કોંગ્રેસ નેતાએ મહારાષ્ટ્રના ડેટા પ્રેઝન્ટેશનથી લગાવ્યો ગંભીર આરોપ : 40 લાખ શંકાસ્પદ મતદારોનો દાવો, કર્ણાટક અને હરિયાણામાં પણ મતોની ચોરીનો
આરોપ
: ચૂંટણી પંચે માગ્યું સોગંદનામું
આનંદ કે. વ્યાસ
નવી
દિલ્હી, તા. 7 : ચૂંટણીપંચ ભાજપ સાથે મળીને મતોની ચોરી કરી રહ્યા છે, આના પૂરાવા સાથે
એટમ બૉમ્બ ફોડીશ એવું કહેનારા રાહુલ ગાંધીએ આખરે આજે પત્રકાર પરિષદમાં આ બૉમ્બ ફોડયો
છે. ગાંધીએ કથિત પૂરાવા સાથે દેશભરમાં મતદાર યાદીમાંથી લાખો સાચા મતદાતાઓને ગાયબ કરાયા
અને ખોટા સરનામાં સાથે લાખો મતદાતા ઉમેરાયાનો દાવો કર્યો હતો. પત્રકાર પરિષદના મંચ
પરથી રાહુલ ગાંધીએ પોતાના આક્ષેપોના આધાર માટે એક અૉનલાઇન પ્રેઝન્ટેશન પણ દાખવ્યું
હતું. બીજીતરફ ચૂંટણી પંચે આવા આરોપ અંગે રાહુલ
ગાંધી પાસે સોગંદનામાની માગ કરી છે. આરોપને ગંભીર ગણાવતાં કહયુ કે તેને હાઈકોર્ટમાં
પડકારી શકાય છે.
ગયા
વર્ષની લોકસભા ચૂંટણીથી જ ચૂંટણી પંચ સાથે સાંઠગાંઠથી દેશભરમાં મતદાર યાદીમાં મોટા
પાયે હેરાફેરી કરવામાં આવે છે, એવા આક્ષેપો કૉંગ્રેસના નેતા અને લોકસભામાં વિપક્ષના
નેતા રાહુલ ગાંધીએ આજે ભાજપ ઉપર પત્રકાર પરિષદમાં કર્યા હતા. કૉંગ્રેસ મુખ્યાલયમાં
આયોજિત પત્રકાર પરિષદમાં રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે ભાજપ અને ચૂંટણીપંચે ચૂંટણી
માટે સાંઠગાંઠ કરી છે, નાગરિકોના મતોની ચોરી થઇ રહી છે, લાખો નાગરિકોને મતદાનથી વંચિત
કરાઇ રહ્યા છે. વિવિધ મતદાર ક્ષેત્રોમાં ખોટા સરનામાં સાથે બનાવટી મતદારો ઉમેરાઇ રહ્યા
છે, અને સાચા મતદારોના નામ હટાવાઇ રહ્યા છે. આ આક્ષેપો પૂરવાર કરવા રાહુલે કેટલાક પૂરાવા
પણ પત્રકાર પરિષદમાં રાખ્યા હતા.
ગાંધીએ
દાવો કર્યો કે કૉંગ્રેસે છેલ્લા છ મહિનાથી ચૂંટણીપંચ દ્વારા મત ચોરીના પૂરાવા મેળવવા
એક ટીમ બનાવી છે. જો ભારતીય ચૂંટણી પંચ અમને છેલ્લા 10-15 વર્ષના મશિન પ્રમાણિત ડેટા
અને સીસીટીવી ફૂટેજ નહીં આપે તો તેઓ આ ગુનામાં સંડોવાયેલા છે, એ સાબીત થશે. આ બાબતે
ન્યાયતંત્રએ પણ સંજ્ઞાન લેવું જોઇએ કેમ કે ભારતીયો લોકશાહીને ચાહે છે અને ભાજપ-ચૂંટણીપંચની
સાંઠગાંઠથી થઇ રહેલી આ કાર્યવાહીથી લોકશાહીને ભયાનક નુકસાન થઇ રહ્યું છે.
અૉનલાઇન
પ્રેઝન્ટેશન દાખવતા રાહુલ ગાંધીએ લોકસભાની બૅંગલુરૂ (મધ્ય) બેઠક અને એ જ મત વિસ્તારમાં
આવેલી મહાદેવપુર વિધાનસભા બેઠકના મતદાતાઓના લોકસભાની ચૂંટણીના વૉટર ડેટા એનાલિસિસ રજૂ
કરી હતી.
રાહુલે
કહ્યું હતું કે લોકસભાની ચૂંટણીમાં આ બેઠક પર કૉંગ્રેસને 6,26,208 મતો મળ્યા હતા અને
ભાજપને 6,58,915 મત મળ્યા હતા. માત્ર 32,707 મતના તફાવતથી ભાજપે આ સીટ જીતી છે. આંકડાની
એનાલિસિસમાં રાહુલે કહ્યું હતું કે લોકસભાની બૅંગલુરૂ મધ્ય બેઠક અંતર્ગત સાત મતક્ષેત્ર
છે જેમાંથી છમાં કૉંગ્રેસને સારા મતો મળ્યા પરંતુ વિધાનસભાની મહાદેવપુર બેઠકના મતવિસ્તારમાંથી
જ લોકસભાની ચૂંટણીમાં ભાજપને 1,14,000 મતો મળ્યા.
ગાંધીના
દાવા પ્રમાણે આ એક જ મતક્ષેત્રમાં 11,965 ડુપ્લિકેટ મતદાતાઓ, 40,009 ખોટા સરનામાં અને
બનાવટી નામો સાથે કુલ 1,00,250 મત ચોરાયા. એક જ સરનામે 10,452 મતદાતા હોવાનું પણ પકડાયું
છે. 4,132 મતદાતાના ફોટા ખોટા છે અને 33,692 મતદાતાઓએ નવા મતદાતાના ફોર્મ નંબર 6નો
દુરુપયોગ કર્યો હતો.
ગાંધીએ
આક્ષેપ કર્યો હતો કે આવું કારસ્તાન દેશભરમાં ચાલી રહ્યું છે, જે ભારતના બંધારણ અને
ત્રિરંગા વિરૂદ્ધનો અપરાધ છે. કૉંગ્રેસ ચૂંટણીપંચને યાદ અપાવવા માગે છે કે એનું કામ
દેશમાં નિષ્પક્ષ ચૂંટણી કરાવવાનું છે. વડા પ્રધાનને સત્તા પર ટકી રહેવા માત્ર પચીસ
સીટની જરૂર હતી, લોકસભાની ચૂંટણીના પરિણામો પર નજર કરો તો જણાશે કે પચીસ સીટો પર ભાજપે
33,000થી ઓછા મતોથી જીત મેળવી છે. થોડો સમય લોકોને શંકા હતી કે કોઇ પણ પાર્ટીને મતદાનમાં
સત્તા વિરોધી મતો ગુમાવવા પડે, પરંતુ લોકશાહી દેશમાં ભાજપ એક માત્ર એવી પાર્ટી છે જેને
સત્તા વિરોધી મતો ગુમાવવા નથી પડયા. આ મતોની ચોરી અને હેરાફેરી જ કારણ છે કે મોટા ભાગના
પ્રિ અને પોસ્ટ એક્ઝિટ પોલ્સ તેમ જ પાર્ટીઓના આંતરિક સર્વે પણ ખોટા પડયા. આજકાલ ચૂંટણીઓ
તબક્કાવાર યોજીને સાંઠગાંઠથી મતોની હેરાફેરી કરીને આયોજનબદ્ધ રીતે ટેક્નોલોજીની મદદથી
જીતી લેવામાં આવે છે. અગાઉ ટેક્નોલોજી નગણ્ય હતી છતાં દેશભરમાં એક સાથે ચૂંટણી યોજાતી
હતી.
કૉંગ્રેસને
2023માં છત્તિસગઢ વિધાનસભાની ચૂંટણી યોજાય ત્યારથી જ મતોની ચોરીની શંકા હતી અને ગયા
વર્ષે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી થઇ એમાં ખાતરી થઇ હતી કે મતોની ચોરી થઇ રહી છે.
કૉંગ્રેસ અને સાથીપક્ષો આ બંને રાજ્યમાં ચૂંટણી હારી ગયા હતા.