• શનિવાર, 04 મે, 2024

CSKના ગઢ ચેપોક સ્ટેડિયમમાં LSG હલ્લાબોલ કરશે

8-8 અંક ધરાવતી ચેન્નાઇ અને લખનઉ ટીમ પોઇન્ટ ટેબલ પર સ્થિતિ સુધારવાના પ્રયાસમાં

ચેન્નાઇ, તા.22 : ગત ચેમ્પિયન ચેન્નાઇ સુપર કિંગ્સ તેના ગઢ ચેપોક સ્ટેડિયમ પર મંગળવારે લખનઉ સુપર જાયન્ટસ વિરુદ્ધ મેદાને પડશે ત્યારે તેનો ઇરાદો પાછલી હારનો હિસાબ ચૂકતે કરવો અને પોઇન્ટ ટેબલ પર પોતાની સ્થિતિ વધુ મજબૂત કરવાનો હશે. છેલ્લે બન્ને ટીમનો સામનો ગત સપ્તાહે લખનઉમાં થયો હતો ત્યારે એલએસજીની નવાબી જીત થઇ હતી. બન્ને ટીમના 7-7 મેચમાં 8-8 પોઇન્ટ છે. સીએસકે સારા નેટ રન રેટને લીધે ચોથા અને એલએસજી પાંચમા ક્રમ પર છે. ચેપોક સીએસકેનો અભેદ્ય કિલ્લો છે. અહીં હવે આ ટીમ સતત ત્રણ મેચ રમવાની છે. જેમાં જીત મેળવીને પ્લેઓફનો દાવો મજબૂત કરવા પર ચેન્નાઇની નજર બની રહેશે. જ્યારે લખનઉ ટીમનું લક્ષ્ય ચેપોકનો કિલ્લો ધ્વંશ કરીને ચેન્નાઇની ટીમને આંચકો આપવાનું હશે.

ચેન્નાઇ માટે મોટાભાગના રન કપ્તાન ઋતુરાજ ગાયકવાડ અને શિવમ દૂબેએ કર્યાં છે. આ બન્ને લખનઉ સામે નિષ્ફળ રહ્યા હતા. આથી ચેન્નાઇ ટીમ સંઘર્ષ કરતી જોવા મળી હતી. ઓપનર રચિન રવીન્દ્રનું ખરાબ ફોર્મ ચિંતાનો વિષય છે. રવીન્દ્ર જાડેજાએ અર્ધસદી કરી હતી, પણ તેની ઇનિંગ ઝડપી ન હતી. ધોની ફરી એકવાર ફિનિશર બનીને ઉભરી આવ્યો છે પણ ટોચના ક્રમના બેટધરોને નિષ્ફળતાને સીએસકેને નડી રહી છે. બોલિંગમાં મથીષા પથિરાના સર્વશ્રેષ્ઠ ફોર્મમાં છે. દીપક ચહર, મુસ્તાફિઝુર અને તુષાર દેશપાંડેથી ટીમને સારા દેખાવની આશા રહેશે.

લખનઉને તેના ઝંઝાવાતી બોલર મયંક યાદવની વાપસીની આશા રહેશે. જો સ્નાયૂ ખેંચાઇ જવાને લીધે પાછલા બે મેચથી બહાર છે. કેપ્ટન કેએલ રાહુલ અને કિવંટન ડિ’કોકની સલામી જોડી ચેન્નાઇના બોલરોની કસોટી કરશે. આ જોડીનું લક્ષ્ય પાવર પ્લેની 6 ઓવરમાં 7પ આસપાસનો સ્કોર કરી હરીફ ટીમના બોલરોને દબાણમાં રાખવાનું હશે. ઇનિંગના અંતમાં નિકોલસ પૂરન લખનઉ માટે ફિનિશરનો રોલ ભજીવી રહ્યો છે. જો કે સ્ટાર ઓલરાઉન્ડર માર્કસ સ્ટોઇનિસ અને યુવા બેટર દેવદત્ત પડીકકલની નિષ્ફળતા આ ટીમને ભારે પડી રહી છે.

ઇ-પેપરના નવા શુલ્ક