• શુક્રવાર, 03 મે, 2024

હૈદરાબાદની રન રફતાર પર અંકુશ મૂકવાનો દિલ્હી સામે પડકાર દિલ્હી કેપિટલ્સ માટે કુલદિપ-અક્ષરની જોડી ટ્રમ્પકાર્ડ બની શકે છે

નવી દિલ્હી, તા.19: ગયા વર્ષે અરૂણ જેટલી સ્ટેડિયમ પર કાંખઘોડીના સહારે ઋષભ પંત અહીં નજરે પડયો હતો. હવે શનિવારે સનરાઇર્ઝ હૈદરાબાદ વિરૂધ્ધ દિલ્હી કેપિટલ્સના કેપ્ટનના રૂપમાં મેદાનમાં ઉતરશે ત્યારે તેના માટે ભાવુક પળો હશે. પંતની ટીમ હોમ ગ્રાઉન્ડ પર સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવું પડશે. કારણ કે તેની સામે હૈદરાબાદનો પડકાર છે. જેની બેટિંગ લાઇન અપ ભલભલા બોલરોની ધોલાઇ કરીને રનના ખડકલા કરી રહી છે. દિલ્હીનો દેખાવ અત્યાર સુધી મિશ્રિત રહ્યો છે. તે ગુજરાત ટાઇટન્સ અને લખનઉ સુપર જાયન્ટસને હરાવીને નોકઆઉટની રેસમાં બની રહી છે. દિલ્હી કેપિટલ્સના ખાતામાં 7 મેચમાં 3 જીત અને 4 હાર છે. 

બીજી તરફ પોઇન્ટ ટેબલ પરની ચોથા નંબરની ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદ બે વખત આઇપીએલ ઇતિહાસનો સર્વોચ્ચ સ્કોર બનાવી ચૂકી છે. મુંબઇ સામે 3 વિકેટે 277 અને બેંગ્લુરુ વિરૂધ્ધ 3 વિકેટે 187 રન ખડકયા હતા. હવે આ ટીમની નજર 300 રનના આંકડાને સ્પર્શ કરવા પર છે.  આથી પંતની ટીમના બોલરોની કસોટી થશે. ખાસ કરીને દિલ્હીની ઝડપી બોલર ત્રિપુટી ઇશાંત શર્મા, ખલિલ અહમદ અને મુકેશ કુમાર માટે હૈદરાબાદની રન ગતિ પર અંકુશ મુકવો મોટો પડકાર બની રહેશે. દિલ્હી પાસે ટ્રમ્પકાર્ડ તરીકે ચાઇનામેન બોલર કુલદિપ યાદવ છે. સ્પિન મોરચે તેને અક્ષર પટેલ સાથ આપી રહ્યો છે. આ જોડી હૈદરાબાદના ફટકાબાજોને પરેશાન કરી શકે છે. હૈદરાબાદના ટ્રેવિસ હેડ, અભિષેક શર્મા, હેનરિક કલાસેન, એડન માર્કરમ અને અબ્દુલ સમદ જેવા બિગ હિટર દિલ્હીના ફિરોઝ શાહ કોટલા મેદાન પર ફરી એકવાર 2પ0 આસપાસનો સ્કોર કરવા માંગશે. દિલ્હી ટીમે જો લક્ષ્યનો પીછો કરવાનો હશે તો હૈદરાબાદને 210 આસપાસ રોકવું પડશે.

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક