કોરીડોર અંગે સરકાર, ટ્રસ્ટ કે વહીવટી તંત્ર પારદર્શક વિગતો છુપાવી રહ્યંy હોવાથી લોકોમાં તીવ્ર રોષ : લોકોની એક જ વાત પ્રાણ લઈ લ્યો પરંતુ જમીન નહીં આપીએ
વેરાવળ, તા.7: સોમનાથ કોરીડોર સામે દિવસેને દિવસે
પ્રાચીન નગરી પ્રભાસપાટણના નગરજનોમાં રોષ તીવ્ર બની રહ્યો છે. જેનું પાછળનું એક કારણ
તો સરકાર, સોમનાથ ટ્રસ્ટ કે સ્થાનિક તંત્ર દ્વારા કોરીડોરને લઈને કોઈપણ જાતની સાચી
હકીકતો લોકોને જણાવી રહ્યું નથી. તો બીજી બાજુ સ્થાનિક તંત્ર દ્વારા કોરીડોરને લગતી
કામગીરી અવિરત ચાલી રહી છે. જેના લીધે સમગ્ર શહેરમાં કોરીડોરને લઈ અસમંજસની પરિસ્થિતિ
પ્રવર્તી હોવાથી લોકો ચિંતાતુર બન્યા છે. તેમ છતાં હજુ સુધી સતા પક્ષ કે વિપક્ષને એક
પણ નેતા આ મામલે લોકોની વેદના સમજવા કે જાણવા ફરકયા ન હોવાથી લોકોમાં રોષ છે.
છેલ્લા
ઘણા સમયથી સોમનાથ મંદિર કોરિડોરની ચર્ચાઓ ચાલી રહી છે પરંતુ કોરિડોર અંગે આજદીન સુધી
કોઈ પારદર્શક વિગતો સરકાર, સોમનાથ મંદિર ટ્રસ્ટ કે વહીવટી તંત્ર દ્વારા જાહેર કરવામાં
આવી નથી. કોરિડોરને લઈ પ્રાથમિક પ્લાન આયોજન સહિતની તમામ બાબતો લોકોથી યેનકેન પ્રકારે
છુપાવવામાં આવી રહી છે. છેલ્લા આઠેક મહિનાથી કોરિડોરની ગતિવિધિ તેજ બની હોય તેમ સ્થાનીક
કક્ષાએ મંદિર ટ્રસ્ટ અને વહીવટી તંત્ર વચ્ચે મેરેથોન બેઠકો યોજાઈ રહી છે. કોરિડોર માટે
જરૂરી જમીન સંપાદનની કામગીરીને અગ્રતા આપી પ્રભાસ પાટણના લોકો સાથે જિલ્લા કલેક્ટર,
નાયબ કલેક્ટર, એસ.પી. સહિત શીર્ષ અધિકારીઓ વારંવાર બેઠકો યોજી 384 જેટલા મિલકત ધારકોની
મિલકતો સંપાદન કરવાની મૌખિક વાતો કરી રહ્યા છે.
આ મામલે
નાયબ કલેક્ટર વિનોદ જોશીએ જણાવ્યું કે, સોમનાથ કોરિડોરનું કામ સરકારની સૂચનાથી હાથ
ધરવામાં આવ્યું છે. કોરીડોર બનાવવા માટે સોમનાથ મંદિર આસપાસની 25 હજાર ચો.મી. વિસ્તારની
384 આસમીઓની મિલ્કતોનું અધિગ્રહણ કરવાનું આયોજન છે. આ મિલ્કતોનું સંપાદન નહીં વેચાણથી
રાખવાનું આયોજન છે. જેથી અત્યાર સુધી કોઈ મિલકત ધારકને નોટિસ આપી નથી. સરકાર દ્વારા
મિલ્કતોનું અધિગ્રહણ કરવાની કિંમત નક્કી કરવા બેઠકો થઈ રહી છે. તેમાં જે કિંમત નક્કી
થશે તેની મિલકત ધારકોને જાણ કરવામાં આવશે. કોરીડોરને લઈ લોકોની વેદનારૂપી રજુઆત સરકાર
સમક્ષ મૂકી રહ્યા છે. આ તમામ કાર્યવાહી સરકારની સૂચના અનુસાર થઈ રહી છે.
મારો
પ્રાણ લઈ લો પણ હું જમીન નહીં આપું : પૂજારી
કોરીડોરને
લઈ જૂના સોમનાથ મંદિરની બાજુની શેરીમાં રહેતા અને પોતાનું મંદિર ધરાવતા પૂજારી નીલકંઠ
જાનીએ જણાવ્યું કે, મંદિર અને મકાન એ જમીન નથી મારો જીવ છે. મારે માત્ર એટલું જ પૂછવું
છે કે આ બધું શા માટે ? એક જાતની કમાણી કરવા ? અમારું પોતાનું મકાન હોય, અમારી પોતાની
જમીન હોય એ અમારે આપી દેવાનું કમાણી માટે ? સેવાભાવ માટે આ કોરિડોર તો નથી થવાનો. કાલ
સવારે કોરિડોર બનાવીને રુ.100 ટિકિટ કરી દેશે એ કમાણી માટે જ છે. અમારો પરિવાર પેઢીઓથી
આ જમીન પર રહેતો હોવા છતાં ખાલી કરી નાખો તેવું કહેવું યોગ્ય નથી. આ લોકશાહી નહીં રાજાશાહી
કહેવાય. આવું ન ચાલે. હજુ નોટિસ આપી નથી. મૌખિક જ કહેવા આવે છે કે તમારે ફોર્મ ભરવાનું
છે. અમે કહીએ કે અમારે નથી ભરવું તો કહે છે કે ભરવું પડશે. કોરિડોરમાં એક ઈંચ જમીન
પણ દેવી નથી. મારી માગણી છે કે મારો પ્રાણ લઈ મને મારી નાખે બસ. મારે જમીન નથી દેવી.