવારી પત્રભર્યું હતું.

ગુજરાતમાં લોકસભા ચૂંટણી 2024 માટે ભાજપ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસે ઉમેદવારી નોંધાવી હતી. આજે અમિત શાહે ગાંધીનગરથી, સીઆર પાટિલે નવસારીથી તો પરેશ ધાનાણીએ રાજકોટથી ઉમેદવારી નોંધાવી હતી.

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગર લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે આજે ગાંધીનગર કલેક્ટર કચેરી ખાતે ભાજપના ઉમેદવાર તરીકે વિજય મુહૂર્તમાં નામાંકન ભર્યું હતું. આ અગાઉ અમિત શાહે ગાંધીનગર લોકસભાના હોદ્દેદારો સાથે સર્કિટ હાઉસ ખાતે 10.30 વાગ્યે બેઠક યોજી હતી. ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા બેઠકમાં સૂચન કરવામાં આવ્યા હતા. બેઠક બાદ અમિત શાહ કલેક્ટર ઓફિસ જવા રવાના થયા હતા અને ઉમેદવારી ફોર્મ ભર્યું હતુ. તેમની સાથે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ગૃહ મંત્રી હર્ષ સંઘવી,અમિત શાહના પત્ની સોનલ શાહ, રાજ્યસભા સાંસદ મયંક નાયક,  શંકર ચૌધરી, ઋષિકેશ પટેલ, ભુપેન્દ્રાસિંહ ચુડાસમા સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.

આ અવસરે અમિત શાહે જણાવ્યું હતુ કે હું એક નાના બૂથ કાર્યકર તરીકે સંસદમાં પહોંચ્યો છું. મોદીજીના નેતૃત્વમાં છેલ્લા 5 વર્ષમાં આ ક્ષેત્રની જનતાની સેવા કરવાના મળેલા અવસરને જનતાના આશીર્વાદથી આગળ વધારવા ઉત્સુક છું. મને વિશ્વાસ છે કે, ગાંધીનગરની જનતા આશીર્વાદ આપીને ફરી એકવાર સરકાર બનાવવામાં મોટું યોગદાન આપશે.

તેમણે કહ્યું કે, સીએમ અને પીએમ તરીકે મોદીના નેતૃત્વમાં બીજેપી સરકારે ઘણું કામ કર્યું છે. મે 30 વર્ષથી ધારાસભ્ય અને સાંસદ તરીકે આ વિસ્તારનું પ્રતિનિધિત્વ કર્યું છે. જનતા માટે પણ ઘણું કામ કર્યું છે. 5 વર્ષમાં 22 હજાર કરોડથી વધુના વિકાસ કામો થયા છે. લોકસભામાં 22 હજાર કરોડ રૂપિયાથી વધુનું કામ થયું છે. જનતાએ હંમેશા મને પ્રેમ કર્યો છે અને મને ભારે બહુમતીથી જીતાડ્યો છે. આ ચૂંટણી પીએમ મોદીને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવાની ચૂંટણી છે. દેશ 400ને પાર કરીને વડાપ્રધાન મોદીને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા માટે તૈયાર છે.

બીજી બાજુ ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ પણ આજે નવસારી લોકસભા બેઠક માટે ભાજપના ઉમેદવાર તરીકે વિજય મુહૂર્તમાં નામાંકન ભર્યું હતુ.ગત લોકસભા ચૂંટણીમાં આખા દેશમાં સૌથી વધુ લીડ સાથે જો કોઈ બેઠક કોઈ ઉમેદવારે જીતી હોય તો તે નવસારી બેઠક છે. અહીંથી પાટીલને 7 લાખથી પણ વધુ લીડ મળી હતી અને એટલે આ વખતે પણ પાટીલની જીત આસાન હશે તેવું અનેક વિશ્લેષકોનું માનવું છે. આ અવસરે પાટીલે જણાવ્યું કે, નરેન્દ્ર મોદીનાં વિકસીત ભારતના સંકલ્પને સાકાર કરવા, જન-જનની સુખાકારીમાં ઉમેરો કરવા, વિકાસની ગતિને હજી વધુ વેગવંતી બનાવવા, ભારત વિશ્વની ત્રીજા નંબરની આર્થિક મહાસત્તા બને-એ માટેનાં મોદીનાં સફળ પ્રયાસોમાં આહુતિ આપવાનાં સંકલ્પ સાથે આજે નવસારી લોકસભાનાં ઉમેદવાર તરીકે ઉમેદવારી ફોર્મ ભર્યું છે. 

આજે ઉમેદવારી નોંધાવેલા દિગ્ગજ ઉમેદવારોમાં અમિત શાહ (ગાંધીનગર), ભાજપના સીઆર પાટીલ (નવસારી) ઉપરાંત કોંગ્રેસના નૈષધ દેસાઇ (નવસારી), કોંગ્રેસના પરેશ ધાનાણી (રાજકોટ), ભાજપના પૂનમ માડમ (જામનગર), કોંગ્રેસના રામજી ઠાકોર (મહેસાણા), કોંગ્રેસના કેતન પટેલ (દમણ), કોંગ્રેસના અજીત મહાલ (દાદરા નગર હવેલી)નો સમાવેશ થાય છે. આ સિવાય અન્ય નેતાઓએ પણ મોટી સંખ્યામાં કાર્યકરોની હાજરીમાં કલેક્ટર કચેરી ખાતે પહોંચી ઉમેદવારી ફોર્મ ભર્યા હતા.

 

ઇ-પેપરના નવા શુલ્ક