• બુધવાર, 23 ઑક્ટોબર, 2024

શાંતિમંત્રણામાં પુતિનને જાકારો

યુક્રેન પીસ સમિટમાં ભારત સહિત 90 દેશના પ્રતિનિધિઓ : મેલોનીએ કહ્યું, રશિયા યુક્રેનને તેની જમીન પરથી હટાવવા માગે છે

કિવ, તા. 16 : સ્વિત્ઝર્લેન્ડમાં ચાલી રહેલી બેદિવસીય યુક્રેન શાંતિ શિખર મંત્રણામાં યુરોપિય દેશોના નેતાઓએ રશિયન રાષ્ટ્રપતિ પુતિનના યુદ્ધવિરામ પ્રસ્તાવને ફગાવી દીધો છે, જ્યારે જર્મનીના ચાન્સેલર ઓલુફ સ્કોલ્ઝે તેને સરમુખત્યારશાહી શાંતિ પ્રસ્તાવ ગણાવ્યો હતો, ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ પુતિનના પ્રસ્તાવને પ્રોપેગેન્ડા ગણાવ્યો હતો. સ્વિસ સત્તાવાળાઓએ કોન્ફરન્સ માટે 160 દેશને આમંત્રણ આપ્યું હતું, જેમાંથી ભારત સહિત લગભગ 90 દેશના નેતાઓ અથવા પ્રતિનિધિઓએ તેમાં ભાગ લીધો છે. જો કે, આ સમિટ માટે રશિયાને આમંત્રણ મોકલવામાં આવ્યું નથી.  મેલોનીએ કહ્યું કે, આના માધ્યમથી રશિયા યુક્રેનને તેની જ જમીન પરથી હટાવી રહ્યું છે. તે જ સમયે, બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનકે રશિયન રાષ્ટ્રપતિ પર યુક્રેન સાથે સમાધાન કરવાની તેમની ઇચ્છા વિશે ખોટી વાર્તા ઘડવાનો આરોપ મૂક્યો હતો. તેમણે કહ્યું કે, રશિયાને શસ્ત્રો પૂરા પાડનારા દેશો ઇતિહાસની ખોટી બાજુ પર છે. સમિટની ઘોષણામાં યુક્રેનની પ્રાદેશિક અખંડિતતા જાળવવા અને તેના પર પરમાણુ હુમલાના કોઈપણ ખતરાને નકારવા જેવા મુદ્દાઓનો સમાવેશ થાય છે. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીના ચીફ ઓફ સ્ટાફ, આન્દ્રે યર્માકે બીબીસી ન્યૂઝને જણાવ્યું હતું કે સ્વિસ સમિટમાં યુક્રેનની સ્વતંત્રતા, સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતા પર કોઈ સોદો કરવામાં આવશે નહીં.

ઇ-પેપરના નવા શુલ્ક