• શનિવાર, 30 ઑગસ્ટ, 2025

ભારત નહીં ઝૂકે, કિંમત ચૂકવવા હું તૈયાર : મોદી

ટ્રમ્પના ટેરિફ બોમ્બ સામે વડાપ્રધાનનો સ્પષ્ટ જવાબ : ખેડૂતોનું હિત સર્વોચ્ચ પ્રાથમિકતા, અમેરિકાના દબાણ સામે કોઈ સમાધાન નહીં

ખાદ્ય સુરક્ષામાં પ્રો.સ્વામિનાથનના યોગદાનને યાદ કર્યુ

 

નવી દિલ્હી તા.7 : વડાપ્રધાન મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પને પરોક્ષ રીતે સ્પષ્ટ જવાબ આપ્યો છે કે ભારત ખેડૂતો, માછીમારો અને ડેરી ઉત્પાદનોમાં સ્થાનિક પશુપાલકોના હિત સામે ઝૂકશે નહીં, કયારેય કોઈ સમાધાન નહીં કરે. તેમણે કહયું કે હું વ્યકિતગત રીતે જાણું છું કે મારે તે માટે ભારે કિંમત ચૂકવવી પડશે, પરંતુ હું તે માટે તૈયાર છું. આજે ભારત દેશના ખેડૂતો, માછીમારો અને ડેરીના ખેડૂતો માટે તૈયાર છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પની સતત ધમકી અને પ0 ટકા ટેરિફ લાદ્યવા છતાં ભારત સરકારે દબાણ સામે ઝૂકવા ઈનકાર કર્યો છે. ટ્રમ્પના ભારત વિરોધી વલણ વચ્ચે વડાપ્રધાન મોદીએ પહેલી પ્રતિક્રિયા આપી છે કે અમારા માટે, આપણાં ખેડૂતોનું હિત સર્વોચ્ચ પ્રાથમિકતા છે.  વડાપ્રધાન મોદીએ ગુરુવારે દિલ્હીમાં આયોજિત એમએસ સ્વામિનાથન શતાબ્દી આંતરરાષ્ટ્રીય પરિષદમાં ભાગ લેતાં સંબોધનમાં કહ્યું કે કેટલાક વ્યક્તિત્વો એવા છે, જેમનું યોગદાન કોઈ એક યુગ કે કોઈ એક ક્ષેત્ર સુધી મર્યાદિત નથી. પ્રો. સ્વામિનાથન આવા જ એક મહાન વૈજ્ઞાનિક હતા. તેમણે વિજ્ઞાનને જાહેર સેવાનું માધ્યમ બનાવ્યું. સ્વામિનાથને દેશની ખાદ્ય સુરક્ષાને પોતાના જીવનનું લક્ષ્ય બનાવ્યું. તેમણે એક એવી ચેતના જાગ્રત કરી, જે આવનારી સદીઓ સુધી ભારતની નીતિઓ અને પ્રાથમિકતાઓનું માર્ગદર્શન કરતી રહેશે. સ્વામિનાથન સાથે મારો સંબંધ ઘણાં વર્ષો જૂનો છે. ઘણા લોકો ગુજરાતની જૂની પરિસ્થિતિઓથી પરિચિત છે. દુષ્કાળ અને ચક્રવાતને કારણે ખેતી ઘણા સંકટનો સામનો કરી રહી હતી અને કચ્છમાં રણ વિસ્તરી રહ્યું હતું. હું જયારે ગુજરાતનો મુખ્યમંત્રી હતો ત્યારે અમે સોઈલ હેલ્થ કાર્ડ પર કામ શરૂ કર્યુ હતુ. તેમણે તેમાં ઘણો રસ દાખવ્યો હતો અને મુકતપણે સૂચનો અને માર્ગદર્શન આપ્યું હતું. તેમના યોગદાનને કારણે આ પહેલ ખૂબ જ સફળ રહી હતી.

 

હજુ વધુ પ્રતિબંધો આવશે : ટ્રમ્પ

વોશિંગ્ટન, તા. 7 : ભારત પર 50 ટકા ટેરિફ ઝીંકયા પછી ગઈકાલે બુધવારની મોડી રાત્રે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હજુ વધુ પ્રતિબંધો લાદવાની ચેતવણી આપી નાખી હતી. ટ્રમ્પે પત્રકારોના પ્રશ્નોના જવાબમાં જણાવ્યું હતું કે, હજુ તો ઘણું બધું થવાનું બાકી છે. ઘણા બધા વધારાના નિયંત્રણો લાગવાના છે. ચીન જેવા અન્ય દેશો પણ રશિયા પાસેથી તેલ ખરીદે છે, તો માત્ર ભારત સામે જ અમેરિકા આવા કડક પ્રતિબંધો શા માટે મૂકે છે, તેવા સવાલોના જવાબમાં ટ્રમ્પે આવી વાત કરી હતી. બીજી તરફ, મોડી રાત્રે ટ્રમ્પે આપેલી વધુ એક ચેતવણીની પણ પ્રતિક્રિયા આપતાં ભારતના વિદેશ મંત્રાલયે અમેરિકી કાર્યવાહીને અયોગ્ય, ખોટી લેખાવી હતી.

અમે અગાઉથી જ સ્પષ્ટ કરી દીધું છે કે, અમે બજારની સ્થિતિના આધાર પર તેલની ખરીદી કરીએ છીએ, તેવું વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું.

ભારતે સ્પષ્ટ જવાબમાં કહ્યું હતું કે, અમારી ખરીદનીતિનો હેતુ 140 કરોડ ભારતીયોની ઊર્જાની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે.

અમેરિકાએ ભારત પર વધારાનો ટેરિફ ઝીંક્યો છે, એ બેહદ કમનસીબ બાબત છે. ભારત પોતાના રાષ્ટ્રીયહિતોની સુરક્ષા માટે દરેક જરૂરી પગલાં ભરશે, તેવું ભારતીય વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું.

 

ઇ-પેપરના નવા શુલ્ક