• સોમવાર, 02 ડિસેમ્બર, 2024

સુપર-8 રાઉન્ડની 7 ટીમ ફિક્સ: બાંગલાદેશ પાસે પ્રવેશની તક

નેપાળ સામેની જીતથી બાંગલાદેશ સુપર-8માં પહોંચશે: નેધરલેન્ડ્સ હજુ પણ રેસની બહાર નહીં

નવી દિલ્હી, તા.16: અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝની ધરતી પર રમાઈ રહેલ ટી-20 વર્લ્ડ કપ-2024નો સુપર-8 રાઉન્ડનો તખ્તો લગભગ ઘડાઇ ગયો છે. સુપર-8 રાઉન્ડની 7 ટીમ ફિક્સ થઈ ચૂકી છે. હવે ફક્ત એક સ્થાન ખાલી છે. જે માટે બાંગલાદેશની ટીમ પ્રબળ દાવેદાર છે. અત્યાર સુધીમાં ભારત, વેસ્ટ ઇન્ડિઝ, ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, દ. આફ્રિકા અને અફઘાનિસ્તાન ટીમ સુપર-8 રાઉન્ડમાં પ્રવેશી ચૂકી છે. બાંગલાદેશની સાથોસાથ નેધરલેન્ડસ પણ હરીફાઇમાં છે. જો કે તક વધુ બાંગલાદેશની છે. આ માટે તેણે પોતાના આખરી ગ્રુપ મેચમાં નેપાળને બસ હાર આપવાની છે. આથી ગ્રુપ ડીમાં દ. આફ્રિકા પછી બીજા નંબર પર રહી બાંગલાદેશની ટીમને સુપર-8માં પહોંચી જશે.

જો બાંગલાદેશની હાર થાય અને નેધરલેન્ડસનો તેના આખરી ગ્રુપ મેચમાં શ્રીલંકા સામે વિશાળ વિજય થાય તો સુપર-8ની તસવીર બદલી જશે. આ સંજોગોમાં ડચ ટીમની એન્ટ્રી થશે. જો કે તેની સંભાવાના ઓછી છે. ટી-20 વર્લ્ડ કપમાં આ વખતે બેટધરો કઠિન પિચનો સામનો કરી રહ્યા છે. આથી ગ્રુપ સ્ટેજના મેચમાં સારા એવા ઉલટફેર થયા છે. આઇસીસી ટી-20 ક્રમાંકની ટોચની 8 ટીમમાંથી પાકિસ્તાન, ન્યુઝિલેન્ડ અને શ્રીલંકા સુપર-8 રાઉન્ડમાંથી બહાર થઈ ચૂકી છે. બીજી તરફ અમેરિકાએ આગેકૂચ કરી સહુને ચોંકાવી દીધા છે. સુપર-8 રાઉન્ડનો પહેલો મેચ 19મીએ અમેરિકા-આફ્રિકા વચ્ચે રમાશે.

સુપર-8 રાઉન્ડમાં ભારત તેનો પહેલો મેચ તા. 20મીએ ગુરુવારે અફઘાનિસ્તાન સામે રમશે જ્યારે 22મીએ બાંગલાદેશ અથવા નેધરલેન્ડ્સ ટીમ સામે હશે જ્યારે અંતિમ મેચ ઓસ્ટ્રેલિયા સામે 24મીએ હશે. ભારતના તમામ મેચ રાત્રે 8-00 વાગ્યાથી શરૂ થશે. પહેલો સેમિ ફાઇનલ 27મીએ સવારે 6-00 વાગ્યાથી શરૂ થશે. બીજો સેમિ એ જ દિવસે રાત્રે 8-00 વાગ્યાથી થશે. ભારતીય ટીમ જો સેમિમાં પહોંચશે તો બીજો સેમિ ફાઇનલ મેચ ગુયાનામાં રમશે. ફાઇનલ મેચ 29મીએ બ્રિજટાઉનમાં રાત્રે 8-00 વાગ્યાથી રમાશે.

 

ઇ-પેપરના નવા શુલ્ક