• બુધવાર, 28 ફેબ્રુઆરી, 2024

ડેમ ઉપર કબજાથી આંધ્ર-તેલગણ વચ્ચે તણાવ

ચૂંટણી દરમિયાન આંધ્રના 700 પોલીસે ડેમ પર કબજો કરી પાણી છોડયાનો આરોપ : કેન્દ્રનો હસ્તક્ષેપ

હૈદરાબાદ, તા.ર : તેલંગણમાં વિધાનસભાની ચૂંટણીના મતદાનનાં કેટલાંક કલાકો પહેલા જ આંધ્રપ્રદેશે કૃષ્ણા નદી ઉપર બનેલા નાગાર્જુન સાગર ડેમને પોતાના કબજામાં લઈ લેતાં બન્ને રાજ્ય વચ્ચે ભારે તણાવ છવાયો છે. આ મામલે હવે કેન્દ્ર સરકારે હસ્તક્ષેપ કર્યો છે અને બન્ને રાજ્યને ર8 નવેમ્બર સુધીમાં નાગાર્જુન સાગરમાંથી છોડવામાં આવેલું પાણી પરત કરવા અપીલ કરી છે.

આંધ્રએ ડેમ પર કબજા સાથે પાણી છોડવાનું પણ શરૂ કરી દીધું છે. ગુરુવારે મોડી રાત્રે ર વાગ્યા આસપાસ જ્યારે તેલંગણના મોટાભાગના અધિકારીઓ ચૂંટણી વ્યવસ્થામાં વ્યસ્ત હતા ત્યારે આંધ્રપ્રદેશના આશરે 700 જેટલા પોલીસકર્મીઓએ ડેમ ખાતે ધસી જઈ કેનાલ ખોલી નાંખીને પ00 ક્યૂસેક પાણી છોડી દીધું હતું. આંધ્રના સિંચાઈ મંત્રી અંબાતી રામબાબૂએ સવારે એક્સ પ્લેટફોર્મ પર મેસેજ લખ્યો હતો કે અમે પીવાનાં પાણી માટે કૃષ્ણા નદીના નાગાર્જુન સાગર બાંધની રાઇટ કેનાલથી પાણી છોડી રહયા છીએ.

જે સાથે તેમણે સ્પષ્ટ કર્યું કે તેમણે એટલું જ પાણી લીધું છે જેટલું આંધ્રપ્રદેશ અને તેલંગણ વચ્ચે સમજૂતી થઈ છે. સિંચાઈ મંત્રીએ મીડિયા સમક્ષ કહ્યંy કે અમે કોઈ સમજૂતીનો ભંગ કર્યો નથી. કૃષ્ણા નદીના 66 ટકા પાણી પર આંધ્રપ્રદેશ અને 34 ટકા પાણી પર તેલંગાણાનો અધિકાર છે. જે પાણી અમારું નથી તેના એક ટીપાનો પણ અમે ઉપયોગ કર્યો નથી. અમે અમારાં ક્ષેત્રમાં અમારી નહેર ખોલવાનો પ્રયાસ કર્યો છે. આ પાણી ખરેખર અમારું છે. કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ એક વીડિયો કોન્ફરન્સ દરમિયાન આંધ્રપ્રદેશ અને તેલંગણા સમક્ષ સમજૂતીનો પ્રસ્તાવ મૂક્યો હતો અને બન્ને રાજ્ય પાણી પરત કરવા અંગે સહમત થઈ ગયાનું મનાય છે. આગળ જતાં કોઈ પણ પ્રકારનો સંઘર્ષ ટાળવા ડેમના ચોકી પહેરાની જવાબદારી કેન્દ્રીય રિઝર્વ પોલીસ (સીઆરપીએફ) દ્વારા કરવામાં આવશે. જે ધ્યાને લેશે કે બન્ને રાજ્યને સમજૂતી અનુસાર પાણી મળે છે કે કેમ ?

 

 

 

Budget 2024 LIVE