• રવિવાર, 21 જુલાઈ, 2024

ભારતે ગાઝામાં 32 ટન સામગ્રીની મદદ મોકલી

અલ-શિફા હોસ્પિટલમાં બાળકોની હાલત ગંભીર : બંધકોને છોડાવવા સમજૂતીનો સંકેત: શાળા પર હુમલામાં 50નાં મોત

તેલ અવીવ, તા. 19 : ‘લોહી તરસ્યા’ યુદ્ધના પ્રહારો સહન કરી, શારીરિક અને માનસિક રીતે  ભાંગી પડેલા પેલેસ્ટાઇનના લોકોની માનવીય મદદ માટે ભારતે સી-17 વિમાનથી 32 ટન જરૂરી સામગ્રી મોકલાવી છે.

બીજી તરફ સંયુક્ત રાષ્ટ્રએ જણાવ્યું હતું કે, અલ-શિફા હોસ્પિટલમાં હજુ પણ સ્ટાફના 25 કર્મચારી, 291 દર્દી અને  32 નવજાત બાળક છે. બાળકોની હાલત બેહદ ગંભીર છે. વિશ્વ આરોગ્ય સંગઠન (હૂ)એ ઘોષણા કરી છે કે, ગાઝાની  અલ-શિફા હોસ્પિટલ ‘ડેથ ઝોન’ એટલે કે ‘મૃત્યુ ક્ષેત્ર’ બની ચૂકી છે.

ગઇકાલે શનિવારે મોટી સંખ્યામાં લોકોએ  આ હોસ્પિટલ ખાલી કરી નાખી હતી. બીજી તરફ ઇઝરાયલ, અમેરિકા અને હમાસ વચ્ચે બંધકોને  છોડવા  માટે જલ્દી સમજૂતી થશે તેવું વોશિંગ્ટન પોસ્ટના અહેવાલમાં જણાવાયું છે.

અહેવાલ અનુસાર કતર મારફતે થઇ રહેલી આ સમજૂતી હેઠળ બંધકોને  છોડવાના બદલામાં પાંચ દિવસ માટે યુદ્ધ વિરામ થઇ શકે છે.વડાપ્રધાન બેંજામિન નેતન્યાહુએ કહ્યું હતું કે, ગાઝા અને તેની બહાર મોજૂદ હમાસના આતંકવાદીઓ અમારા માટે જીવિત લાશ છે.

ઇઝરાયલના સંરક્ષણમંત્રી યોવ ગૈલંટે જણાવ્યું હતું કે,  અમારી સેના જલદી દક્ષિણ ગાઝામાં પણ હમાસ સુધી પહોંચી જશે. હમાસ તેના સુરંગ, બંકરો, ઠેકાણા ખોઇ રહ્યું છે.

દરમ્યાન ગાઝાના આરોગ્ય મંત્રાલયે દાવો કર્યો હતો કે, ઇઝરાયલની  સેનાએ ઉત્તર ગાઝામાં અલ-ફખુરા નામની એક શાળા પર હુમલો કરતાં 50 લોકોનાં મોત થયાં છે.

--------

ભારતીય નૌકાદળ ગાઝામાંથી લોકોને બહાર લાવવા તૈયાર

બેંગ્લોર, તા. 19 : ભારતીય નૌકાદળ પશ્ચિમ એશિયામાં જારી સંઘર્ષ વચ્ચે ગાઝામાંથી લોકોને સુરક્ષિત ઉગારવા માટે તૈયાર છે. સેનાના યુનિટના જવાનો ઓમાન, એડનનો અખાત અને લાલ સાગરમાં તૈનાત કરાયા છે. એડમિરલ આર. હરિકુમારે બેંગ્લોરમાં યોજિત સિનર્જી કોન્કલેવ દરમ્યાન આવી જાણકારી આપી હતી. ભારત પહેલાંથી જ ગાઝાના લોકોને રાહત સામગ્રી અને સહાય મોકલે છે. ભારતીય નૌકાદળ તેના બેડાંનો આકાર વધારવાની તૈયારીમાં છે. બજેટ પણ મજબૂત છે અને પૂરતાં સંસાધનો છે, તેવું તેમણે ઉમેર્યું હતું. નૌકાદળ પાસે અત્યારે 130 જહાજ અને 220 એરક્રાફટ છે. અત્યારે તમામ આકારનાં 67 જહાજ અને સબમરીન બનાવવાનો વ્યાયામ જારી છે.

ઇ-પેપરના નવા શુલ્ક