• બુધવાર, 23 ઑક્ટોબર, 2024

વિશ્વકપમાં ગિલ અને રોહિત વચ્ચે મતભેદ ?

ક્ષગ્રુપ લીગ મેચ પૂરા થતાં સ્વદેશ પરત ફરશે ગિલ : વિશ્વકપ દરમિયાન ગિલ ટીમ ઇન્ડિયા સાથે ઓછો જોવા મળ્યો

નવી દિલ્હી, તા. 15 : રોહિત શર્માનાં નેતૃત્વમાં ભારતીય ટીમ ટી20 વિશ્વકપ 2024ના સુપર-8માં પહોંચી ચૂકી છે. ભારત અંતિમ મેચ કેનેડા સામે રમવાનું હતું. અંતિમ લીગ મેચ બાદ રોહિત બ્રિગેડ આગામી રાઉન્ડ માટે વેસ્ટ ઇન્ડિઝ રવાના થશે. જો કે રિઝર્વ પ્લેયર્સની યાદીમાં સામેલ બેટ્સમેન શુભમન ગિલ સ્વદેશ પરત ફરે તેવી ચર્ચા છે. ગિલના ભારત પરત ફરવા બદલ મોટું કારણ ચર્ચાઈ રહ્યું છે.

રિપોર્ટ અનુસાર ગિલને રિઝર્વ ખેલાડીઓની લિસ્ટમાંથી બહાર કરવાનું કારણ અનુશાસનહીનતા છે. કહેવાય છે કે ગિલે ભારતીય ટીમ સાથે વધુ સમય વિતાવવાને બદલે પોતાના સાઇડ બિઝનેસમાં વ્યસ્ત રહ્યો હતો. તે ટીમ ઇન્ડિયા સાથે ટ્રાવેલ કરતો પણ જોવા મળ્યો નહોતો. ભારત અને પાકિસ્તાન વચ્ચે જ્યારે નવમી જૂને ટક્કર થઈ ત્યારે રિઝર્વ પ્લેયર રિંકુ સિંહ, ખલીલ અહેમદ અને આવેશ સ્ટેડિયમમાં ચીયર કરતા જોવા મળ્યા હતા. ગિલ ભારત - પાકિસ્તાન વચ્ચેના મેચમાં પણ જોવા મળ્યો નહોતો. ગિલ અને કેપ્ટર રોહિત શર્મા વચ્ચે પણ અણબનાવની પણ અટકળો છે. કહેવાય છે કે ગિલે ઇન્સ્ટાગ્રામ ઉપર રોહિતને અનફોલો કરી દીધો હતો. જો કે તેમાં હકીકત કેટલી છે તેની પુષ્ટિ થઈ શકી નથી. ગિલ ઉપરાંત ઝડપી બોલર આવેશને પણ ટીમમાંથી રિલિઝ કરવામાં આવે તેવી સંભાવના છે. રિપોર્ટ અનુસાર ટીમ મેનેજમેન્ટ સુપર-8 રાઉન્ડમાં ચાર રિઝર્વ ખેલાડીઓ જરૂરી સમજી રહ્યું નથી.

સૂત્રો અનુસાર શુભમન અને આવેશ અમેરિકામાં ગ્રુપ લીગ તબક્કા સુધી જ રોકાવાના હતા અને આ બાબત પહેલાથી જ નક્કી હતી. આ માટે આયર્લેન્ડ સામેના મેચ બાદ તેઓને ટીમથી અલગ કરી દેવામાં આવશે. ભારત સુપર-8નો પહેલો મુકાબલો 20મી જૂને અફઘાનિસ્તાન સામે રમશે. બીજો મેચ 22મીએ અને ત્રીજો મેચ 24મીએ રમાશે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક