• બુધવાર, 22 મે, 2024

ખાનગી હોસ્પિટલોની જાહેર ઝાટકણી

-આકરી ટિપ્પણી કરતાં સુપ્રીમ કોર્ટે કહ્યું,

રાહત ભાવે જમીનો મેળવીને બનેલી ખાનગી હોસ્પિટલોમાં ગરીબો માટે બેડ નથી રખાતા

નવીદિલ્હી, તા.11 : સરકાર પાસેથી રાહતદરે જમીન મેળવીને બનેલી ખાનગી હોસ્પિટલોની દાનત વિશે સુપ્રીમ કોર્ટ દ્વારા કટુ સત્ય ઉજાગર કરતી આકરી ટિપ્પણી કરવામાં આવી છે. અદાલતે કહ્યું હતું કે, આ હોસ્પિટલો સબસિડી ઉપર જમીન લઈને ઈમારત બનાવી નાખે છે પણ પછી ગરીબવર્ગનાં લોકો માટે બેડ અનામત રાખવાના પોતાના વાયદાનું પાલન કરતી નથી.

જસ્ટિસ સુધાંશુ ધુલિયા અને જસ્ટિસ પ્રસન્ના બી. વારાલેએ નેત્ર રોગોના ઈલાજ માટે આખા દેશમાં એકસમાન દર નક્કી કરવાને પડકારતી અરજી ઉપર આ વાત કરી હતી. કોર્ટે કહ્યું હતું કે, આ ખાનગી હોસ્પિટલોને જ્યારે સબસિડી ઉપર જમીન લેવી હોય છે ત્યારે કહે છે કે, અમે ઓછામાં ઓછા 2પ બેડ ગરીબો માટે આરક્ષિત રાખીશું પણ પછી આવું ક્યારેય કરવામાં આવતું નથી. આવું અનેકવાર જોવા મળ્યું છે.

સરકારે નેત્ર રોગોના ઈલાજ માટે સમગ્ર દેશમાં એકસમાન દર નક્કી કરવાનો નિર્ણય કરેલો છે. ઓલ ઇન્ડિયા ઓપ્થેલમોલોજિકલ સોસાયટી દ્વારા કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી કે સ્પેશિયાલિસ્ટના દર એકસમાન હોઈ શકે નહીં. આવી જ રીતે મહાનગરો અને સુદૂર ગામોમાં પણ એકસમાન દર ન હોઈ શકે. વરિષ્ઠ અધિવક્તા મુકુલ રોહતગી અને એડવોકેટ બી.વિજયલક્ષ્મીએ સોસાયટીનો પક્ષ રજૂ કરતા કહ્યું હતું કે, સરકારનો આવો નિર્ણય યોગ્ય નથી. ઉપચારની ફી તમામ સ્થળે એકરૂપ ન હોઈ શકે.

આ મામલે હવે સુપ્રીમ કોર્ટે અભિપ્રાય માટે કેન્દ્ર સરકારને નોટિસ જારી કરી છે અને 17 એપ્રિલે સુનાવણી નિર્ધારી છે. કોર્ટે કહ્યું હતું કે, આની વ્યાપક અસર થશે. જસ્ટિસ ધૂલિયાએ કહ્યું હતું કે, આખરે સરકારની આ નીતિને કેવી રીતે પડકારી શકાય ? ઉદાહરણ તરીકે પૂર્વોત્તરમાં સ્વાસ્થ્ય સેવાઓનાં દર ઓછા છે અને જો આ નિયમને સમાપ્ત કરવામાં આવે તો પછી તેના ઉપર અસર થશે.

ઉલ્લેખનીય છે કે, ખાનગી હોસ્પિટલોના ધગધગતા ચાર્જથી લોકો પહેલેથી જ પરેશાની વ્યક્ત કરતા અને ફરિયાદો ઉઠાવતા રહે છે. આ સંજોગોમાં દેશની સર્વોચ્ચ અદાલતની આ ટિપ્પણી બેહદ મહત્ત્વની અને મોંઘી સ્વાસ્થ્ય સેવાઓ સામે અરીસો દેખાડનારી બની જાય છે.

ઇ-પેપરના નવા શુલ્ક