• બુધવાર, 23 ઑક્ટોબર, 2024

સરકારે ‘નીટ’માં ગરબડ કબૂલી

દેશના શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું : એનટીએમાં સુધારો જરૂરી, દોષી સામે કડક પગલાં લેવાશે

નવી દિલ્હી, તા. 16 : દેશભરમાં રાષ્ટ્રીય પરીક્ષણ એજન્સી (એનટીએ) વિરુદ્ધ વ્યાપક દેખાવો અને ‘નીટ’ પરીક્ષા મુદ્દે વકરેલા વિવાદ વચ્ચે ખુદ દેશના શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને સ્વીકાર્યું છે કે, નીટ પરીક્ષાનાં પરિણામમાં કેટલીક ગરબડો થઇ છે.

નેશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ)માં સુધારા કરવાની જરૂરત છે, તેવું પણ પ્રધાને માન્યું હતું. તેમણે કહ્યું હતું કે, જે પણ મોટા અધિકારી તેમાં સામેલ હશે, તેમને છોડી નહીં દેવાય.

દેશના શિક્ષણમંત્રીએ જણાવ્યું હતું કે, ‘નીટ’ના સંબંધમાં બે પ્રકારની અવ્યવસ્થાના વિષય સામે આવ્યા છે.

પ્રારંભિક જાણકારી હતી કે, કેટલાક છાત્રોને ઓછો સમય મળવાનાં કારણે તેમને કૃપાગુણ અપાયા હતા. બીજી અવ્યસ્થા રૂપે બે સ્થળ પર ગરબડ સામે આવી હતી, તેવું તેમણે ઉમેર્યું હતું.

પ્રધાને કહ્યું હતું કે, સરકારે આ પ્રકારની અનિયમિતતાઓને ગંભીરતાથી લીધી છે, તેવી ખાતરી હું છાત્રો અને વાલીઓને આપું છું.

અમે દરેક પ્રશ્નને એક નિર્ણાયક સ્થિતિ સુધી લઇ જઇશું. સરકાર આ સમગ્ર પ્રકરણની ચિંતા કરી રહી છે, તેવું તેમણે જણાવ્યું હતું.

‘નીટ’ પરીક્ષામાં કોઇપણ પ્રકારની ગરબડ માટે જવાબદાર ગુનેગારને માફ નહીં કરતાં કઠોર કાર્યવાહીની ખાતરી પ્રધાને આપી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક