• બુધવાર, 22 મે, 2024

ભ્રષ્ટાચાર બંધ થતા મારા ઉપર કોંગ્રેસ ગુસ્સે : મોદી

-રાજસ્થાન અને ઉત્તરાખંડમાં પીએમ મોદીએ કોંગ્રેસના પરિવારવાદ ઉપર કર્યા આકરા પ્રહાર : ભારતને વિકસિત દેશોમાં સામેલ કરવા તૈયારીની વાત કરી

 

ઋષિકેશ, તા. 11 : પીએમ મોદીએ ફરી એક વખત કોંગ્રેસની પરિવારવાદની રાજનીતિ ઉપર પ્રહાર કર્યો છે. તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસ માટે તેનો પરિવાર જ બધું છે જ્યારે મોદી માટે પૂરું ભારત જ પરિવાર છે. મોદી કહે છે કે, ભ્રષ્ટાચાર હટાવો જ્યારે કોંગ્રેસ કહે છે કે ભ્રષ્ટાચારીઓને બચાવો. ભ્રષ્ટાચાર પૂરા દેશ માટે નુકસાનકારક છે જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે પૈસા વચેટિયા ખાતા હતા. હવે લોકોને હકનો પૈસો સીધો ખાતામાં મળે છે. આ લૂંટ મોદીએ બંધ કરી છે. એટલે મોદી ઉપર કોંગ્રેસીઓનો ગુસ્સો સાતમા આસમાને છે. કોંગ્રેસીઓએ રામમંદિરના અસ્તિત્વને નકારી દીધું છે. ભાજપે સુપ્રીમ કોર્ટમાં લડીને રામ મંદિર બનાવડાવ્યું છે. આ સાથે કહ્યું હતું કે તેઓ 24 કલાક અને સાત દિવસ સતત કામ કરે છે જેથી 2047માં દેશની આઝાદીના 100મા વર્ષમાં ભારતની તુલના દુનિયાના વિકસિત દેશોમાં થઈ શકે.

પીએમએ ગુરુવારે ગઢવાલથી ભાજપ ઉમેદવાર નરેન્દ્ર બલુનીના સમર્થનમાં રેલીને સંબોધિત કરી હતી. આઇડીપીએલ મેદાનમાં પીએમએ દેવભૂમિને પ્રણામ કરતા ભાષણની શરૂઆત કરી હતી.

મોદીએ કહ્યું હતું કે, તેઓ ઉત્તરાખંડના લોકોના આભારી છે. પૂરો દેશ બોલી રહ્યો છે કે ફરી મોદીની સરકાર બની રહી છે. આજે ભારતમાં મોદીની મજબૂત સરકાર છે. દક્ષિણમાં ભાજપની પ્રચંડ લહેર છે.પહેલા કમજોર સરકારોમાં આતંક ફેલાયો હતો. આજે દેશમાં મજબૂત સરકાર છે. તેમની સરકારે કાશ્મીરમાંથી 370 હટાવવાનો મોટો નિર્ણય કર્યો છે. પહેલાની કમજોર સરકારોમાં આવા નિર્ણયનું સાહસ નહોતું.

પીએમ મોદીએ વન રેન્ક વન પેન્શનનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ ક્યારેય આ યોજના લાગુ કરી શકી નથી એનડીએ સરકારે અમલવારી કરાવી છે. મોદી જે ગેરન્ટી આપે છે તેને પૂરી કરે છે. આજે સૈનિકો પાસે તમામ પ્રકારની સુવિધા છે. પીએમએ કહ્યું હતું કે, તેઓ ઉત્તરાખંડના લોકોએ આપેલો પ્રેમ જીવનભર ભૂલી શકે તેમ નથી. કોંગ્રેસ ઉપર પ્રહાર કરતા કહ્યું હતું કે કમજોર સરકારોનાં કારણે દેશની સરહદો આજ સુધી મજબૂત બની શકી નહોતી. જો કે હવે દેશની સરહદોએ આધુનિક સુરંગો બની રહી છે. દેશ પાસે રાયફલથી લઈને યુદ્ધ વિમાન સ્વદેશી છે. પહેલા દેશના સૈનિકો પાસે બુલેટપ્રૂફ જેકેટ પણ હતા નહીં. આજે તમામ સુવિધા છે.

બીજી તરફ, રાજસ્થાનનાં કરૌલીમાં વડાપ્રધાને કહ્યું હતું કે, કોંગ્રેસનો ઈતિહાસ જ નહીં, ઈરાદા પણ ખતરનાક છે.

કરૌલી-કૈલાદેવી માર્ગે સિદ્ધાર્થ સિટીમાં વિજય શંખનાદ   રેલીને સંબોધતાં મોદીએ કહ્યું હતું કે, કોંગ્રેસ નેતાઓએ મત બેન્ક, તુષ્ટિકરણ માટે ગંદી રમત રમી છે.

ભ્રષ્ટાચાર માટે મંદિરો તોડીને તે જમીનનો પર કબ્જો કર્યો. રામનવમીની શોભાયાત્રા પર તેમનાં શાસનમાં પથ્થરમારો થતો તેવો પ્રહાર વડાપ્રધાને કર્યો હતો.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક